રાજયમાં છેલ્લા સાત વર્ષમાં 40 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
ફાર્માસ્યુટીકલ કંપનીઓની આડમાં ચાલતો ડ્રગ્સનો કાળો કારોબાર રોકવા કોંગી નેતા અમિત ચાવડાની માંગણી
ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપીયાનું ડ્રગ્સ પકડાયું છે રાજયને ડ્રગ્સનું હબ બનતુ અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં એક હાઈપાવર કમિટક્ષની રચના કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના નેતા અમિત ચાવડા દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતુ કે, ડ્રગ્સ અને દારૂ ગુજરાત માટે, આપણી યુવા પેઢી માટે ખુબ ચિંતાનો વિષય છે. આજે જે રીતે ગુજરાતમાં શાંતિ સલામતી જળવાઈ રહી એની પાછળ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો કારણભૂત છે. પાછલા ત્રણ દાયકામાં પોલીસ પ્રશાસન અને સરકારની મિલીભગતના કારણે દારૂબંધીનો કાયદો હોવા છતાં પણ ગુજરાતની ગલીએ ગલીએ દારૂ વેચાય છે પણ થોડા વર્ષોથી ગુજરાત ડ્રગ્સનું પ્રોસેસિંગ, ક્ધઝમશન અને એક્સપોર્ટ હબ બન્યું છે. દારૂના દુષણથી પણ વધુ ડ્રગ્સનું દુષણ યુવા પેઢીમાં વધ્યું છે.
ગુજરાતમાં જયારે પણ ડ્રગ્સ પકડાય ત્યારે સરકાર તેની વાહવાહી લુંટે છે પરંતુ તેમાં આજસુધી મંગાવનારા અને મોકલનારા કોઈ મોટા માથા પકડાયા હોય તેવું ક્યાય રેકોર્ડમાં નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તાર સાણંદ તાલુકામાં કેરાલા જી.આઈ.ડી.સી. માં એક ફાર્માંસ્યુંટીકલ કંપનીમાં એન.સી.બી.એ પાડેલા દરોડામાં ફાર્માંસ્યુંટીકલ કંપનીમાં પ્રોસેસમાં લેવાતું ડ્રગ્સ પકડાયું છે જેમાં આફ્રિકામાં એક્સપોર્ટ કરવા માટેનું 500 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ 400 જેટલા ડ્રમમાં એન.સી.બી.ને જોવા મળ્યું. આ પ્રતિબંધિત ડ્રગ્સની કીમત આશરે 1 કિલોની 1 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવે છે અને વિદેશમાં તેની 20 ગણી કીમત આંકવામાં આવે છે તેવી માહિતી સમાચાર માધ્યમોથી પ્રાપ્ત થઇ રહી છે. આ પ્રમાણે જોઈએ તો સીઝ કરેલા 500 કિલો ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કીમત આશરે 10,000 કરોડ થાય છે.
છેલ્લા 7 વર્ષમાં આખા ગુજરાતમાંથી લગભગ 40,000 કરોડ કરતા વધુની કિમતનું ડ્રગ્સ પકડાયાની જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે અને જયારે સાણંદની કેરાલા જી.આઈ.ડી.સી.માંથી આટલી મોટી કિમતનું ડ્રગ્સ પકડાય તે છતાં સરકાર, પોલીસ, પ્રશાસન બધા ચુપ હોય તે ખુબ ચિંતાજનક બાબત છે. આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ડ્રગ્સની ખુબ મોટી કાર્ટેલ ચાલતી હોય, ગુજરાત ડ્રગ્સનું લેન્ડીંગ હબની સાથેસાથે પ્રોસેસિંગ હબ બની રહ્યું હોય ત્યારે ફાર્માંસ્યુંટીકલ કંપનીઓની આડમાં ડ્રગ્સનું આખું નેટવર્ક ચાલી રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે. હાલમાં જ સાવલી ખાતે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું, તે પહેલા વાપી ખાતે પણ કરોડોની કિમતનું ડ્રગ્સ પકડાયું તે જોતા એ સ્પષ્ટ દેખાય છે કે ગુજરાત હવે ડ્રગ્સનું લેન્ડીંગ, પ્રોસેસિંગ અને એક્ષપોર્ટ હબ બની રહ્યું છે.
આ સંદર્ભે પાર્લામેન્ટમાં સરકાર દ્વારા અપાયેલ જવાબમાં રજુ કરવામાં આવ્યું કે 2006 થી 2013 અને 2014 થી 2022 દરમિયાન પકડાયેલ ડ્રગ્સના આંકડામાં ખુબ મોટો વધારો થયો છે. 2006 થી 2013 માં જપ્ત કરાયેલ ડ્રગ્સ 22 લાખ 45 હજાર કિલો હતું, જે નરેન્દ્રભાઈના કાર્યકાળમાં 2014 થી 2022 માં 62 લાખ 60,000 હજાર કિલો સુધી પહોંચી ગયું જે બતાવે છે કે આમાં 180% થી પણ વધુનો વધારો થયો છે. 2006 થી 2013 માં 10 કરોડ યુનિટ ડ્રગ્સ પકડાયું ત્યારે 2014 થી 2022 માં 134% ના વધારા સાથે તે આંકડો 24 કરોડ યુનીટે પહોંચી ગયો છે.
કિમતમાં જોવા જઈએ તો 2006 થી 2013 માં આ પકડાયેલ ડ્રગ્સની કીમત આશરે 33,000 કરોડ જેટલી હતી પણ 2014 થી 2022 માં આ રકમમાં ત્રણ ગણો વધારો થઈને 97,000 કરોડે પહોંચી ગઈ છે. 2006 થી 2013 માં ટોટલ કેસીસ 1,45,062 નોંધાયા હતા જયારે તેમાં 185% નો વધારો થઈને 2014 થી 2022 માં આ કેસીસની સંખ્યા 4,14,697 સુધી પહોંચી છે. અને તે રીતે ગુનેગારો પણ ખુબ વધી ગયા છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીનું હોમ સ્ટેટ હોવા છતાં ગુજરાતની અને દેશની આ પરિસ્થિતિ અને આ આંકડા ખુબ મોટી ચિંતાનો વિષય છે.
આ અંગે અમિતભાઈ ચાવડાએ માંગણી કરતા જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રીના મતવિસ્તારમાં 10,000 કરોડનું ડ્રગ્સ પકડાય છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કેમ ચુપ છે તે જવાબ આપે. સાથેસાથે સ્પષ્ટ કરે કે ત્યાં શું પકડાયું છે, કેવી રીતે પકડાયું છે, કોના દ્વારા પકડાયું છે, કોણ લોકો સામેલ છે, કોણ ગુનેગારો છે અને એમને પકડવામાં આવ્યા છે કે કેમ તે સ્પષ્ટ કરે. સાથે સાથે તેમણે માંગણી કરી કે ભાજપની ડબલ એન્જીન સરકારમાં ગુજરાતને ડ્રગ્સનું હબ બનતું અટકાવવા માટે હાઈકોર્ટના સીટીંગ જજના નેતૃત્વમાં એક હાઈપાવર કમિટી બનાવવામાં આવે, આ ક્ષેત્રના નિષ્ણાતોને તેમાં સામેલ કરવામાં આવે અને ડ્રગ્સ કેટલા પ્રમાણમાં, કઈ રીતે, કઈ કાર્ટેલ દ્વારા ગુજરાતમાં આવે છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
હાલમાં ફાર્માંસ્યુંટીકલ કંપનીની આડમાં આવા પ્રતિબંધિત ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ, વેચાણ અને એક્ષપોર્ટ કરવામાં આવે છે અને સ્કૂલો, કોલેજો અને યુનીવર્સીટીની આસપાસ મળતા ડ્રગ્સના લીધે આજની યુવા પેઢી બરબાદ થઇ રહી છે તે માટે સરકાર એક ઝુંબેશ ઉપાડે અને આવી ફાર્માંસ્યુંટીકલ કંપનીઓ ઉપર કાયદાકીય પગલા લે અને યુવા પેઢીને બરબાદ થતા અટકાવે. પક્ષા-પક્ષીથી ઉપર થઈને ગુજરાતની આવનારી પેઢીને બચાવવા માટે પગલા ભરવા અમે માંગણી કરીએ છીએ.