ભારતમાં વિદેશી વાહનો દોડાવવા માટે માર્ગ મોકળો કરતુ પરિવહન મંત્રાલય
વિકસીત દેશોના ધારા-ધોરણો સાથે બંધ બેસતા વાહનો હવે ભારતીય રોડ-રસ્તા પર સરળતાથી દોડાવી શકાશે
વિદેશી બનાવટની ઈમ્પોર્ટેડ કાર હવે દેશમાં આસાનીથી મળી શકશે. તાજેતરમાં ટ્રાન્સપોર્ટ મંત્રાલય ઈમ્પોર્ટેડ કાર ઉપરના ધારા-ધોરણો હળવા કરતા દેશમાં વિદેશી કાર માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. હવેથી કોઈપણ કંપની વર્ષે ૨૫૦૦ યુનિટ કાર અથવા ટુવ્હીલર દેશમાં લાવી શકશે. ઈમ્પોર્ટેડ વાહનોની શ્રેણીને છૂટછાટ આપવા વિદેશી બનાવટની બસ અને ટ્રક ઉપરના નિયંત્રણો પણ હળવા કરાયા છે.
ભારત સરકારના ધારા-ધોરણો મુજબ રાઈટ હેન્ડ ડ્રાઈવ ઈમ્પોર્ટેડ વાહનોમાં જોવા મળશે. જો કે ઈમ્પોર્ટેડ વાહનો પર ભારેખમ્મ ઈમ્પોર્ટ તેમજ અન્ય વેરાનો ભાર તો રહેશે જ ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા ૪૦ હજાર ડોલરથી વધુના વાહનો માટે રસ્તો સાફ કરવામાં આવ્યો છે. યુરોપ, જાપાન સહિતના કેટલાક વિકાસશીલ દેશોની એજન્સીએ ઘડેલા આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણોને અનુસરતા વાહનોને ભારતમાં સરળતાથી રજીસ્ટ્રેશન મળી જશે.
વિદેશથી ભારતમાં આવતા વાહનો માટે આ ખુબ મોટો નિર્ણય ગણવામાં આવી રહ્યો છે. કારણ કે વિદેશી વાહનોને લોકલ ટેસ્ટીંગ વગર માર્ગો પર દોડવાની પરમીશન આપવી ગંભીર બાબત છે. જો કે, ઈમ્પોર્ટ નિયમોમાં થોડી છૂટછાટના માધ્યમથી સરકાર વિદેશી વેપાર-વાણીજયને પ્રોત્સાહિત કરવા માંગે છે.
આ નિર્ણયથી ભારતીય બજારમાં ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન મળશે. ઉપરાંત કેટલીક કંપનીઓ ભારતમાં જ ઉત્પાદન કરવા પ્રેરાશે તેવો દાવો થઈ રહ્યો છે. નિશાન, ટોયોટા, મર્સીડીસ અને બીએમડબલ્યુ સહિતની કંપનીઓને ભારતમાં નવી પ્રોડકટ લોન્ચ કરવામાં સરળતા રહેશે.
આ મામલે ભારતીય ઓટો મોબાઈલ લોબી સાથે સંકળાયેલા વરિષ્ઠ આગેવાન કહે છે કે, અમને તો રિસર્ચ માટે ભારત બહારથી વિદેશી વાહનો લાવવાની છૂટ આપવામાં આવતી નથી. જો અમે નિયમ પાડતા હોઈએ તો પણ મનાઈ ફરમાવવામાં આવે છે. જો કે, નવા નિયમથી હવે ઓટો મોબાઈલ ઈન્ડસ્ટ્રીઝને બુસ્ટર ડોઝ મળશે. આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો સાથે બંધ બેસતા વાહનો હવે ભારતમાં સરળતાથી લાવી શકાશે.