ભારતમાં યુઝર ડેટાની સુરક્ષા જળવાય તે માટે સરકાર વિદેશી હેન્ડસેટ ઉત્પાદકોને ભારતમાં જ તેમનાં સર્વર સ્થાપવા જણાવે તેવી શક્યતા છે. તાજેતરમાં હેન્ડસેટ્સમાં સુરક્ષાને લગતી ચિંતા પેદા થઈ હતી. કારણ કે મોટા ભાગના ચાઇનીઝ સ્માર્ટફોન વેન્ડર્સ ચીનમાં તેમનાં સર્વર ધરાવે છે.ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે એપ્સ દ્વારા યુઝર ડેટાનો ભારે વપરાશ થતો હોવાનો મુદ્દો ચિંતાજનક છે. ત્યારે મુખ્ય મુદ્દો માહિતીની સુરક્ષાને લગતો છે કારણ કે તે દેશની બહાર થર્ડપાર્ટી પાસે જાય છે.એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે કંપનીઓનાં સર્વર ભારત બહાર હોવાથી ડેટા પ્રોસેસિંગ (કોમર્શિયલ ફાયદો ઉઠાવવા માટે) એક નવું ફિલ્ડ બની ગયું છે.સરકારે ૨૧ સ્માર્ટફોન કંપનીઓને જણાવ્યું છે કે ૨૯ ઓગસ્ટ સુધીમાં તેઓ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતો પ્રોટોકોલ પ્રસ્તુત કરે જેથી ભારતમાં વેચવામાં આવતા મોબાઇલ ફોનની સુરક્ષા જળવાઈ શકે. દેશના ૮ અબજ ડોલરથી વધારે મોટા સ્માર્ટફોન બજારમાં શાઓમી, ઓપ્પો, વિવો, લેનોવો અને જિયોની સહિતની ચાઇનીઝ હેન્ડસેટ ઉત્પાદકો ૫૦ ટકા કરતા વધારે હિસ્સો ધરાવે છે. આ પૈકીની મોટા ભાગની હેન્ડસેટ કંપનીઓના સર્વર ચીનમાં છે. શાઓમીના સર્વર સિંગાપોર અને અમેરિકામાં છે.સરકાર સ્માર્ટફોન કંપનીઓને સૂચનો આપીને બે મુદ્દાનો નિવેડો લાવવા માંગે છે તેમ એક અધિકારીએ કહ્યું હતું. પ્રથમ મુદ્દો એ છે કે ગ્રાહકો એપ ડાઉનલોડ કરે પછી ડેટાના ઉપયોગ માટે જે સહમતી આપે છે તેની સરખામણીમાં ઘણો વધારે ડેટા વાપરવામાં આવે છે. કેટલીક એન્ટિટીઓ ઘણી વધારે માહિતી એકત્ર કરે છે અને કોમર્શિયલી લાભ લેવા માટે આ ડેટાનો ઉપયોગ થાય છે. આ ખોટું છે અને તેનો ઉકેલ લાવવાની જરૂર છે.બીજો મુદ્દો મંજૂરી વગર ડેટા એકત્ર કરીને દેશની બહાર તેનો ઉપયોગ કરવાને લગતો છે. સરકારે વિદેશી કંપનીઓને ભારતમાં પોતાના સર્વર સ્થાપવા માટે જણાવ્યું હોય તેવું આ પ્રથમ વખત નથી બન્યું. ટેલિકોમ વિભાગે ૨૦૦૮માં કેનેડિયન સ્માર્ટફોન ઉત્પાદક બ્લેકબેરીને પણ તેના કેટલાક સર્વર ભારતમાં શિફ્ટ કરવા જણાવ્યું હતું જેથી સુરક્ષા એજન્સીઓએ ઉઠાવેલા મુદ્દાનો ઉકેલ આવે અને તમામ ઇ-મેઇલને મોનિટર કરી શકાય. ત્યાર બાદ કંપનીએ આખરે ૨૦૧૨માં આ સુવિધા માટે મુંબઈમાં પોતાનું સર્વર સ્થાપ્યું હતું.હાલમાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ પ્રવર્તે છે ત્યારે સરકારે હેન્ડસેટ કંપનીઓ સમક્ષ આ મુદ્દા ઉઠાવ્યા છે. ચીનમાંથી આઇટી અને ટેલિકોમ પ્રોડક્ટ્સની આયાત કરવાના કારણે દેશમાંથી મહત્ત્વની માહિતી ચોરાય તેવી બીક છે.
વિદેશી હેન્ડસેટ ઉત્પાદકોએ ભારતમાં સર્વર રાખવાં પડશે
Previous Articleરિટર્ન ફાઈલ કરવામાં બેથી વધુ વાર ડિફોલ્ટ થનારાઓને રોજના રૂ. ૨૦૦ પ્રમાણે દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી
Next Article ૩ સિસ્ટમો સક્રિય:સૌરાષ્ટ્રમાં સવારથી વરસાદ