એલ.સી.બી.એ દરોડો પાડી રીઢા તસ્કર સહિત ત્રિપુટીની ધરપકડ: 46,500નો મુદ્ામાલ કબ્જે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની ગંગાજમના હોટલ પાસેથી પરપ્રાંતિય તસ્કર ગેંગની ત્રિપુટીને ઝડપી લઇ ખંભાળિયા અને જામનગર જિલ્લાની બે ચોરીનો ભેદ ઉકેલી રૂા.46,500નો મુદ્ામાલ કબ્જે કરી 1 માસમાં ખંભાળિયામાં છ મકાને નિશાન બનાવ્યાની કબૂલાત આપી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવોને ડામી દેવા અને વણઉકેલ ગુંનાઓનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસવડા સુનિલ જોશીએ આપેલી સુચનાને પગલે દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ના પી.આઇ. જે.એમ. ચાવડા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.
પેટ્રોલીંગ દરમિયાન ખંભાળિયા ગંગાજમાના હોટલ પાસે એમ.પી.ના વતની બીલાલ નરસીંગ અનારીયા, જીતેન જીલની ભીલ અને કરનસીંગ મુરલીસીંગ મંડલોપા નામના શખ્સ શંકાસ્પદ હાલતમાં ગુંનાને અંજામની પેરવીમાં હોવાની એ.એસ.આઇ. ભરતભાઇ ચાવડા, કોન્સ્ટેબલ મસરીભાઇ આહિર અને જસબસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ત્રિપુટીની અટકાયત કરી હતી.ઝડપાયેલા ત્રિપુટીના કબ્જામાંથી રોકડા, ચાંદીના ઘરેણા, મોબાઇલ અને બાઇક મળી રૂા.46,500નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાશમાં ખંભાળિયા રેલ્વે સ્ટેશન નજીક વિનાયક સોસાયટીના ત્રણ મકાન અને રાજકુમાર સ્કૂલ પાછળની સોસાયટીના ત્રણ મકાનોમાંથી હાથફેરો કર્યો તેમજ જામનગરના મેઘપર ગામે ચોરી કર્યાની કબૂલાત આપી હતી.ઝડપાયેલા કરનસિંગ મુરલીસિંગ મંડલોપા સામે ઇન્દોર પોલીસ મથકના ચોપડે સાત ચોરીના ગુંનામાં સંડોવાયો છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.