456 પેટી શરાબ, ટ્રક અને છોટા હાથી મળી રૂ. 37.59 લાખનો મુદામાલ કબ્જે: દરોડો દરમિયાન નવ શખ્સ ફરાર
31 મી ડીસેમ્બરની ઉજવણી વેળાએ મોટો વેપલો કરવા મંગાવાયેલ રૂ. 23,51,520ની કિંમતનો 456 પેટી વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જુનાગઢ પોલીસે બે વાહનો સાથે કુલ રૂ. 37,59,020 નો મુદ્દામાલ કબજે કરી, 9 શખ્સો સામે ગુન્હો દાખલ કરતા હલચલ મચી જવા પામી છે.જૂનાગઢ વિદેશી દારૂ, જુગારની બદીને નાબુદ કરવા સુચના કરાતા ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.એચ.સિંધવ, પો.સ.ઇ જે.જે. ગઢવી સહિત સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે, ગાંધીગ્રામ ખાતે રહેતા કાનો ઉર્ફે બાડો દેવરાજ કોડીયાતર, ભુપત પુંજા કોડીયાતર, કીરીટ ઉર્ફે કીડો ભગા છેલાણા, ચના રાણા મોરી અને પાંચા પુજા કોડીયાતર તેમજ કાના રાણા મોરીએ મળતીયાઓ સાથે મળી પુર્વ આયોજીત કાવત્રુ કરી, બહારના રાજયમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે. અને દારૂનુ માહી ડેરીની સામે આવેલ જફર મેદાનની ખુલ્લી જગ્યામાં કટીંગ કરવાની પેરવીમાં છે.
ક્રાઇમ બ્રાન્ચ ને બાતમી મળતા જ, ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલિક બાતમીવાળી જગ્યા ઝફર મેદાન ખાતે પહોંચી હતી અને તપાસ કરતા ખુલ્લામાં એક ટ્રક અને એક છોટા હાથી પડેલ હોય, જેમાંથી અમુક ઇસમો ટ્રકમાંથી છોટા હાથીમાં કાંઇ હેર ફેર કરતા હતા, પરંતુ પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ 9 જેટલા શખ્સો નાશી ગયા હતા.દરમિયાન પોલીસે વાહનોના ઠાઠામાં ચેક કરતા બાજરીના પ્લાસ્ટીકના બાચકાઓની આડશમાં વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની રૂ. 23,51,520ની કિંમતનો 456 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા એલ.સી.બી. એ એક ટ્રક તથા એક છોટા હાથી મળી ફૂલ રૂ. 37,59,020 નો મુદ્દામાલ કબજે કરી, 9 શખ્સો સામે જૂનાગઢ શહેર સી ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોંધવાયો હતો.