થર્ટી ફર્સ્ટ પૂર્વે બૂટલેગરો પર પોલીસની ધોંસ: ૪૧૧૩૬ બોટલ દારૂ સાથે બે ઝડપાયા
૩૧ ફર્સ્ટની ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિદેશી દારૂ ઘૂસાડવામાં આવતો હોવાની માહિતીના આધારે ત્રણ સ્થળે દરોડા પાડવામાં આવ્યા જેમાં રાજકોટ આર.આર. સેલે સાયલા પાસેથી ટ્રકમાંથી ૩૦૯૪૮ બોટલ દારૂ, જામનગર એલ.સી.બી.એ બેરાજા ગામની સીમમાંથી ૧૧૦૦૦ બોટલ દારૂ અને હળવદના સાપકડા ગામની સીમમાંથી દારૂબીયરનો મળી આવતા પોલીસે ત્રણેય દરોડામાં રૂ.૧ કરોડનો મુદામાલ સાથે બે ધરપકડ કરી ચાર શખ્સોની શોધખોળ આદરી છે.
રજાકાષય આર.આર.સેલના ડીઆઈજી સંદીપસિંઘે રેન્જમાં દારૂ-જુગારની બદી ડામવા આપેલી સુચનાને પગલે પીએસઆઈ એમ.પી.વાળા સહિતના સુરેન્દ્રનગર પંથકમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે અમદાવાદ તરફથી એમ.એચ. ૪ એફ ૭૦૨૬ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે સાયલા પાસે વોંચ ગોઠવી હતી.
વોચ દરમ્યાન નીકળેલા ટ્રકને અટકાવી તલાશી લેતા રૂ.૫૫.૫૭ લાખની કિમંતનો ૩૦૯૪૮ બોટલ દારૂ, ટ્રક અને રોકડા મળી રૂ. ૭૫.૭૦લાખના મુદામાલ સાથે મુંબઈના પનવેલના ટ્રક ચાલક જોગીન્દ્રસિંહ સંતોકસિંહ સરદારની ધરપકડ કરી હતી.
આ દરોડામાં સંદીપસિંહરાઠોડ શિવરાજભાઈ કુલદીપસિંહ અને શકિતસિંહએ કામગીરી બજાવી હતી.
જામનગર જિલ્લા પોલીસ વડા શરદસિંઘલે દારૂ ઝડપી લેવા અપાયેલી સુચના બાદ એલસીબી પીઆઈ આર.એ. ડોડીયા સહિતનો સ્ટાફ જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામની સીમમાં આવેલી રામદેવસિંહ ઉર્ફે રામભાઈ રાજેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સની વાડીમાં રેડ દરમિયાન ૪૬૪૪ નંગ ઈગ્લીશ દારૂની બોટલો તથા ૬૩૩૬ નંગ ચપટા અને મોબાઈલ મળી રૂ. ૨૪૯૧૭૦૦ની કિમંતનો ઈગ્લીશ દારૂનો જથ્થો સાથે રામદેવસિંહની અટકાયત કરી પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો સપ્લાય કરવામાં પ્રહલાદસિંહ સોઢા, યોગરાજસિંહ જાડેજા, વિશ્ર્વરાજસિંહ ઉર્ફે વિશુ મહેન્દ્રસિંહ વાઘેલા સંડોવણી ખૂલતા પોલીસે આ શખ્સોની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતા.
હળવદ તાલુકાના સાપકડા ગામે છાપો મારતા ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાની વાડીએ દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી દારૂની બોટલ નંગ ૧૪૨ તથા બીયરના ટીન નં. ૨૪ તેમજ બે મોબાઈલ મળી કુલ રૂ. ૫૧ હજારના મુદામાલ સાથે આરોપી ઘનશ્યામસિંહ ગંભીરસિંહ ઝાલાને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આ આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરાતા આ વિદેશી દારૂનો જથ્થો કુલદિપસિહ ઉર્ફે ભાણુભા ઝાલા આપી ગયો હોવાનો ખૂલ્યું હતુ.