હરેક કલાકારની કલા નિખારવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. વાત કરીયે અભિનય ક્ષેત્રમાં તો અમુક અભિનેતા/અભિનેત્રી રોલ ભજવે છે, અમુક રોલ નિભાવે છે, જયારે બહુ ઓછા કલાકર રોલ જીવીજાય છે. જે રોલ ભજવાયો અથવા નિભાવ્યા કરતા જીવાયો હોય એ અમર થઈ જાય છે, જે કલાકારેએ રોલને જીવી જાણ્યો હોય તેને જગત હંમેશા યાદ કરે છે. આજે એવાજ એક કલાકારને યાદ કરવા છે કે જે સ્ક્રીન પર આવે તો આપણે એક પળ માટે પણ પાંપણ ના મિચીયે.
“ઈરફાન ખાન”, આમ તો આ નામને કોઈ પહેચાનની જરૂર નથી, દેશ-વિદેશમાં તેના કામ દ્વારા જ તેની આગવી ઓળખ ઉભી થઈ છે. Neuroendocrine Tumor નામની બીમારી સામે લડતા અભિનેતા ઈરફાન ખાનનું 29 એપ્રિલ 2020ના રોજ નિધન થયું હતું. આજે ઈરફાન ખાન આપણી વચ્ચે નથી તેને એક વર્ષ થયું, પણ તેની ફિલ્મો આજે પણ તે આપણી વચ્ચે હયાત છે તેવી સાક્ષી પુરે છે.
ઈરફાનની પહેલી મૃત્યુ તિથિ પર તેમની પત્ની સુતપા સિકદરએ કહ્યું છે કે, ‘ઈરફાન એક ખુશ્બૂ જેવો છે, મારા ઘરમાં આજે પણ એ ખુશ્બુની મહેક રૂપે જીવિત છે. જે પણ લોકો મારા ઘરમાં આવે છે તે કોઈને એવું મહસૂસ નથી થતું કે ઈરફાન નથી રહ્યા.’
સુતપાએ ઈરફાનની વિદાયથી આવેલા ફેરફારોની વાત કરતા કહ્યું કે, ‘જ્યારે તમારે તમારા જીવનસાથીને શારિરીક રીતે ગુમાવો છો, ત્યારે તમે એકલતા સાથે તમારા જીવનનું આત્મનિરીક્ષણ કરો છો. તમે તેની સાથેના સંબંધોના નાજુક ધાગા પર ધ્યાન કેન્દ્રિત કરો છો. તમે તેને એક માનવી તરીકે ખુબ ઊંડાણ પૂર્વક સમજવા લાગો છો, અને પછી તમે તેને બતાવેલા રસ્તા પર આગળ વધો છો. જે તમને એક અલગ જોડી બનાવી હંમેશા સાથે રાખશે. તેથી હું તેમની સાથે જે રીતે પેહલા ચાલતી તેમ આજે પણ દરેક માર્ગ પર ચાલું છું.’
ઈરફાનના કામ વિશે વાત કરીયે તો, મકબુલ, હાસિલ, રોગ, તલવાર, ધ નેમશેક, લાઈફ ઈન અ મેટ્રો, પાન સિંહ તોમર, વગેરે અને આ સાથે હોલિવુડમાં ઇન્ફર્નો, જુરાસિક વર્લ્ડ, સ્પાઇડર મેન જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકા નિભાવી છે. ઈરફાન ખાન માટે હતો શબ્દ વાપરવું બહુ કપરું છે, તે એક એવા અભિનેતા છે, જે લોકોના દિલમાં હંમેશા જીવતા રહશે.