પીઓ લેકીન રખો હિસાબ નહી પરંતુ પીને વાલે કો પીને કા બહાના ચાહીએની જેમ થર્ટી ફર્સ્ટની નાઇટનને નબીરાઓ શરાબનું સેવન કરી ઝુમ બરાબર ઝુમ શરાબી બનતા હોવાથી બુટલેગરો દ્વારા રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાંથી મોટી માત્રામાં વિદેશી દારુ મગાવતા હોય છે. બુટલેગરોએ પોલીસથી બચવા માટે નવતર કિમીયો શોધી ગેસ અને એસિડના ટેન્કરમાં વિદેશી દારુ લાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસની બાઝ નજરમાં આવેલા બુટલેગરના નવતર પ્રયોગને નિષ્ફળ બનાવ્યો છે. ડિસેમ્બરના છેલ્લા 20 દિવસમાં સૌરાષ્ટ્રમાં આવતા રુા.3.12 કરોડની કિંમતની 98 હજાર બોટલ વિદેશી દારુ ઝડપી લીધો છે.
બુટલેગરોએ પોલીસથી બચવા ગેસ અને એસિડના ટેન્કરમાં વિદેશી દારૂ ઘુસાડવા પ્રયાસ કર્યો: અડધો ડઝન ટેન્કર, બોલેરો અને વિદેશી દારૂ મળી રૂા.4.60 કરોડનો મુદામાલ કબ્જે કરાયો
ઇશુના 2023ના વર્ષને બાય બાય અને 2024ના વર્ષને આવકારવા માટે થનગનતા યુવાનો પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરીને થર્ટી ફર્સ્ટની રંગે ચંગે ઉજવણી કરતા હોય છે. સાથે સાથે શરાબની મોજ પણ માણવાનો મોકો મળતો હોવાથી વિદેશી દારુનો નશો કરવાના શોખીનોની માગને પહોચી વળવા માટે બુટલેગરો રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબથી વિદેશી દારુનો જંગી જથ્થો આગોતરો મગાવતા હોય છે. બુટલેગરો વિદેશી દારુનો સ્ટોક એકઠો કરવાનું ડિસેમ્બર શરુ થાની સાથે જ કર્યો હતો. બુટલેગરની હીલચાલની પોલીસને બાતમી મળી જતા રાજયભરની પોલીસ એલર્ટ બની ઠેર ઠેર વિદેશી દારુ અંગે દરોડા પાડવાનું શરુ કર્યુ હતું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બગોદરા પાસેથી ગેસના ટેન્કરમાંથી રુા.48.33 લાખની કિંમતની 21084 બોટલ વિદેશી દારુ સૌરાષ્ટ્રમાં પહોચે તે પહેલાં ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર એલસીબીએ સાયલા પાસેથી રુા.35 લાખની કિંમતની 7,200 બોટલ વિદેશી દારુ ઝડપી લીધો હતો, સાયલા પોલીસે રુા.40 લાખની કિંમતનો 6060 બોટલ વિદેશી દારુ ભરેલું ટેન્કર ઝડપી લીધું હતું., બામણબોર પાસેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રુા.40 લાખની કિંમતની 8,800 બોટલ વિદેશી દારુ સાથેનું ટેન્કર પકડી પાડયું છે., આણંદ એલસીબીએ તારાપુર પાસેથી રુા.44.20 લાખની કિંમતની 968 બોટલ વિદેશી દારુ સૌરાષ્ટ્રમાં આવે તે પહેલાં ઝડપી લીધો હતો. મોરબી એલસીબી સ્ટાફે માળીયા ફાટક પાસે ટેન્કરમાં બનાવેલા ચોર ખાનામાંથી રુા.9.86 લાખની કિંમતની 5964 બોટલ વિદેશી દારુ શોધી કાઢયો હતો., રાજકોટની ભાગોળે આવેલા નવાગામ ખાતેથી કુવાડવા રોડ પોલીસે વિદેશી દારુ અંગે દરોડો પાડી કોલસાના બાચકા નીચે છુપાવેલો રુા.14.60 લાખની કિંમતની 2928 બોટલ વિદેશી દારુ ઝડલી લીધો હતો.
બાવળા પોલીસે એસિડના ટેન્કરમાં રુા.25 લાખની કિંમતની 5,600 બોટલ વિદેશી દારુ શોધી કાઢયો હતો. કાલાવડ નજીક આવેલા કોઠા ભાડુકીયા ગામેથી કાલાવડ ગ્રામ્ય પોલીસે થાર કારમાં વિદેશી દારુના કટીંગ દરમિયાન દરોડો પાડી રુા.9.30 લાખની કિંમતની 1,860 બોટલ વિદેશી દારુ કબ્જે કર્યો છે. રાજકોટના સંત કબીર રોડ પરથી બોલેરોમાં વિદેશી દારુની ડીલીવરી દરમિયાન પોલીસે દરોડો પાડી રુા.4.80 લાખની કિંમતની 1,248 બોટલ વિદેશી દારુ કબ્જે કર્યો છે. રાજકોટ રુલ ર એલસીબી સ્ટાફે ગોંડલના ગુંદાસરા ગામ પાસેથી રુા.10.76 લાખની કિંમતની 3,588 બોટલ વિદેશી દારુ કબ્જે કર્યો છે., લખતરના ઝંઝરી ગામ પાસેથી રુા.2.27 લાખની કિંમતની 600 બોટલ વિદેશી દારુ લખતર પોલીસે ઝડપી લીધો છે. સુરેન્દ્રનગર એલસીબીએ સાયલા નજીકથી ગેસના ટેન્કરમાં છુપાવેલો રુા.49.08 લાખની કિંમતની 12,612 બોટલ વિદેશી દારુ કબ્જે કર્યો છે. રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસે રાવકી ગામના ગોડાઉનમાંથી રુા.19.20 લાખની કિંમતની 19,200 વિદેશી દારુના ચપ્લા કબ્જે કર્યા છે.
સુરેન્દ્રનગર એલસીબી, સાયલા અને પાટડી પોલીસે ત્રણ દિવસમાં રુા.60 લાખની કિંમતની 20,490 બોટલ વિદેશી દારુનો જંગી જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે છેલ્લા 20 દિવસ દરમિયાન કબ્જે કરોલો 3.12 કરોડની કિંમતનો વિદેશી દારુ સૌરાષ્ટ્રના બુટલેગરોએ મગાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે પરંતુ હજી સુધી સૌરાષ્ટ્રના લીસ્ટેડ બુટગેરનું નામ ખોલાવવામાં પોલીસ નિષ્ફળ રહી છે.
પોલીસની સર્તકતાના કારણે 98 હજાર બોટલ વિદેશી દારુ કબ્જે કરવામાં સફળ રહેલી પોલીસની આંખમાં ધૂળ નાખી કેટલાક બુટલેગરોએ વિદેશી દારુનો સ્ટોક એકઠો કરી લીધો છે. તેઓ પ્યાસીઓ પાસેથી મોઢે માંગી કિમત વસુલ કરી રહ્યાનું સુત્રો જણાવી રહ્યા છે.