કોરોનાની મહામારીથી બાંધકામમાં મંદીથી રાજસ્થાની શખ્સોએ દારૂ મંગાવ્યો: ૧૦૬૬૦ બોટલ દારૂ કબ્જે: સુત્રધાર ફરાર
પડધરી-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા તરઘડી નજીક શેડમાં પડધરી પોલીસે દરોડો પાડી રૂા.૫.૮૫ લાખની કિંમતનો ૧૦૬૫૯ બોટલ વિદેશી દારૂ સાથે ચાર રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી નાસી છુટેલા સુત્રધારને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે પડધરી પોલીસ મથકના પી.એસ.આઈ એમ.જે.પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તરઘડી ગામ પાસે આવેલી રાધે હોટલ પાછળ ભાડે શેડ રાખી મુળ રાજસ્થાની અને હાલ રાજકોટ વર્ધમાન નગરમાં રહેતો વસંતવિહાર એપાર્ટમેન્ટમાં રહેતો કમલેશ ગુર્જર નામના શખ્સે વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કોન્સ્ટેબલ ધર્મેશભાઈને બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડામાં પોલીસને શેડમાંથી રૂા.૫.૮૫ લાખની કિંમતનો ૧૦,૬૫૯ વિદેશી દારૂની બોટલ સાથે પપ્પુ રામેશ્ર્વર ગુર્જર, ખજુરામ ગુર્જર, મુકેશ માલા રામ ગુર્જર અને રાજેન્દ્ર રામેશ્ર્વર લાલ ગુર્જરની ધરપકડ કરી નાશી છુટેલા કમલેશ ગુર્જરની શોધખોળ હાથધરી પોલીસની પ્રાથમિક તપાસમાં કમલેશ ગુર્જર શેડ રાખી મકાનના એલીવેશનનું રાજસ્થાની મજુરો રાખી કામ કરે છે. કોરોનાની મહામારીથી બાંધકામ ઠપ્પ હોય આથી દારૂનું વેચાણ કરતા હોવાનું ખુલ્યું છે.