- સામાન્ય આરોપી અને વનવિભાગના આરોપી કર્મચારી માટે કાયદાના ત્રાજવા અલગ
- સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતાં દંડ કરી ગુનો માંડવાણ, વનકર્મી સામે માત્ર તપાસનું નાટક
વન વિભાગના કાયદાના ત્રાજવા સામાન્ય લોકો અને તેના કર્મચારીઓ માટે જુદા જુદા છે. ધારી ડિવિઝનના ખાંભા રેન્જમાં ખુદ વન કર્મચારી જ રક્ષક મટી ભક્ષક બન્યો છે. જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પાણીના પોઇન્ટ પર પાણી પી રહેલ સિંહની પજવણી કરી હતી. તેનો વિડીયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. પરંતુ વન વિભાગના કર્મચારી સામે માત્ર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. જ્યારે તેની સાથે ગેરકાયદેસર જંગલમાં ઘૂસી સિંહની પજવણી કરતા શખ્સોને માત્ર સામાન્ય દંડ કરી જવા દેવામાં આવતા વન વિભાગની કામગીરી સામે વધુ એકવાર સવાલો ઊભા થયા છે.
ખાંભા રેન્જના પીપળવા વીડીમાં વાંદરીગાળા વિસ્તાર તરીકે ઓળખાતા જંગલના પાણીના પોઇન્ટ પર સિંહ પાણી પીતા હોય અને તેનો વિડીયો ઉતારી બચકારા કરતા હોય તેવી રીતે પજવણી કરવામાં આવી હતી. આ અંગેનો વિડીયો વાયરલ થયો હતો. બાદમાં વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં આરોપી તરીકે ખુદ વન વિભાગનો કર્મચારી જ નીકળ્યો. ખાંભા રેન્જના પીપળવા રાઉન્ડમાં અગાઉ ગાર્ડ તરીકે ફરજ બજાવી ચુકેલો અને હાલ અમદાવાદમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતો શૈલેષ ડોડીયાર અને તેમના મિત્રો આ સિંહ દર્શનની ગેરકાયદે ઘટનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
આ સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી તેમાં સામે આવ્યું કે અમદાવાદમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતો વનકર્મી અગાઉ ખાંભા પીપળવા રાઉન્ડમાં ગાર્ડ તરીકે ફરજ બજાવી હોવાથી ચૂકેલ છે તેમજ આ વન કર્મી આ જ વિસ્તારમાં લાઇન શો, પાર્ટીઓ સહિત ગેર પ્રવુતિઓ અભ્યારણ વિસ્તારમાં કરેલ હોવાનુ સ્થાનિક સૂત્રો માંથી જાણવા મળ્યું હતું ત્યારે આ વિસ્તારથી સંપૂર્ણ માહિતગાર હતો. વનકર્મી શૈલેષ ડોડીયાર તેના મિત્ર સાથે થોડા સમય પહેલા કોર્ટની તારીખે ખાંભા આવ્યો હતો ત્યારે આ ગેરકાયદેસર કૃત્ય કર્યું હતું. આ ઉપરાંત જે વિસ્તારમાં ગયા ત્યાં વન વિભાગની ચેકપોસ્ટ આવે છે અને ત્યાં તાળું મારેલું હોય છે. પરંતુ આ તાળું ત્યાંના હંગામી કર્મચારી કૌશિક ઝાલાએ ખોલી અને તેને અંદર પ્રવેશ કરાવ્યો હતો.
આ ઘટનાની ગંભીરતા સમજી વનવિભાગે હંગામી કર્મચારી કૌશિક ઝાલાને તાબડતોબ ફરજ પરથી છૂટો કરી દેવામાં આવ્યો છે હકીકતે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ સિંહની વાત આવે તેવા કિસ્સામાં માંડવાણ કરવાની જોગવાઈ ન હોવા છતાં વન વિભાગ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સિંહની પજવણી સહિતના મામલામાં માત્ર દંડ લઇ ભીનું સંકેલી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત જંગલ અભ્યારણમાં ગેરકાયદેસર ઘુસી સિંહની પજવણી કરનાર વન કર્મચારી ડોડીયાર સામે માત્ર ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હોવાનું રટણ કરી તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.
મંદિરે ગયો હોવાનું રટણ તપાસનીશે માની લીધું
ગેરકાયદે સિંહ દર્શન કરાવવા, જંગલમાં પાર્ટી કરવાના મુદ્દે ખરડાયેલી છાપ ધરાવતા શૈલેષ ડોડીયાને વનવિભાગે સમન્સ કરી રૂબરૂ નિવેદન માટે બોલાવ્યો હતો. ડોડીયાએ રૂબરૂમાં કહ્યું હતું કે અમે મંદિરે દર્શન કરવા ગયા હતા. પરંતુ આ મુદ્દે સવાલ એ ઊઠે છે કે જે વિસ્તારમાં ગયા હતા ત્યાં કોઈ મંદિર આવતું જ નથી અને મંદિરે જવાનો રસ્તો જ નથી પણ તપાસનીશ અધિકારીએ ડોડીયારને બચાવવા માટે તેમની વાત માની લીધી હોય તેવું લાગી રહ્યું છે.