સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખોટા ન્યુઝ, અફવાઓ તેમજ ગેરકાયદે કમેન્ટ, કન્ટેન્ટ કે પોસ્ટ દ્વારા વધતા જતા દુષણને રોકવા સરકાર દ્વારા નવા આઈટી નિયમો લાગુ કરાયા છે. પણ આ નિયમોને લઈ સોશિયલ મીડિયા કંપનીઓ અને સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એમાં પણ સૌથી વધુ ઘર્ષણ ટ્વિટરના ઉડાઉડ કરતા કબુતર સાથે થયું છે. અત્યાર સુધીમાં કંપની સામે 4 ફરિયાદ નોંધાઈ છે. એટલું જ નહીં ટ્વિટર પર પોક્સોનો પણ ગુનો લદાયો છે.

ટ્વિટર સામે સરકારે આકરી કાર્યવાહી કરતા અન્ય સોશિયલ મીડિયા કંપનીઓ પણ “સીધીદોર”

ટ્વિટરના ભારતીય વિકલ્પ ગણાતા કુ પ્લેટફોર્મે એક માસમાં કરેલી કાર્યવાહીનો સરકારને રિપોર્ટ સોંપી નિયમપાલન કરનારી પ્રથમ કંપની બની

સરકારે ટ્વિટર સામે લાલ આંખ કરતા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધ્રુજી ઉઠ્યા છે. ટ્વિટરના ભારતમાંથી ઉચાળા જાણે પાકા થઈ ગયા હોય તેમ સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ભારત પણ ટ્વિટરના  વિકલ્પ તરીકે અન્ય પ્લેટફોર્મ વિકસાવવા પર વધુ ભાર મૂકી રહ્યો છે. જો કે ભારતમાં ટ્વિટરના વિકલ્પ તરીકે અન્ય એક એપ્લિકેશન મોજુદ છે જ જેનું નામ છે કુ. વિદેશી કબુતરને મ્હાત આપવા દેશી ચકલી તૈયાર થઈ ગઈ છે.

જો કે ટ્વિટર સામે કાર્યવાહી કરાતા તેના એક ભારતીય વૈકલ્પિક કુએ પણ નવા નિયમો મુદ્દે પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. અને નવા આઈટી નિયમો મુજબ સરકારને માસિક રિપોર્ટ સુપરત કર્યો છે. અને આ રિપોર્ટ યૂઝર્સ સમક્ષ જાહેર કરનારી કુ સોશિયલ મીડિયાની પ્રથમ કંપની બની ગઈ છે. કુ કંપનીએ આ અહેવાલમાં કહ્યું કે તેણે જૂન મહિનામાં તેના વપરાશકર્તાઓની 54,235 પોસ્ટ્સ સંભાળી હતી, જ્યારે તેને આ સમયગાળા દરમિયાન 5502 પોસ્ટ્સ સંબંધિત ફરિયાદો મળી હતી. અને કુએ આઇટી નિયમો હેઠળ ફરજિયાત તરીકે માસિક રિપોર્ટના નિયમનું પાલન કરવા અહેવાલમાં જણાવ્યું હતું.

કુ એ પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેણે નવા આઇટી નિયમો હેઠળ પાલન રિપોર્ટ જારી કર્યો છે. કંપનીએ કહ્યું કે તે પહેલું ભારતીય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ છે, જેણે 26મી મેથી અમલમાં આવેલા આઇટી નિયમો હેઠળ તેનો માસિક પાલન અહેવાલ બહાર પાડ્યો છે.

કંપનીએ જણાવ્યું કે તેના વપરાશકર્તાઓએ આશરે 5,502 પોસ્ટ્સની ફરિયાદ કરી હતી, જેમાં 22.7 ટકા (1,253) કા ડીલીટ કરી નાખવામાં આવી હતી, જ્યારે બાકીની (4,249) ‘અન્ય કાર્યવાહી’ સામે લેવામાં આવી હતી. કુએ કહ્યું હતું કે તેણે 54,235 પોસ્ટ્સને નિયંત્રણમાં લેવા માટે સક્રિય પગલા લીધા હતા, જેમાં 2.2 ટકા (1,996) સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીની (52,239) “અન્ય કાર્યવાહી” સામે લેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.