વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં મોબાઈલનો વપરાશ વધુ પણ 10,000 વ્યક્તિ દીઠ ડોકટર, હોસ્પિટલના ખાટલા અને નર્સોની ભારે અછત 

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર 5 ટ્રીલીયન અમેરીકન ડોલર સુધી લઈ જવા માટેના ચક્રોગતિમાન થઈ ચૂક્યા છે. સમગ્ર દેશ 4જી ટેકનોલોજીનો ઉપયોગમાં સૌથી વધુ મોબાઈલ વાપરનારો દેશ બની રહ્યો છે. જીવનશૈલી સુધરી રહી છે પણ ખાટલે મોટી ખોટ હોય તેમ ભારતની વસ્તીની ગીચતા અને આરોગ્ય સંબંધી વ્યવસ્થામાં સમગ્ર પરિસ્થિતિ રામ ભરોશે જેવી છે. 10,000 વ્યક્તિ દીઠ હોસ્પિટલ, ડોકટરો અને નર્સની સંખ્યામાં ભારત ઘણુ પાછળ છે. કોરોના કટોકટીને ભુલી જાવ કોઈપણ આફતમાં ભારતનું આરોગ્ય તંત્ર સમસ્યાનો સામનો કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના મહામારીએ ભારતની ક્ષમતા અને આરોગ્ય વ્યવસ્થાની અસમર્થતા ખુલી પાડી દીધી હોય તેમ મહામારીમાં ભારતનું સૌથી મોટુ આરોગ્ય તંત્ર, વ્યવસ્થા અને નિપૂર્ણતા બતાવવામાં પાછુ પડ્યું છે. આરોગ્ય વ્યવસ્થા, જાળવણી, આંતર માળખાકીય સુવિધાનો અભાવ સામે આવ્યો છે. આ મહામારીએ કોઈપણ કટોકટી સામે ભારતનું આરોગ્ય તંત્ર વ્યવસ્થા માટે અસમર્થ અને માંદલુ હોય તેવું બતાવી દીધું છે. કોરોના કટોકટીમાં જે સ્થિતિ ઉભી થઈ છે તે અન્ય મુશ્કેલીઓ અને મહામારીમાં પણ સામે આવી શકે છે. ભારતમાં મહામારી કે આપતીને રોકવા અને તેનાથી થતું નુકશાન અટકાવવા માટેની કોઈ પુરતી વ્યવસ્થા જ નથી. આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે રામ ભરોસે ચાલતું હોય તેમ વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વ્યાપક મોટી વસ્તી ધરાવતા દેશમાં ખાટલે મોટી ખોટ હોય તેમ તબીબો, નર્સોથી લઈને હોસ્પિટલમાં દર્દીના ખાટલા સુધીની અછત પ્રવર્તી રહી છે. બીજી તરફ આપણી સામાજિક વ્યવસ્થા અને સમજણના અભાવથી મહામારી સામે લડવા માટે સામાજીક સુરક્ષા પણ પાંગણી પુરવાર થઈ છે. એક તરફ ડિજીટલ કરન્સીની અને ડિજીટલ યુગની વાતો થઈ રહી છે. બીજી તરફ આપણી પાસે આરોગ્ય સુવિધા અને પુરતી ખાટલાની સંખ્યા પણ નથી.

કોરોના કટોકટીના પગલે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદે માનવ સંશાધન આંક અને આરોગ્ય સુચાંક માટેના કરેલા સર્વેમાં ભારતની આરોગ્ય વ્યવસ્થાના નબળા પાસા પર પ્રકાશ ફેંક્યો છે. ભારતનું આરોગ્ય અને વ્યવસ્થા તંત્ર આ કટોકટી સામે સંપૂર્ણપણે નબળુ પુરવાર થયું છે. જે દેશમાં વિશાળ જન સંખ્યા અને માનવ સંશાધન વિકાસ માટેની પુરતી તકો હોય અને સરેરાશ દરેક દવાખાનામાં સરેરાશ 55 પથારી, 30 તબીબો, 81 નર્સ, પ્રતિ 10,000ની વસ્તીના આધારે કરવામાં આવતા સુચાંકમાં ભારતમાં માત્ર 7 પથારીઓ 2 ડોકટર અને 6 નર્સો 10,000ની વસ્તી પર સેવા આપે છે. ભારતમાં આરોગ્ય સંશાધનોની મોટાપાયે અછત વર્તાઈ રહી છે.

ભારતમાં માનવ સંશાધન વિકાસનો સુચાંક અને જીવનશૈલી, સગવડતાઓમાં પણ ભારે પછાતપણુ દેખાઈ રહ્યું છે. શાળાના અભ્યાસક્રમથી લઈ આર્થિક વ્યવસ્થામાં પણ ભારત ઘણુ પાછળ છે.

આરોગ્ય વ્યવસ્થામાં ભારતની સ્થિતિ 2018માં આવેલા આંકડામાં ભારતનો સુચાંક ઘણો પાછળ છે. 10,000ની વસ્તી દીઠ 7 ડોકટરો અને 9 પથારીઓની વ્યવસ્થામાં ભારત વિશ્ર્વના અન્ય દેશો કરતા ખુબજ પાછળ છે. કોરોના કટોકટી ભુલી જાવ અન્ય કોઈ મહામારીનો સામનો કરવો પડે તો આપણી પાસે કોઈ જ વ્યવસ્થા નથી. બીજી તરફ ભારતમાં આરોગ્યની બદતર હાલત સામે વેપાર અને ટેકનોલોજીના વપરાશમાં ભારત સૌથી આગળ છે. મોબાઈલ ફોનના વપરાશમાં ભારત પાકિસ્તાન જેવા વિકસીત દેશો કરતા ઘણુ આગળ છે. આરોગ્યની સુવિધાઓમાં પછાતપણુ ધરાવતું ભારત મોબાઈલના વપરાશમાં અને બ્રોડબેન્ડમાં આગળ છે. એક અહેવાલમાં આર્થિક અને સામાજિક રીતે એશિયાના દેશોમાં ભારતનો વૃદ્ધિ દર 2 થી 6 ટકા જેટલો વધુ છે. કોરોના મહામારીમાં ભારતની આરોગ્ય વ્યવસ્થાની મર્યાદા સામે આવી ગઈ હોય તેમ આપણા દેશમાં કોઈપણ પ્રકારની આરોગ્ય કટોકટી અને મહામારીનો સામનો કરવાની પૂરી ક્ષમતા છે જ નહીં. આગામી દિવસોની આફત અને આરોગ્ય કટોકટીને ધ્યાને લઈ આયોજનના અભાવે સમગ્ર વિશ્વમાં કોરોના કટોકટીના પગલે ભારતની આરોગ્ય વ્યવસ્થાના ઢંગધડા વગર આરોગ્યની ભારે ઝાટકણી નીકળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.