સરકારની નીતિ અને વૈશ્ર્વિક સ્થિતિના કારણે ૨૦૨૦ સુધીમાં કૃષિ ઉત્પાદનોના કારણે વિદેશી હુંડીયામણ સતત વધે તેવી અપેક્ષા
ભારત ખેતી દેશ હોવાની વાત જગજાહેર છે. આવા સંજોગોમાં ભારત સરકારે કરેલા પ્રયત્નોના કારણે ભારતમાં મસમોટુ વિદેશી હુંડીયામણ આવે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. વર્તમાન સમયમાં ભારતનું ફોરેક્ષ રિઝર્વ એટલે કે, વિદેશી હુંડીયામણ ૪૫૪ બીલીયન ડોલર સુધી પહોંચી ગયું હોવાનું જાણવા મળે છે. આ સપાટી ભારતના વિદેશી હુંડીયામણની સૌથી ઉંચી સપાટી છે. ભારતમાં તેલીબીયા સહિતની ખાદ્ય પેદાશમાં આવેલા બમ્પર ઉત્પાદનના કારણે આગામી સમયમાં વિદેશી હુંડીયામણ આકાશને આંબશે એવું નિષ્ણાંતો માની રહ્યાં છે.
સત્તાવાર આંકડા મુજબ ભારતનું વિદેશી હુંડીયામણ તા.૧૩ સુધીમાં અઠવાડિયાની દ્રષ્ટીએ સતત વધી રહ્યું હતું. જે સરેરાશ ૪૫૩ બીલીયન ડોલરથી વધીને ૪૫૪ બીલીયન ડોલરે પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય ખેત પેદાશોની માંગ વિદેશમાં વધવા પામી છે. ભારત સરકારના લઘુતમ ટેકાના ભાવના કારણે ખેડૂતોને મહદઅંશે ઉંચા ભાવ મળી રહ્યાં છે. જેનાથી અત્યાર સુધી ભારતીય બજારમાંથી સસ્તાદરે પેદાશો લઈ જતા વિદેશી ઉદ્યોગપતિઓ હવે સસ્તા દરે માલ સામાન લઈ જઈ શકતા નથી. જેનાથી ખેડૂતોની આવકને સીધો ફાયદો થયો છે.
વધુ વિગતો મુજબ ભારતમાં ગોલ્ડ રિઝર્વ ઘણા અંશે ઓછુ થયું છે. ૧૧૦ મીલીયન ડોલરથી ઘટીને ૨૬.૯૬ બીલીયન પહોંચ્યું છે. આ આંકડા એક અઠવાડિયાના છે. સરેરાશ ગોલ્ડ રિઝર્વના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. બીજી તરફ સ્પેશ્યલ ડ્રોવીંગ રાઈટ્સની વેલ્યુમાં પણ ફેરફાર થયો છે. આ રાઈટ્સ ૧.૪૪ બીલીયન ડોલરી વધી ૨ બીલીયન ડોલરે પહોંચ્યું છે. ઈન્ટરનેશનલ મોનીટરી ફંડમાં પણ ઘણા અંશે વધારો જોવા મળ્યો છે.
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અઠવાડિયામાં થયેલા વિદેશી હુંડીયામણ મુદ્દે આંકડા જાહેર કર્યા હતા. જેના પરીથી આગામી સમયમાં ભારતમાં વિદેશી હુંડીયામણ અનેકગણું વધશે તેવો અંદાજ લગાવી શકાય છે. ભારતમાં હાલ ફોરેન રિઝર્વ ૮ હજાર કરોડથી પણ વધવાનું હોવાનું આંકડા કહી રહ્યાં છે. આ ફંડ વધવા પાછળ ભારતના ઉત્પાદન મહત્વના છે. ભારત સરકારની નીતિના કારણે પણ ખેડૂતોની આવકમાં વધારા સાથે તિજોરીમાં વિદેશી હુંડીયામણ ઢસડી લાવવામાં અનેકગણી મદદ મળી છે. એક તરફ ભારતની ઈકોનોમીમાં ૬૫ ટકા જેટલો મહત્વનો ભાગ ખેત પેદાશો આપી રહી છે ત્યારે ભારતના વિકાસની ગાડી ફરી પાટા પર ચડે તેવા હેતુથી ખેત પેદાશોને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તે મુદ્દેની નીતિ ઘડવાની જરૂરત ઉભી થઈ છે.
અહીં નોંધનીય છે કે, ભારતીય અર્થ વ્યવસથા વર્તમાન સમયમાં સુસ્તીના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ભારતનું અર્થતંત્ર ઠંડુ પડ્યું હોવાનું નિષ્ણાંતો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કહી ચૂકી છે. આવા સંજોગોમાં ભારત સરકાર આગામી સમયમાં બજેટ જાહેર કરવા જઈ રહી છે. ત્યારે બજેટમાં ખેત પેદાશોની નિકાસ માટે યોગ્ય ભંડોળ ફાળવવામાં આવશે તેવા ઉજળા સંજોગોમાં છે. ભારતના અર્થતંત્રને બચાવવા નિકાસને વેગવાન બનાવવામાં આવે તેવું વારંવાર કહેવામાં આવે છે. ત્યારે ભારતનું નિકાસ ક્ષેત્ર અત્યારે બહોળા પ્રમાણમાં ખેતપેદાશોની નિકાસ કરતી હોવાથી સરકાર પણ હવે આ મુદ્દે વધુ સજાગ બની ચૂકી છે.
ભારતીય અર્થતંત્રમાં વિદેશી મુડી હુંડીયામણ જેમ બને તેમ વધે તે અર્થતંત્રની તંદુરસ્તી માટે જરૂરી છે. વિદેશી મુડી હુંડીયામણ તિજોરીમાં વધે તે માટે નિકાસ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવું જરૂરી છે. જો કે, અગાઉના પગલા નિકાસને નુકશાન પહોંચાડે તેવા આક્ષેપો હતા. હવે નાણાપ્રધાન નિર્મલા સીતારમ બજેટમાં નિકાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ જાહેર કરે તેવું નિકાસકારો ઈચ્છી રહ્યાં છે. તાજેતરમાં જ નાણાપ્રધાન નિર્મલા સીતારમને વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં નિકાસકારોનો પણ સમાવેશ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
લઘુતમ ટેકાના ભાવના કારણે એકસ્પોર્ટમાં ચાંદી હી ચાંદી
સરકારના નિર્ણયનો પગલા ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ મળી રહ્યાં છે. આ ટેકાના ભાવના કારણે ખેડૂતોને રાહત થાય છે. બીજી તરફ ભારતીય બજારમાંથી સસ્તા દરે વિદેશ ચાલી જતી ખેતપેદાશો પણ અટકે છે. ખેત પેદાશોને પુરતા ભાવ મળી રહે છે. એકંદરે લઘુતમ ટેકાના ભાવના નિર્ણયના કારણે એકસ્પોર્ટમાં ચાંદી હી ચાંદી જેવો માહોલ રચાયો છે. એકસ્પોર્ટમાં સારા ભાવ મળવાથી વિદેશી હુંડીયામણ દેશની તિજોરીમાં વધવા પામ્યું છે.
તેલીબીયાના બમ્પર ઉત્પાદની પણ ફાયદો
વર્તમાન સમયમાં મગફળી સહિતના તેલીબીયાનો પાક પણ વધ્યો છે. બમ્પર ઉત્પાદનના પગલે ખેડૂતોને ફાયદો થયો છે. ભાવ સારા મળવાની સાથે ઉત્પાદન પણ વધતા વિદેશમાં મોકલાતા તેલીબીયા પેદાશોનું પ્રમાણ વધ્યું છે. જેનાથી દેશની તિજોરીમાં ભંડોળ વધ્યું છે. પામ અને સીંગતેલના કારણે ભારતમાં હુંડીયામણ વધ્યું હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. ચીનમાંથી માંગ વધતા ભારતને ફાયદો થયો છે.
૬૫ ટકા અર્થતંત્ર કૃષિ આધારિત થયું
ભારત કૃષિપ્રધાન દેશ હોવાનું વર્ષોથી ચર્ચાય છે. જો કે, અત્યાર સુધી કૃષિ પ્રધાન હોવાનો ફાયદો ભારત ઉઠાવી શકયું નહોતું. ભારતના ખેડૂતો પુરતા ભાવ મળતા નહોતા જો કે હવે પરિસ્થિતિ બદલાઈ છે. ભારતીય ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં ભાવ મળવા લાગ્યા છે. બીજી તરફ ભારતનાં અર્થતંત્ર પણ કૃષિ આધારીત દેશ હોવાનો ફાયદો મળવા લાગ્યો છે. આવા સંજોગોમાં અર્થતંત્રને ૬૫ ટકા જેટલું ભંડોળ એકલુ કૃષિ ક્ષેત્ર પૂરું પાડતું હોવાનું જાણવા મળે છે.
ચીનમાં તેલીબીયાની માંગ વધતા યોગ્ય ભાવ મળ્યા
ચીનમાં તેલીબીયાની માંગમાં સતત વધારાના પગલે ભારતીય બજારને સમયાંતરે ફાયદો થશે. અત્યારે પામ અને સીંગતેલની માંગ વધતા ભારતની તિજોરીમાં મોટુ ભંડોળ ઠલવાયું છે. વિદેશ નિકાસ થતાં તેલીબીયાના કારણે તિજોરીને ફાયદો થયો છે. હજુ ચીનમાં તેલીબીયાની માંગ જેમ જેમ વધશે તેમ તેમ ભારતની તિજોરીમાં વિદેશી મુડી ઠલવાશે તેવું આર્થિક નિષ્ણાંતોનું માનવું છે.
૨૦૨૦માં ભારતની એગ્રી પ્રોડકટ્ અઢળક ભંડોળ ખેંચી લાવશે
વર્તમાન સમયમાં તેલીબીયાનો પાક બમ્પર આવ્યો છે. આગામી ૨૦૨૦ સુધીમાં એગ્રી પ્રોડકટ્સના કારણે ભારતમાં અઢળક વિદેશી ભંડોળ ખેંચાઈ આવશે. ભારતની એગ્રી પ્રોડકટ્સની માંગ વિદેશમાં સતત વધી રહી હોવાના કારણે તિજોરી વિદેશી હુંડીયામણી છલકાઈ જશે. મગફળી સહિતના તેલ મામલે ભારત વૈશ્ર્વિક બજારનું કેન્દ્ર બનશે તેવું પણ જણાય રહ્યું છે. વર્તમાન સમયમાં તેલ ક્ષેત્રમાં આવેલી તેજી ભારતની તિજોરીને ફાયદો કરાવી રહી છે.