ભારતે હુંડિયામણમાં ચોખ્ખો ૧.૭૭ લાખ કરોડ રૂપિયાનો વધારો કર્યો

દેશમાં વિદેશી રોકાણમાં વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯-૨૦માં જોવા મળ્યો ૧૩ ટકાનો વધારો

એક જ સપ્તાહમાં ૬૨,૩૦૮ કરોડ રૂપિયાનો ફોરેન રિઝર્વમાં થયો વધારો

રિલાયન્સનાં રાઈટસ થયા ઈશ્યુ શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો રિલાયન્સે ૯૦ ટકા ડેપ્ટ રીકવર કરી

ફોરેન રિઝર્વ વધતા સાથે જ દેશનાં અર્થતંત્રને મળશે વેગ: ચીન અને જાપાન બાદ ભારત ૩૭ લાખ કરોડ રૂપિયાના વિદેશી મુદ્રા ભંડોળથી બન્યો ત્રીજો દેશ

વૈશ્વિક મહામારીનાં સમયમાં પણ જયારે વિશ્વ આખું અર્થતંત્રને લઈ ચિંતાતુર બન્યું છે ત્યારે એકમાત્ર ભારત દેશ જ આર્થિક રીતે ખુબ જ આગળ વધી રહ્યું છે અને દેશનો વિકાસ રથ પણ આગળ ધપાવવામાં આવ્યો છે. ભારતે વિદેશી હુંડિયામણમાં ૧.૭૭ લાખ કરોડ રૂપિયાનો ચોખ્ખો વધારો કર્યો છે જે સ્પષ્ટ કરે છે કે, વૈશ્વિક મહામારીમાં પણ વિશ્વનાં અર્થતંત્રને ભારતને અર્થતંત્ર ઉપર ભરોસો છે અને બરકરાર પણ રાખવામાં આવ્યો છે. ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈમાં વર્ષ ૨૦૧૮-૧૯ની સરખામણીમાં વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.

આંકડાકિય માહિતી મુજબ ભારતે વિદેશી રોકાણ ૩.૭૦ લાખ કરોડ રૂપિયાનું જોવા મળ્યું છે જે દેશનાં અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે અત્યંત કારગત સાબિત થશે. પ્રતિ માસ દેશનાં જીએસટીનું કલેકશન ૯૦ હજાર કરોડનું રહેવા પામતું હોય છે ત્યારે તેની સામે દેશે વિદેશી હુંડિયામણમાં ૧.૭૭ લાખ કરોડ રૂપિયાનો વધારો માત્ર બે માસમાં જ નોંધાવ્યો છે. બીજી તરફ એફડીઆઈ ક્ષેત્રમાં પણ ભારતે ૧૩ ટકાનાં ઉછાળા સાથે ૪ લાખ કરોડ રૂપિયાનો ચોખ્ખો ફાયદો પણ પ્રાપ્ત કર્યો છે. દેશનું ફોરેન રીઝર્વ હાલ ૮.૨૨ બિલીયન ડોલર વધી ૫૦૦ બિલીયન ડોલરને પાર થયું છે જેથી હવે ભારતીય મુદ્રામાં ભારતનું ફોરેન રીઝર્વ ૩૭ લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. વૈશ્વિક મહામારીમાં જયારે વિશ્વ આખું ચિંતાતુર બન્યું છે તે સમયમાં પણ ભારત પર વિશ્ર્વનાં અન્ય દેશોએ ભરોસો મુકયો છે જે દેશનાં અર્થતંત્રને અત્યંત વેગવંતુ બનાવશે અને ફોરેન રીઝર્વ વધવાથી ઉધોગોની સ્થિતિમાં પણ સુધારો આવશે અને વિકાસ તરફની દોટ મુકશે.

નાણામંત્રીનાં પ્રિન્સીપલ ઈકોનોમી એડવાઈઝર સંજીવ સનિયાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં જે વિદેશી રોકાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે તેનાથી દેશની અર્થવ્યવસ્થા જે ડામાડોળ સ્થિતિમાં જોવા મળી રહી છે

તેમાં અનેકગણો સુધારો થશે અને અર્થતંત્ર મજબુત થશે. ભારત દેશ ફોરેક્ષ રીઝર્વ ઈતિહાસમાં પ્રથમ વખત ૫૦૦ બિલીયન ડોલરને પાર થયું છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા મુજબ ભારતમાં વિદેશી મુદ્રા ભંડોળ ૮.૨૨ બિલીયન ડોલર વધી ૫૦૧ બિલીયન ડોલરને પાર પહોંચ્યું છે. ફોરેન રીઝર્વ વધતાની સાથે જ દેશનાં નામાંકિત ઉધોગપતિઓ પણ આ સ્થિતિને વધાવી રહ્યા છે જેમાં મહિન્દ્રા ગ્રુપનાં આનંદ મહિન્દ્રાએ પણ ખુશી વ્યકત કરી છે.

ઉધોગપતિઓનું માનવું છે કે, વિદેશી મુદ્રા ભંડોળનો ઉપયોગ દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિને  પાટા પર ચડાવવા માટે ઉપયોગમાં લેવો જોઈએ. લગભગ ૩૦ વર્ષ પહેલા ભારતનો વિદેશી મુદ્રા ભંડોળ લગભગ શૂન્ય થઈ ગયું હતું પરંતુ હાલની સ્થિતિમાં દેશનું વાર્ષિક આયાત શૂલ્ક જેટલો છે તેટલો જ હવે ભારતનું વિદેશી હુંડિયામણ છે.

ભારત હરહંમેશ નવા નિયમો, નવી નીતિઓને અમલી બનાવી દેશને આર્થિક રીતે આગળ ધપાવવા માટે અત્યંત મદદરૂપ સાબિત થશે. ફોરેન રીઝર્વમાં ભારતે નવો ઈતિહાસ પણ સાથોસાથ રચ્યો છે. ફોરેન રીઝર્વ મામલે ભારત હવે ચીન અને જાપાન પછી સૌથી વધુ વિદેશી હુંડિયામણ ધરાવતો ત્રીજો દેશ બન્યો છે. ફોરેન રીઝર્વમાં વધારો થતાની સાથે જ ફોરેન કરન્સી એસ્ટેટમાં પણ મહદઅંશે વધારો નોંધાયો છે. બીજી તરફ યુરોપ, પાઉન્ડ, યેન, કરન્સીમાં ઉતાર-ચઢાવ આવતાની સાથે જ વિદેશી હુંડિયામણમાં વધારો થયો હોવાનું પણ વિશેષજ્ઞોનું માનવું છે. હાલ જે આર્થિક સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેનાથી હવે જે રાષ્ટ્રીય નાણાકિય ખાધને બુરવામાં પણ આ ફોરેન રીઝર્વ અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવશે. કોરોનાનાં કારણે ધંધા-રોજગારોની સ્થિતિ કફોડી બનતાની સાથે જ ઉધોગકારોએ એકસટર્નલ કોમર્શિયલ બોયરીંગનો સહારો લઈ નાણા ઉસેડવામાં આવતા હતા પરંતુ હાલની સ્થિતિ જોતા અન્ય દેશોની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થા અલગ જ દિશામાં આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટપણે માનવામાં આવી રહ્યું છે.

વિશ્વનાં અન્ય દેશો જયારે પોતાની આર્થિક સ્થિતિ અને પોતાના અર્થતંત્રને સુધારા માટે મથી રહી છે ત્યારે એકમાત્ર ભારત દેશ જ પોતાની અર્થવ્યવસ્થાને આગળ ધપાવવા માટે નવા નવિનતમ પ્રયોગો હાથ ધરી રહ્યું છે.

રાજકિય વિશેષજ્ઞોનું માનવું છે કે, વૈશ્વિક મહામારી દરમિયાન જે ચીનનો ભરોસો વિશ્વનાં અન્ય દેશો કરી રહ્યા હતા તે ભરોસો હવે ભારત ઉપર બેઠો હોય તેવું પણ માનવામાં આવે છે. આજ કારણે વિદેશની નામાંકિત કંપનીઓ ભારતમાં આવી દેશમાં રોકાણ કરવાનો પણ આશાવાદ વ્યકત કર્યો છે.

કોર્પોરેટ ખેતી આડેના પડકારો હટાવવા તખ્તો તૈયાર

ખેતીની જમીન કોર્પોરેટ અને કો-ઓપરેટીવ સેકટરને સરળતાથી વેંચવા આડેના પડકારો દૂર કરવાની હિમાયત તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય વીત મંત્રી હસમુખ અઢીયાની અધ્યક્ષ સ્થાને બનેલી કમીટી દ્વારા સરકારને કરવામાં આવી હતી. દેશમાં વર્તમાન સમયે કોર્પોરેટ ખેતી અને કરાર આધારીત ખેતીની તાતી જરૂર ઉભી થઈ છે. ખેડૂતોની આવક વધારવા અને કૃષિ વિકાસ માટે સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ વધારવા સહિતના પગલા તો લેવાયા છે પરંતુ જમીન ટોચ મર્યાદા સહિતના કાયદાના કારણે વિકસીત દેશોમાં જે રીતે ખેતી થાય છે તેવી રીતે ભારતમાં ખેતી શકય બનતી નથી. ત્યારે ગુજરાતમાં ઈકો રિવ્યુવલ પેનલ દ્વારા ખેતી અને શ્રમિકોની સ્થિતિ સુધારવા બાબતે કેટલીક ભલામણો કરવામાં આવી છે. જેમાં ખેતીની જમીનને કોર્પોરેટ અને કો-ઓપરેટને વેંચવા અથવા લીઝ ઉપર આપવા અંગેના નિયમો હળવા કરવામાં આવે તેવું સુચન કરાયું હતું. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ યુનિટના સુધારા મુદ્દે પણ કેટલાક સુચનો પેનલ દ્વારા થયા છે. જે ઔદ્યોગીક યુનિટમાં ૧૦૦થી વધુ કામદારો કામ કરતા હોય તેઓને એક વર્ષમાં સરકારની આગોતરી મંજૂરી વગર ૨ ટકા કામદારો છુટા કરવાની છુટ આપવી જોઈએ તેવી હિમાયત પણ થઈ હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે, દેશના કૃષિ સેકટરમાં સરકારે એપીએમસી સહિતના વચેટીયા હટાવવાની તૈયારી કરી છે. અનેક સુધારાના કારણે આગામી સમયમાં કૃષિ સેકટરમાં બુમ આવશે તેવી અપેક્ષા છે. દેશના અર્થતંત્રમાં ૬૫ ટકા હિસ્સો આપતા કૃષિ સેકટરમાં ભવિષ્યમાં હજુ સારા પરિણામો સામે આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.