વિદેશ વસવાટનાં પ્રબળ પરિબળો – નોકરીની વધુ ઉપલબ્ધતા અને ઉચ્ચ પગાર
પ્રાણી માત્રનો સ્વભાવ છે કે પુષ્કળ ધન કમાવવું.પુષ્કળ પાવર મેળવવો વગેરે બહાદુરીના કામ ગણાય છે.ઘણા લોકો બહાર જઈને વસવું તેને બહાદુરીનું કામ ગણે છે.પોતે બેઠો હોય તે ઝાડ પર બધું ઠીક હોવા છતાં વાંદરો બીજા ઝાડ પર કેમ કૂદે છે ? શક્તિ અનુસાર જગાઓ બદલતા રહેવું ઘણા બધાને ગમતું હોય છે.આ પ્રાણી માત્રનો સ્વભાવ છે. ઘરની બહાર જઈને ગામના ઓટલે બેસવા જવું ગમે જ છે ને !
ભારતમાં વસ્તી વધુ હોવાથી ઘણા લોકોને ભારતમાં ધંધા રોજગાર મળવા મુશ્કેલ છે.પરદેશમાં જઈશું તો બે પૈસા વધુ કમાવા મળશે,તેવું લાગવાથી ઘણા લોકો પરદેશ જાય છે.જમાના પ્રમાણે અમુક જાતના ધંધા – રોજગાર પરદેશમાં વધુ મળતા હોય છે. હમણાં સુધી સોફ્ટવેરની આવડતવાળા ભારતીયો માટે યુએસએ જવું જરૂરી લાગતું હતું.
આજે યુએસમાં ભારતીય મૂળના નાગરિકો કે જેઓ ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ સ્કેલ ક્ષેત્રોમાં કાર્યરત છે.પ્રથમ નોકરીઓની વધુ ઉપલબ્ધતા અને બીજું ઉચ્ચ પગાર આ બે ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળો છે,કે જે ઉચ્ચ શિક્ષિત ભારતીયોને અન્ય દેશોમાં રોજગાર મેળવવા માટે આકર્ષે છે.ત્રીજું જવાબદાર પરિબળ એ છે કે ઘણા વિકસિત દેશોમાં અન્ય દેશોના નાગરિકોને ઝડપથી નાગરિકતા આપવાના હેતુથી વિશેષ રોકાણ યોજનાઓ બનાવવામાં આવી છે.આ યોજનાઓ હેઠળ જો કોઈ વિદેશી નાગરિક આ દેશમાં પૂર્વ નિર્ધારિત રકમનું રોકાણ કરે છે અને તે દેશમાં રોજગારીની તકો ઉભી કરે છે તો તે દેશની નાગરિકતા ’ગોલ્ડન વિઝા રૂટ’ હેઠળ ઝડપથી પ્રદાન કરવામાં આવી રહી છે.
આ કારણોસર પણ ઘણા ભારતીયો આવા અન્ય દેશોમાં તેમની મોટી રકમનું રોકાણ કરી રહ્યા છે અને આ ચેનલ દ્વારા વિકસિત દેશોની નાગરિકતા મેળવી રહ્યા છે.હવે યુરોપિયન દેશો પોર્ટુગલ,માલ્ટા,ગ્રીસ ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ, સિંગાપોર, યુએઈ વગેરે પણ આવી યોજનાઓ અમલમાં મૂકીને ભારતીયોને પોતપોતાના દેશો તરફ આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમને આ પ્રયાસોમાં સફળતા પણ મળી રહી છે,કારણ કે આ દેશોમાં બિઝનેસ કરવા માટે ખૂબ જ સરળ નિયમો છે.આ દેશોમાં ઘણી બધી જમીન ઉપલબ્ધ છે અને પર્યાવરણની દૃષ્ટિએ પણ આ દેશો તુલનાત્મક રીતે સુરક્ષિત અનુભવાય છે.
આજે અમેરિકા,યુરોપ અને અન્ય વિકસિત દેશો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને તેઓ આ સમસ્યાઓને ઉકેલવામાં પોતાને અસમર્થતા અનુભવી રહ્યા છે.હકીકતમાં વિકાસનું જે મોડલ આ દેશોએ અપનાવ્યું છે,એ મોડેલમાં સ્પષ્ટ દેખાતી ઘણા બધી ક્ષતિઓ દૂર ન થવાને કારણે આ દેશોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાય છે. જેમ કે નૈતિક અને માનવીય મૂલ્યોમાં સતત ઘટાડો, સુખ અને શાંતિનો અભાવ,હિંસાનો વધારો વગેરે. આ દેશોમાં રહેતા લોકોમાં માનસિક રોગોનો ફેલાવો,ફુગાવો,આવકની વધતી અસમાનતા,બેરોજગારી,દેવું,ખાધ ધિરાણ,કુદરતી સંસાધનોની અધોગતિ,ઊર્જા કટોકટી,જંગલ વિસ્તારમાં ઝડપી ઘટાડો,જંગલોમાં આગ, ઝડપથી ઘટતું ભૂગર્ભ જળ સ્તર, આબોહવા અને વરસાદના સ્વરૂપમાં સતત ફેરફાર વગેરે.
ભારત હિન્દુ સનાતન સંસ્કૃતિમાં માનનારા લોકોનો દેશ હોવાથી તેને રામ અને કૃષ્ણનો દેશ પણ માનવામાં આવે છે.તેથી હિન્દુઓમાં ’વસુધૈવ કુટુમ્બકમ’, ’સર્વે ભવન્તુ સુખિન:’ અને ’સર્વજન હિતાય,સર્વજન સુખાય’, જેવા દાર્શનિક સિદ્ધાંતોનું સહજ પાલન કરવામાં આવે છે.બાળપણથી જ સૌ કોઈમાં પરિવારની લાગણી જાગૃત થાય છે.તેથી વિવિધ દેશોમાં વસતા ભારતીય મૂળના નાગરિકોએ મહાન ભારતીય સનાતન સંસ્કૃતિને અનુસરીને વિદેશોની ઉપરોક્ત સમસ્યાઓના નિરાકરણમાં આગળ વધીને યોગદાન આપી રહ્યા છે.
છેલ્લાં કેટલાક વર્ષોમાં વિદેશ ગમન કરેલા ભારતીયોની સંખ્યા ઉપર જો એક નજર કરવામાં આવે તો કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર 2022ના રોજ ભારતની સંસદને જાણકારી આપી હતી કે 2011 થી 31 ઓક્ટોબર 2022 સુધીમાં 16 લાખ ભારતીયોએ અન્ય દેશોની નાગરિકતા મેળવી છે.વર્ષ 2022 માં બે લાખ પચ્ચીસ હજાર ભારતીઓએ અન્ય દેશોની નાગરિકતા લીધી છે.આ જ રીતે વર્ષ 2018માં મોર્ગન સ્ટેન્લીના ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારતમાંથી વર્ષ 2014 થી 2018ની વચ્ચે કરોડપતિઓની શ્રેણીમાં સામેલ 23,000 ભારતીયોએ અન્ય દેશોમાં નાગરિકતા મેળવી હતી.આ કરોડપતિઓ એવી વ્યક્તિ છે કે જેની સંપત્તિ એક મિલિયન યુએસ ડોલરથી વધુ છે.વળી વૈશ્વિક વેલ્થ માઈગ્રેશન રિવ્યુના આંકડા મુજબ વર્ષ 2020માં 10 લાખ ડોલરની કેટેગરીમાં સામેલ એવા 7000 ભારતીયોએ અન્ય દેશોની નાગરિકતા મેળવી છે.આ સંખ્યા ભારતમાં ડોલર કરોડપતિઓની કુલ સંખ્યાના 2.1% છે.ચીનમાંથી ડોલર કરોડપતિ કેટેગરીમાં સૌથી વધુ નાગરિકોએ અન્ય દેશોમાં નાગરિકત્વ મેળવ્યું છે.આ યાદીમાં ચીન પછી ભારત અને પછી રશિયાનો નંબર આવે છે.હેનલી પ્રાઇવેટ વેલ્થ માઈગ્રેશન ડેશ બોર્ડે એવી શક્યતા વ્યક્ત કરી છે કે વર્ષ 2022 માં દુનિયાભરમાંથી સૌથી વધુ કરોડપતિઓને યુએઈની નાગરિકતા મળી છે.
વિશ્વના જુદા જુદા દેશોમાં 1.8 કરોડ ભારતીય વસે છે.આ આંકડો દુનિયાના કોઈપણ દેશ કરતાં વધારે છે.ભારતની વસ્તીના આશરે એક ટકા જેટલા લોકો એનઆરઆઈ છે.જે વર્ષે દહાડે બહારના દેશોમાં કમાય કમાય ને 6.5 લાખ કરોડ રૂપિયાથી વધારે રૂપિયા ભારત મોકલે છે.દેશની જીડીપીમાં એમનું કોન્ટ્રીબ્યુશન ત્રણ ટકા જેટલું થાય.જે બિલકુલ ઓછું ન આંકી શકાય.કોવિડ કાળમાં પણ આ લોકોએ ઘણા રૂપિયા દેશમાં મોકલ્યા હતા.
જેના કારણે ઈકોનોમી પર થોડી હકારાત્મક અસર પડી હતી.દેશનું ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી કરન્સીમાં આવતા પૈસા જેટલા વધારે એટલી અર્થ વ્યવસ્થા મજબૂત થાય.આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી જેવા માહોલમાં પણ ભારતને એક મજબૂત ટેકો મળે છે,કારણ કે દુનિયાનો લગભગ એકેય દેશ એવો નહીં હોય જ્યાં ભારતીય લોકો નહીં હોય.એ બધા ભારતમાં વિદેશી હૂંડિયામણ મોકલતા જ રહે છે.તેનો અગાઉ પણ દેશને ફાયદો મળી ચૂક્યો છે. ભારતની આયાત નિકાસ વચ્ચેનો તફાવત એટલે કે ટ્રેડ ડેફીસીટના 40% થી વધારે ગેપ પણ તેમના યોગદાનથી ભરાઈ છે.અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે અર્થવ્યવસ્થા અને આ બધા સપોર્ટ પછી પણ તેઓ આપણા એમ્બ્યુલન્સ અને દવાખાના તો શું સુલભ શૌચાલય પણ યુઝ કરવા નથી આવતા !એટલે મોટેભાગે એમની પાછળ આપણો ખર્ચો ઝીરો જ સમજવો રહ્યો.
હકીકતમાં તો એવું છે કે,અહીં જે લોકો પોતે ટેક્સ પે પણ નથી કરતા અને કહેતા ફરતા હોય છે કે,એનઆરઆઈ લોકો આ દેશની સંસ્કૃતિ ભૂલી ગયા છે.દેશદ્રોહી છે.ઘણા લોકોને એવી પણ ફરિયાદ છે,કે આ બુદ્ધિ ધન ભારતને કામ લાગતું નથી અને વિદેશી કંપનીઓને પોતાનું ઈન્ટેલિજન્સ આપીને કમાણી કરાવે છે.હવે જો પરાગ અગ્રવાલ,સુંદર પીચાઈ,સામ પિત્રોડા,પ્રણવ મિસ્ત્રી,રીશી સુનક,જેવા ખેરખાંઓ અહીં જ રહ્યા હોત અને વિદેશ ગયા જ ન હોત તો કેટલે પહોંચ્યા હોત ? અને શું બન્યા હોત ? એ આખી અલગ જ ડિબેટનો મુદ્દો છે.