- વૈશ્વિક સંજોગો મોદી મંત્ર-1ના સ્વપ્નને રોળી નાખશે?
- અર્થતંત્રને મજબૂત બનાવવા સરકારના ભરપૂર પ્રયાસો, તેમ છતાં વૈશ્વિક સ્થિતિને કારણે અર્થતંત્ર ઉપર સંકટના વાદળો
વૈશ્વિક સંજોગો મોદી મંત્ર-1 અર્થતંત્રના વિકાસના સ્વપ્નને રોળી નાખે તેવી દહેશત જોવા મળી રહી છે. સામે સરકાર પાસે વિદેશી મુદ્રા ભંડારમાં પડેલા 50 લાખ કરોડની મદદથી રૂપિયાને ઊંચો લાવી શકે તેમ છે.પણ આવું કરવામાં જોખમ વધુ હોય, માટે આવું શક્ય નથી.
વિદેશી બજારોમાં યુએસ ચલણમાં મજબૂતી અને વિદેશી મૂડીનો પ્રવાહ ચાલુ રહેવાને કારણે સોમવારે રૂપિયો ડોલર સામે 54 પૈસા ઘટીને 77.44ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે યુએસ બોન્ડની વધતી કમાણી અને ફુગાવાની ચિંતા વચ્ચે રોકાણકારો જોખમ લેવા માટે ખચકાય છે. જો આ સ્થિતિ યથાવત રહેશે, તો વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરો વધુ આક્રમક રીતે વધારવામાં આવશે.
ગઈકાલે આંતરબેન્ક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો યુએસ ડોલર સામે 77.17 પર નબળો ખૂલ્યો હતો અને ટ્રેડિંગના અંતે તેના અગાઉના બંધ ભાવની સામે 54 પૈસાના મજબૂત ઘટાડા સાથે ડોલર દીઠ 77.44 પર બંધ થયો હતો. દિવસના કારોબાર દરમિયાન રૂપિયો 55 પૈસા ઘટીને 77.52 ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. શુક્રવારે રૂપિયો 55 પૈસા ઘટીને 76.90 પર બંધ થયો હતો.
ગઇકાલની સ્થિતિએ છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં અમેરિકી ચલણ સામે રૂપિયામાં 109 પૈસાનો ઘટાડો થયો છે. કરન્સી એન્ડ એનર્જી, આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોકબ્રોકર્સના સંશોધન વિશ્લેષક રોયસ વર્ગીસ જોસેફે જણાવ્યું હતું કે, “મજબૂત ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી કમાણીમાં સતત વધારા વચ્ચે અન્ય એશિયન કરન્સીના નબળા પડવાના કારણે ભારતીય રૂપિયાની હાજર કિંમત રેકોર્ડ નીચી સપાટીએ આવી ગઈ છે.
જોસેફે વધુમાં જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો અને વધતી જતી સ્થાનિક ફુગાવાને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો સ્થાનિક સિક્યોરિટીઝમાં વેચાણમાં વધુ વધારો કરી શકે છે. દરમિયાન, નિર્ધારિત બેઠકોની બાજુમાં 4 મેની બેઠકમાં, રિઝર્વ બેંકે રૂપિયાને મજબૂત કરવાની દિશામાં કંઈ ખાસ કર્યું ન હતું. આગળ જતાં, રૂપિયો તૂટ્યો હતો.
બીજી બાજુ જોઈએ તો સરકાર પાસે હાલ 50 લાખ કરોડ જેટલુ ફોરેન રિઝર્વ ઉપલબ્ધ છે. આની મદદથી રૂપિયાને મજબૂત બનાવી ઐતિહાસિક સપાટીએ પહોંચાડી શકાય છે. પણ સામે રિઝર્વ ઘટતા અર્થતંત્ર સામે અનેક પડકારો આવી શકે તેમ હોય માટે સરકાર આવું કરવાનું ટાળી રહી છે.
અર્થતંત્રને ટનાટન બનાવવા નિકાસ વધારીને આયાત ઘટાડવી એકમાત્ર સુરક્ષિત રસ્તો
સરકાર 2024 સુધીમાં અર્થતંત્રને ટનાટન બનાવવા ઈચ્છે છે. જેના માટે સૌથી સુરક્ષિત રસ્તો એ જ છે કે નિકાસ વધારીને આયાત ઘટાડવી. સરકાર દ્વારા આ રસ્તે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ ભારતની આયાત નિકાસ કરતા વધુ છે. જેને કારણે અર્થતંત્ર પીડાઈ રહ્યું છે. સરકારે તાજેતરમાં આયાત ઘટાડવા અનેક આયાતી પ્રોડક્ટને ઘરઆંગણે જ ઉત્પાદન કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
વિદેશી મુદ્રાભંડાર જો તળિયે પહોંચે તો શ્રીલંકા જેવી અંધાધૂંધી ફેલાઈ
ભારત સરકાર વિદેશી મુદ્રા ભંડારને ઓછું કરવાનું કોઈ જોખમ અત્યારની સ્થિતિએ લઈ શકે તેમ નથી. કારણકે આનું શ્રેષ્ઠ ઉદાહરણ શ્રીલંકાની વર્તમાન સ્થિતિ છે. કારણકે શ્રીલંકામાં મુદ્રા ભંડાર તળિયે જતા અર્થતંત્ર પડી ભાંગ્યું છે. જેના કારણે ત્યાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. જનજીવન અસ્તવ્યસ્ત થતા જ સરકાર ફેરવવાનો વારો પણ આવ્યો છે. બીજી તરફ સામાન્ય માણસોને ખાવાનું પણ નસીબમાં નથી રહ્યું. આમ શ્રીલંકા કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ ત્યાંના મુદ્રા ભંડારમાં ઘટાડો છે.