- છેલ્લા સપ્તાહમાં ફોરેકસ રિઝર્વમાં 52 હજાર કરોડનો વધારો, ફોરેન કરન્સી એસેટ્સ પણ વધી
Business News : અર્થતંત્ર સતત જેટગતિએ આગળ વધી રહ્યું છે. તેવામાં 15 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 6.396 બિલિયન ડોલર એટલે કે 52 હજાર કરોડનો વધારો થયો છે. તે વધીને 642.492 બિલિયન ડોલર એટલે કે 52.68 લાખ કરોડ થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ શુક્રવારે આ જાણકારી જાહેર કરી છે.
એક સપ્તાહ પહેલા દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 10.47 બિલિયન ડોલર વધીને 636.095 બિલિયન ડોલર પર પહોંચી ગયો હતો. આ રીતે, છેલ્લા બે સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં લગભગ 16.86 બિલિયન ડોલરનો વધારો થયો છે.
રિઝર્વ બેંકના ડેટા અનુસાર, વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ ગણાતી ફોરેન કરન્સી એસેટ્સ 15 માર્ચે પૂરા થયેલા સપ્તાહમાં 6.034 બિલિયન ડોલર વધીને 568.386 બિલિયન ડોલર થઈ ગઈ છે. વિદેશી ચલણની અસ્કયામતોમાં ડોલરની શરતોમાં વિદેશી ચલણના ભંડારમાં રહેલા યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં ચાલની અસરનો સમાવેશ થાય છે.
ગોલ્ડ રિઝર્વમાં પણ જબરો ઉછાળો
રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે સપ્તાહ દરમિયાન સોનાના ભંડારનું મૂલ્ય 425 મિલિયન ડોલર વધીને 51.14 બીલીયન ડોલર થયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 65 મિલિયન ડોલર વધીને 18.276 બિલિયન ડોલર થઈ ગયા છે. સમીક્ષા હેઠળના સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં ભારતની અનામત થાપણો પણ 129 મિલિયન ડોલર વધીને 4.689 બિલિયન ડોલર થઈ ગઈ છે.