આદિવાસી પાસેથી રૂ.૪ હજારમાં શિંગડા લઈ બાળકોની નજર ઉતારતો હોવાથી કબુલાત: મહંત જેલ હવાલે
પ્રાણીઓ સાથેના અત્યાચાર, શિકાર વગેરે સામેના કાનુન અત્યંત કડક છે પરંતુ તેની અમલવારી થવી જરૂરી છે. રાજકોટ નજીક મહિકા ગામે અલખધણી આશ્રમમાં સાધુ તરીકે રહેતા ઈસમની ચિંકારા (હરણ)ના શિંગડા અને પગની ચાર ખરી સાથે ફોરેસ્ટ વિભાગના એસીએફ તનવાણી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ અગાઉ રાજકોટમાં રીક્ષા ચલાવતો અને છેલ્લા છએક વર્ષથી મહિકા અલખધણી આશ્રમમાં ઝુંપડીમાં પત્ની અને બે બાળકો સાથે સાધુ જીવન વિતાવતો જયસીંગ નથુસીંગ રાજપુત (ઉ.વ.૪૨) પાસે હરણના શિંગડા હોવા સબબની બાતમીને આધારે વન વિભાગના અધિકારી સ્થળ પર ધસી ગયા હતા. તપાસ દરમિયાન આ ઈસમે કબાટમાંથી ચિંકારાના માથાનો શિંગડાવાળો ભાગ અને પગની ચાર ખરી કાઢી આપતા વન વિભાગે કબજે કરી હતી. આ સાથે જ તેની ધરપકડ કરાઈ હતી.
ધનિષ્ઠ પુછપરછ દરમિયાન આ ઈસમે દોઢેક વર્ષ પહેલા આદિવાસી જેવા લાગતા શખ્સો પાસેથી શિંગડા અને ખરી રૂપિયા ૪ હજારની કિંમત ખરીદી હોવાની કબુલાત આપી હતી. જેનો ઉપયોગ તે છોકરાઓની નજર ઉતારવા કરતો હતો. જેથી લોકોને વિશ્ર્વાસ આવે અને તેને પૈસા આપી જતા. આ ઈસમને આજે કોર્ટમાં રજુ કરતા જામીન નામંજુર કરાયા હોવાથી જેલમાં ખસેડાયો છે.