દારૂ ની ૬૨૪ બોટલ ભરેલી બોલેરો વાન સહિત કુલ રૂ.૭.૧૧ લાખનો મુદામાલ કબજે: નાસી ગયેલા બુટલેગરની શોધખોળ
દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસે બંધ બોડીની ‘અમુલ દુધ પીતા હૈ ઈન્ડિયા’ લખેલી બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ચોકકસ બાતમીનાં આધારે થોરાળા પોલીસે અમુલ દુધની વાનને વિદેશી દારૂ ની ૬૨૪ બોટલ સાથે પકડી લીધી હતી. નાસી ગયેલા બુટલેગરની પોલીસે શોધખોળ આદરી છે.
આ અંગેની વિગત મુજબ શહેરમાં બુટલેગરોએ દારૂ ની હેરાફેરી માટે નવતર પ્રયોગ કર્યો હોય તેમ એક બંધ બોડીની ‘અમુલ દુધ પીતા હૈ ઈન્ડિયા’ લખેલી બોલેરો પીકઅપ વાન નંબર જી.જે.૩૬ ટી.૪૮૪૯માં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂ ની બોટલ નંગ-૬૨૪ કિંમત રૂ.૨,૬૧,૬૦૦ સાથે દુધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસેથી નિકળતા પેટ્રોલીંગમાં રહેલા થોરાળા પોલીસનાં ઈન્ચાર્જ પી.આઈ. વી.કે.ગઢવીની સુચનાથી પીએસઆઈ આર.એમ.કોટવાલ, એ.એસ.આઈ. બી.જે.જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભુપતભાઈ, નરસંગભાઈ, આનંદભાઈ, વિજયભાઈ, રોહિતભાઈ, દિપકભાઈ, સહદવેસિંહ સહિતનાં સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે ઉપરોકત સ્થળે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી બોલેરો પીકઅપ વાનને ઝડપી લીધી હતી. જયારે બુટલેગર નાસી જતા પોલીસે કુલ રૂ.૭,૧૧,૬૦૦નો મુદામાલ કબજે કરી નાસી ગયેલા બુટલેગરની શોધખોળ આદરી છે.
જયારે અન્ય એક બનાવમાં કોઠારીયા રોડ પર સિંહરીયા ખાણ પાસે ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતો ધર્મેશ ચંદ્રકાન્ત લાખાણી નામના રીક્ષા ચાલકને આનંદનગર બગીચા પાસે ઓટો રીક્ષામાં વિદેશી દારૂ ની ૨૯ બોટલ સાથે હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સહિતનાં સ્ટાફે ઝડપી લઈ રૂ.૬૯,૫૯૦નો મુદામાલ કબજે કર્યો છે.