લવકુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, પાટીદાર સમાજ પોતાની ઉદ્યમશીલતા, સાહજિકતાથી શૂન્યમાંથી સર્જન કરનારો મહેનતકશ સમાજ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ સમાજે જીવનના દરેક ક્ષેત્રમાં પોતાની સફળતાના ડંકા વગાડ્યા છે તેના મૂળમાં પાટીદાર સમાજની મહેનત તથા છેવાડાના માનવીને મદદરૂપ થવાની ભાવના તથા સંસ્કાર રહેલા છે.અમદાવાદના ભાગવત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા લવ-કુશ પાટીદાર ભાવાત્મક મહાસંમેલનમાં તેમણે કહ્યું કે, સરદાર સાહેબની ખુમારી ધરાવતા પાટીદાર સમાજે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યા છે તેને સિદ્ધ કર્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, ગુજરાતના વિકાસમાં અગ્રેસર છે, અનેક ક્ષેત્રોમાં ગુજરાત નંબર વન છે, ગુજરાત દેશનું રોલમોડેલ બન્યું છે તેમાં મૂળમાં અનેક પાટીદારોનો પરિશ્રમ રહેલો છે. તેમના પરસેવાને કારણે જ ગુજરાત ઉજળું છે, દેશમાં મોખરે છે.
તેમણે કહ્યું કે, આજે સમાજમાં એકતાની જરૂર છે. સૌ સાથે મળીને કાર્ય કરીએ તો કોઈ પણ સફળતા હાંસલ કરી શકાય છે તેવા સમયે કડવા અને લેઉવાના ભેદ ભૂલી સૌ એક બનીને નેક બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે.તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, આવા સંમેલનો દ્વારા માનવતાના કાર્યોની સમાજમાં સુવાસ ફેલાય છે અને સમાજની એકતા સમાજમાં દ્રઢ બને તે માટે આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે.
તેમણે કડવા અને લેઉવા બન્ને સમાજ એક જ છે ત્યારે બંનેની સાથે ચાલવાની માનસિકતા સૌના સુખે સુખી, સૌના દુ:ખે દુ:ખીની ભાવનાને દ્રઢિભૂત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આવનારા દિવસોના પ્રડકારો ઝીલી સમાજના સેવાકીય કાર્યોમાં સરકાર પણ તમારી સાથે રહેશે તેમ જણાવી સરદાર સાહેબના સ્વપ્નના ભારતના નિર્માણ માટે કટિબદ્ધ થવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.
તેમણે સૌના સાથ -સૌના વિશ્વાસ અને સૌના સહકાર દ્વારા ગુજરાતને હજુ વધુ ઊંચાઈ સુધી લઈ જવું છે, જેમાં સૌ સમાજની એકતાને સુદ્રઢ કરતા આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ સાબિત થાય છે. સૌ સમાજની એકતા દ્વારા ગુજરાતને વિકાસની નવી ઊંચાઈ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા તેમણે આ તબક્કે વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમાજના ઉત્કર્ષ તથા સાહિત્ય સંસ્કૃતિના જતન -સંવર્ધન માટે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોનું પાટીદાર શિરોમણી એવોર્ડથી સન્માન પણ કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, લક્ષ્મી, સરસ્વતી, માનવતા અને મહેનતને સન્માનિત કરવાનો આ બહુમુખી કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ એક જ છે, તેમાં ભૂતકાળ માં કોઈ કારણસર ભેદભાવ થયા હોય છતાં, આજે બન્ને સમાજ એક જ સ્થળે, એક જ મંચ હેઠળ એકત્રીત થયો છે તે આનંદની વાત છે.
તેમણે આવા કાર્યક્રમોને સમાજને ફેવીકોલની જેમ બોન્ડિંગથી જોડવાનું કાર્ય કરે છે. જરૂરિયાતના સમયે હાકલ પડે ત્યારે બન્ને સમાજે એકબીજાના પડખે ઉભા રહી મજબૂત સહકાર આપવાનું આહ્વાન પણ તેમણે કર્યું હતું. આ અવસરે શિક્ષણ ક્ષેત્રે પ્રદાન કરનાર નિરમાના કરસનભાઈ પટેલ, ઉદ્યોગ ક્ષેત્રે પ્રદાન કરનાર ઝાયડસના પંકજભાઈ પટેલ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઇ પટેલ, સહકારી ક્ષેત્રે પ્રદાન કરનાર વિઠ્ઠલભાઈ પટેલ, સાહિત્યક્ષેત્રે પ્રદાન કરનાર ગુણવંતભાઈ શાહ, તબીબી ક્ષેત્રે પ્રદાન કરનાર ડો. તેજસ પટેલ, દિવ્યાંગ ક્ષેત્રે મનુભાઈ સોમાભાઈ પટેલ, શિક્ષણ ક્ષેત્રે પ્રિન્સિપાલ ભીખુભાઈ પટેલનુ પાટીદાર શિરોમણી એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. લવકુશ મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરીભાઈ અમીન, મેયર બિજલબેન પટેલ, અમદાવાદના ધારાસભ્ય, પાટીદાર પરિવાર ટ્રસ્ટના હોદ્દેદારો, પાટીદાર સમાજના આગેવાનો તથા પાટીદાર ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.