પોક્સો એક્ટના 65% જ્યારે દુષ્કર્મના 20% કેસોમાં ડીએનએ એકમાત્ર પુરાવો !!
ગુનાના ભેદ ઉકેલવામાં હવે દિન-પ્રતિદિન બાયોલોજીકલ પુરાવાઓનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે ત્યારે ફોરેન્સિક ડીએનએ ની મહત્વતા પણ છેલ્લા ત્રણ વર્ષમાં એકદમ વધીને 71 ટકાએ પહોંચી ગઈ છે. ડિરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ, ગાંધીનગરના આંકડા મુજબ ડીએનએ ટેસ્ટ હવે ગુન્હાના ભેદ ઉકેલવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
તાજેતરમાં બનેલા એક કિસ્સામાં ડીએનએને પુરાવા તરીકે સ્થાપિત કરી હત્યાના કેસનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. વર્ષ 2017 માં અમદાવાદના એક વેપારીની હત્યા કરવામાં આવી હતી જેમાં આરોપીઓ વિરુદ્ધ પુરાવા સ્થાપિત કરવા માટે કારમાંથી મળી આવેલા ટૂથપિક અને સેલોટેપના કટકાનો ડીએનએ ટેસ્ટ કરી પુરાવા તરીકે સ્થાપિત કરી ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.ડીએફએસના ડીએનએ વિશ્લેષણ એકમને વર્ષ 2019માં 28 કેસોની ફાળવણી કરાઈ હતી જ્યારે વર્ષ 2022ના પ્રથમ 4 માસમાં જ 48 કેસો ડીએફએસ વિભાગને મોકલવામાં આવ્યા છે.
ફોરેન્સિક ડીએનએ ટેસ્ટને ગુન્હાના ભેદ ઉકેલવાના પરિપેક્ષમાં વાત કરવામાં આવે તો પોકસો એકટ હેઠળ નોંધાતા મોટા ભાગના કેસોમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા કેસ જેવા ભયાનક હત્યાના કિસ્સામાં પણ ડીએનએ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડીએફએસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં, અમે આરોપીઓને ગુના સાથે જોડવા માટે થૂંકેલા પાન અને ધૂમ્રપાન કરી ફેંકી દેવાયેલી બીડીના નમૂનાઓનું વિશ્લેષણ પણ કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, જે કુલ કેસો સામે આવે છે તેમાંથી લગભગ 65% પોક્સો સંબંધિત છે જ્યારે બળાત્કારના કેસો લગભગ 20% છે.
ઘણા કેસોમાં, શરીરના પ્રવાહીના નમૂનાઓ અથવા વાળ અથવા માંસના ભાગો એ આરોપીને કેસ સાથે જોડતા પુરાવાના એકમાત્ર કડી હોય છે કારણ કે, આ ગુનો પ્રત્યક્ષદર્શી સાક્ષીઓ વિના નિર્જન સ્થળે બન્યો હોય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ વધુ કેસો આવી રહ્યા છે કારણ કે હવેના સમયમાં જિલ્લાઓમાં વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વધુ જાગૃતિ આવી છે.