બાળકોના ઉજળા ભવિષ્ય માટે સેન્ટર એડોપ્શન રિસોર્સ ઓથોરીટીનો મહત્વપૂર્ણ નિર્ણય
સેન્ટર એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (કારા) ભારતની એકમાત્ર એવી સંસ્થા છે જે ચાઈલ્ડ એડોપ્શન માટે કામ કરે છે. આ ઓથોરીટી દ્વારા તાજેતરમાં જ એક નિર્ણય લેવાયો છે કે વિદેશીઓએ ભારતીય બાળકને દતક લેવું હોય તો એનઓસી ફરજીયાત બનશે.
ભારતમાં અનાથ કે ત્યજી દેવાયેલા બાળકોને દતક લેવાની પ્રાથમિકતા મામલે બિનનિવાસી ભારતીય કે વિદેશીઓએ બાળકને દતક લેતા પહેલા કારા તરફથી એનઓસી લેવું ફરજીયાત રહે છે. તાજેતરમાં ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને વી.કે.રાવની ખંડપીઠે ‘કારા’ના નિયમોને સખત કર્યા છે.
૨૦૧૬માં ‘કારા’ દ્વારા દાખલ કરાયેલી એક અરજીના અનુસંધાનમાં આ ખંડપીઠે જણાવ્યું કે એનઓસી ફરજીયાત રહેશે. ઈન્ટર કન્ટ્રી ઓડોપ્શન અંતર્ગત બાળકને દતક લેનાર વિદેશીઓ દતક લેવા યોગ્ય છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવશે.
‘કારા’ના વકીલ ગૌરાંગ કંથે ઈન્ટર કન્ટ્રી એડોપ્શન અંતર્ગત જણાવ્યું કે કોઈપણ વિદેશીઓએ ભારતીય બાળકને દતક લેતા પહેલા ‘કારા’ દ્વારા બનાવાયેલા નીતિ-નિયમોમાંથી પસાર થવુ પડશે અને ત્યારબાદ જો ‘કારા’નો ઓબ્જેકશન સર્ટીફીકેટ આપે તો જ તે બાળકને દતક લઈ શકશે. વિદેશીઓ ‘કારા’ની જાણ બહાર ડાયરેકટ એડોપ્શન નહીં કરી શકે અને જો તેવું થશે તો તેની સામે કાયદાકીય પગલા લેવાશે.
૨૦૧૬માં થયેલી અરજીના અનુસંધાનમાં ‘કારા’ દ્વારા આ આદેશ આપવામાં આવ્યા છે. ‘કારા’ દ્વારા કેટલીક બાબતોને પોઈન્ટ આઉટ કરવામાં આવી છે જેને લઈ એનઓસી મેળવવી થોડી મુશ્કેલ બની રહેશે જોકે બાળકના ઉજળા ભવિષ્ય માટે તે જરૂરી પણ છે.
આ અરજી પ્રમાણે બાળક યોગ્ય માતા-પિતા પાસે જાય છે કે નહીં તેની દેખરેખ રાખવાની જવાબદારી ‘કારા’ની છે. બાળકોના અધિકારોને ધ્યાનમાં રાખી વિદેશથી ભારતીય બાળકોને દતક લેવા ઈચ્છતા લોકોએ એનઓસી લેવી ફરજીયાત રહેશે અને ત્યારબાદ જ એનઓસીના ધારાધોરણ મુજબ બાળક દતક અપાશે.