3.28 લાખ ફૂલછોડ, 3.75 લાખ લીંબડા, 2.88 લાખ અરડૂસી, 4.41 લાખ નીલગીરી અને 8 લાખથી વધુ ફળાઉ રોપાનું નજીવા દરે કરાશે વિતરણ
માનવ સેવા ચેરી. ટ્રસ્ટનો પ્રેરણાત્મક અભિગમ, 200થી વધુ લોકોની ટીમ વૃક્ષારોપણ માટે 365 દિવસ કાર્યરત
ગ્લોબલ વોર્મિંગ એ આવનારા સમયની સૌથી મોટી સમસ્યા રહેવાની છે. સમગ્ર વિશ્વ આજે બદલાતા હવામાન અને પરિસ્થિતિ અંગે ચિંતિત છે. ઔદ્યોગિકરણ પુરપાટ ગતિએ વધી રહ્યું છે ત્યારે પૃથ્વી પર હવા, પાણી અને સૂર્ય પ્રકાશનું બેલેન્સીંગ ખાસ જરૂરી છે. ગ્લોબલ વોર્મિંગ પાછળ વૃક્ષ અને જંગલનો વિનાશ પણ એટલોજ જવાબદાર છે. આપણા સૌની નૈતિક જવાબદારી છે આવનારી પેઢીને લીલો છમ્મ પ્રકૃતિનો વારસો આપવાની. વધુ ને વધુ વૃક્ષો વવાય અને તેનો યોગ્ય ઉછેર થાય તે માટે રાજ્ય સરકાર પણ ચિંતિત છે.
જેના ભાગરૂપે રાજ્ય સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પ્રતિ વર્ષ લાખો રોપાઓ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટ જિલ્લામાં 11 તાલુકામાં 55 નર્સરીમાં 24.82 લાખ રોપાઓ વાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. 70 માં વન મહોત્સવ અંતર્ગત 15 મી જૂન થી ટોકન દરે આ રોપાઓનું વિતરણ કરવામાં શરુ કરાયુ છે તેમ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક અધિકારીશ્રી એમ.એમ. મુની જણાવે છે.
રાજકોટ સર્કલ વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતી રાંદરડા, મુંજકા, કણકોટ નર્સરીમાં 50 થી વધુ જાતના 6 લાખ ફૂલ-છોડના રોપા તૈયાર છે વૃક્ષારોપણ માટે. માત્ર ફૂલછોડ નહી પરંતુ ફળ, ઔષધિ, સુશોભન અને છાંયડો આપતાં રોપાઓનું સઘન વનીકરણ કરવા સામાજિક વનીકરણ વિભાગના વન સંરક્ષક એ. સી. પટેલ સૂચવે છે. જેમાં ફળાઉ ટાઈપના જાંબુ, જામફળ, સીતાફળ, રાયણ, દાડમ, ગુંદા, આંબા, આંબલી, બદામ, કાજુ, લીંબુ, ઔષધીય ગુણ ધરાવતા હરડે, બહેડા, વિકળો, સતાવરી, અરીઠા, અરડુસી, સરગવો, કરંજ, ગરમાળો, સુશોભિત વુક્ષો જેવા કે આસોપાલવ, બીલી, બોરસલ્લી, ગુલમહોર જયારે કીમતી વૃક્ષ ચંદન, નીલગીરી, સાગ, અને લીંબડો, પીપળો જેવા ઘટાદાર વૃક્ષ તેમજ બળતણ અને ચારો આપતાં વૃક્ષોના રોપા ઉપલબ્ધ હોવાનું પટેલ જણાવે છે. થોડા સમયમાં 70 મો વન મહોત્સવ શરુ થશે ત્યારે શહેર અને જિલ્લામાં અનેક જગ્યાએ કેન્દ્ર શરુ કરી રોપા વિતરણ કરવામાં આવશે જેનો મોટી સંખ્યામાં લાભ લેવા સામાજિક સંસ્થાઓ , શાળા કોલેજ, સોસાયટી તેમજ સ્થાનિક રહેવાસીઓને સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક અધિકારી એમ.એમ. મુની જણાવે છે.
મુંજકા સ્થિત નર્સરીના વનપાલ ગઢવી જણાવે છે કે, રોપાઓની કિંમત તેની પોલીથીનની બેગ ની સાઈઝ મુજબ હોઈ છે. 10 સે..મી. બાય 20 નાની બેગ ના રૂ 2, 15 સે.મી. બાય 15 સે.મી. ના રૂ. 4, 20 સે..મી. બાય 30 સે..મી. ની બેગના રૂ. 7.50 અને 30 સે..મી. બાય 40 સે..મી. ની બેગના માત્ર 15 રૂ. છાયડો આપતાં મોટા વૃક્ષના રોપાઓ કે જેની ઉંચાઈ 7 થી 8 ફૂટ હોય છે તેના 100 રૂ., શાળાને 100 રોપાઓ અને ગ્રામપંચાયતને 500 રોપા નિ:શુલ્ક!
જો કોઈ વ્યક્તિ, સમુહ કે સંસ્થા પ્રકૃતિ માટે ધારે તો શું ન કરી શકે તેનું ઉત્તમ દ્રષ્ટાંત માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 2.62 લાખથી વધુ વૃક્ષોના વનીકરણ દ્વારા ચરિતાર્થ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતને હરિયાળું કરવાની નેમ સાથે આગળ વધી રહેલા સંસ્થાના પ્રમુખ વિજયભાઈ ડોબરિયા જણાવે છે કે અમને ફોન દ્વારા (6354802849) જાણ કરવાથી અમે તેમના ઘર પાસે નિ:શુલ્ક રોપા ફેન્સીંગ સાથે વાવી જશું.
ઉપરોક્ત પ્રેરણાદાયી દાખલો આપતા રાજકોટ સર્કલના નાયબ વનસંરક્ષક એમ.એમ. મુની લોકો તેમજ સામાજિક સંસ્થાઓ પર્યાવરણ લક્ષી પ્રવૃતિ કરવા માટે આગળ આવે તેમ કહેતા ઉમેરે છે કે, ફૂલ-છોડ વૃક્ષારોપણ માટે જરૂરી માર્ગદર્શન તેમજ તમામ સાથ સહકાર આપવાં રાજ્ય સરકાર, વન વિભાગ મદદરૂપ બનશે.
ખેડૂતો માટે વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ફાર્મ ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનામાં સામેલ થઈ ખેતર અથવા શેઢામાં વૃક્ષારોપણ કરી આર્થિક લાભ મેળવી શકાય છે. વન વિભાગ દ્વારા સ્ટ્રીટ પ્લાન્ટેશન, ગ્રામ વાટિકા જેવી બહુ આયામી યોજના પણ અમલી છે. યોજનાકીય વધુ વિગત માટે રેંજ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવા મુની જણાવે છે. જે રીતે આપણે કોઈએ વર્ષો વર્ષ વાવેલ વૃક્ષ, ફળ ફૂલ અને છાંયડાનો વારસો ભોગવી રહ્યા છીએ તેમ આવનારી પેઢીને પણ હરિયાળો પ્રાકૃતિક વારસો ભેટમાં આપીએ અને આપણી સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવીએ. એક બાળ એક ઝાડ ઉક્તિને સાર્થક કરીએ, માત્ર રોપાનું વાવેતર નહી પરંતુ તેનું જતન કરવું અને તે પુખ્ત ન બને ત્યાં સુધી તેની પરિવારના સભ્ય માફક સંભાળ લઈ પૃથ્વીને ગ્લોબલ વોર્મિગ થી સુરક્ષિત કરીએ..