હરિયાણા અને રાજસ્થાનથી ૧૫,૮૩૨ બોટલ વિદેશી દારૂ ભરેલા બે ટ્રક પકડાયા: હરિયાણાના બે શખ્સોની ધરપકડ: ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે એક જ રાતમાં બે સ્થળે દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ
શહેરની ભાગોળે આવેલા તરઘડીયા અને ખરેડી ગામ પાસે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વિદેશી દારૂ અંગે બે દરોડા પાડી રૂ.૬૬ લાખની કિંમતની ૧૫,૮૩૨ બોટલ વિદેશી દારૂ ઝડપી બે ટ્રક કબ્જે કર્યા છે. હરિયાણાથી વિદેશી દારૂ ભરેલો ટ્રક જૂનાગઢ પહોચે તે પહેલાં બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે ખેરડી પાસેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી ચાલકની શોધખોળ હાથધરી છે.
કુવાડવા રોડ પર આવેલા તરઘડીયા પાસે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. અતુલ સોનારા, રામભાઇ વાંક, સમીરભાઇ શેખ અને નિલેશભાઇ ડામોર સહિતનો સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે પી.બી. ૧૨એમ. ૯૪૯૦ નંબરનો ટ્રક અટકાવી તપાસ કરતા ટ્રકમાં ઇંડાના બોકસ પાછળ છુપાવેલી રૂ. ૧૫ લાખની કિંમતની ૫,૪૦૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા પંજાબના અમૃતસરના પુરણસિંધ જુગાસિંઘ અને ક્લિનર રણજીતસિંધ દર્શનસિંધ નામના શખ્સોની ધરપકડ કરી રૂ.૧૦ લાખની કિંમતનો ટ્રક કબ્જે કર્યો છે.
રૂ.૧૫ લાખની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ કરી રહ્યો હતો તે દરમિયાન કુવાડવા રોડ પર આવેલા ખેરડી ગામની સીમમાં પ્રભુ પગલા સીમ તરીકે ઓળખાતી વાડી પાસે પાર્ક કરેલા આર.જે.૯જીબી. ૨૫૯૯ નંબરના ટ્રકમાં વિદેશી હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. ડી.પી. ઉનડકટ, એએસઆઇ. વિજયસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી, યોગેન્દ્રસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા અને હરેશગીરી ગોસાઇ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
આર.જે.૯જીબી. ૨૫૯૯ નંબરના ટ્રકમાંથી રૂ.૩૯.૬૪ લાખની કિંમતની ૧૦,૪૨૮ બોટલ વિદેશી દારૂ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે રૂ.૧૦ લાખની કિંમતનો ટ્રક કબ્જે કરી ટ્રક ચાલક અને ક્લિનરની શોધખોળ હાથધરી છે.
તરઘડી પાસેથી વિદેશી દારૂ ભરેલા ટ્રક ચાલક અને ક્લિનરની પૂછપરછ દરમિયાન તેઓ હરિયાણાથી વિદેશી દારૂ જૂનાગઢના નામચીન બુટલેગરને વિદેશી દારૂની ડીલીવરી કરવા જતા હોવાની કબૂલાત આપી છે.