ઘનશ્યામનગર મેઈન રોડ, પુષ્કરધામ રોડ સહિતના વિસ્તારોમાં હજારો લીટર પાણીનો વેડફાટ: જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયાની માંગ
અપુરતા વરસાદના કારણે શહેરની જળજરૂરીયાત સંતોષતા જળાશયોમાં પુરતા પાણી નથી. ઉનાળામાં જળ કટોકટીના એંધાણની દહેશત પ્રવર્તી રહી છે. આવામાં મહાપાલિકાનું તંત્ર પાણી બચાવવા કરતા વેડફી રહ્યું હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. શહેરના પ્રથમ નાગરિક એવા મેયર બીનાબેન આચાર્યના મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૦ના અનેક વિસ્તારોમાં ગઈકાલે વાલ્વમેન વાલ્વ બંધ કરવાનું ભુલી જતા આખી રાત પાણી વિતરણ થયું હતું અને હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો.શહેરના વોર્ડ નં.૧૦ના ઘનશ્યામનગર મેઈન રોડ, પુષ્કરધામ રોડ સહિતના વિસ્તારોમાં ગતરાત્રે પાણીનો વાલ્વ ખુલ્લો રહી જતા હજારો લીટર પાણી વહી ગયું હતું.
આખીરાત પાણીનો વેડફાટ ચાલુ રહેતા પાણી છેક કાલાવડ રોડ પર એ.જી.ચોક સુધી પહોંચ્યું હતું. આ અંગે આજે વહેલી સવારે કોંગી કોર્પોરેટર મનસુખ કાલરીયાએ એન્જીનીયરોનું ધ્યાન દોડતા દોડધામ મચી જવા પામી છે. કોન્ટ્રાકટરની ભુલ અને મહાપાલિકાની બેદરકારીના પાપે હજારો લીટર મહામુલુ પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ શહેરીજનો પર છાશવારે પાણી કાપનો કોરડો વીંઝવામાં આવે છે તો બીજી તરફ મહાપાલિકાનું નિર્ભર તંત્ર પાણી બચાવવા માટે કયારેય ગંભીર થતું નથી. વાલ્વ બંધ ન કરવા જેવી ભુલ કરનાર જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવા કોંગી કોર્પોરેટરે માંગણી કરી છે.