ચાર્જશીટ અને જામીન અરજીમાં નામમાં તફાવત હોવાથી જામીન મેળવ્યા છતાં યુવકે વધુ 8 મહિના જેલમાં કાઢવા પડ્યા

પ્રયાગરાજની એક ખૂબ જ અજીબ ઘટના સામે આવી છે. જે યુવકને હાઇકોર્ટે જામીન આપી દીધા હતા તેને જામીન મળ્યા બાદ પણ 8 મહિના સુધી જેલવટો ભોગવવો પડ્યો હતો. નામમાં ફક્ત ’કુમાર’ લખતા ભુલાઈ જતા કુમારને આઠ મહિના સુધી જેલમાં રખાયો હતો.

મળતી માહિતી મુજબ પ્રયાગરાજના સિદ્ધાર્થનગર જેલ ખાતે સજા ભોગવતા વિનોદ કુમાર બરૂઆર નામના શખ્સની આઠ મહિના અગાઉ હાઇકોર્ટે જામીન અરજી મંજુર કરી દીધી હતી. જામીન અરજીમાં યુવાનના નામમાં ’કુમાર’ શબ્દનો ઉલ્લેખ કરાયો ન હતો. જામીન મંજુર થયે જામીન જેલ ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જેલ તંત્રે દલીલ કરતા નામમાં ’કુમાર’ શબ્દનો ઉલ્લેખ નહીં થતા વ્યક્તિની ઓળખ થઈ શકતી નથી જામીન માન્ય ગણી શકાતા નથી. જામીનને માન્ય નહિ રાખતા જેલતંત્રે યુવાનને મુક્ત નહીં કરી 8 મહિના સુધી ગેરકાયદે જેલ ખાતે રાખવામાં આવ્યો હતો. મામલામાં અલ્હાબાદ હાઇકોર્ટે જિલ્લા મધ્યસ્થ જેલના અધિક્ષક રાકેશસિંહને ચેતવણી આપતા કહ્યું છે કે, કોર્ટે જામીન મંજુર કર્યા હોય છતાં મુક્ત નહીં કરવા બાબતે જેલ તંત્ર ભવિષ્યમાં કાળજી રાખે. ભવિષ્યમાં આવી ભૂલ થવી જોઈએ નહીં તેવી ટકોર પણ કોર્ટ દ્વારા કરવામાં આંબી હતી. મામલામાં જેલ અધિક્ષક રાકેશસિંહે કોર્ટને એફિડેવિટ રજૂ કરી કહ્યું હતું કે, યુવકને 8 ડિસેમ્બરના રોજ જેલમુક્ત કરી દેવાયો હતો. કોર્ટે એફિડેવિટનો સ્વીકાર કર્યો હતો. મામલામાં જસ્ટિસ જે જે મુનિરે કહ્યું હતું કે, કોર્ટે અધિક્ષક દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટનો સ્વીકાર કર્યો છે. નામના ઉભી થયેલી ગૂંચને કારણે આ ભૂલ થઈ હોય તેવું હાલ લાગી રહ્યું છે તેમ છતાં જેલ તંત્રને આ અંગે ભવિષ્યમાં કોઈ ભૂલ ન થાય તે માટે કાળજી લેવા અંગે ચેતવણી આપી દેવામાં આવી છે. 4 સપ્ટેમ્બર 2019ના રોજ સિદ્ધાર્થનગર એડિશનલ સેશન્સ જજએ યુવકની જામીન અરજી નામંજુર કરી હતી. જે બાદ આરોપીએ હાઇકોર્ટ ખાતે જમીન અરજી મંજુર કરી હતી જેને 9 એપ્રિલ 2020 ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. જમીન અરજીમાં આરોપીનું નામ વિનોદ બરૂઆર નોંધવામાં આવ્યું હતું જ્યારે ચાર્જશીટમાં આરોપીનું નામ વિનોદ કુમાર બરૂઆર લખવામાં આવ્યું હતું જેથી આરોપીએ વધુ 8 મહિના સુધી જેલ ભોગવટો કરવો પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.