2022ના નાણાકીય વર્ષમાં વિદેશી દેવું 46 લાખ કરોડે પહોંચ્યું, દેવું ઘટાડવા સરકાર સતત પ્રયત્નશીલ
દેણું કરીને ઘી પીવાય.. પણ ક્યારે? તેનો જવાબ છે જો ઘી પીને મજબૂત બનીને પાછું એ દેણું ભરપાઈ કરી શકાય તો દેણું કરાય. ભારત આ દિશામાં ચાલી રહ્યું છે. ભારત દેણું કરી રહ્યું છે પણ સામે અર્થતંત્રને મજબૂત કરીને આ દેણું ભરપાઈ કરવા માટે પણ સક્ષમ બનવાનો પ્રયત્ન રહ્યું છે. પણ આના માટે પહેલા નિકાસ વધારીને હૂંડિયામણ લઈ આવવું ખૂબ જરૂરી છે.
માર્ચ 2022માં પૂરા થયેલા છેલ્લા નાણાકીય વર્ષમાં ભારતનું વિદેશી દેવું વધીને 620 બિલિયન ડોલર એટલે કે 46 લાખ કરોડ થયું છે. રિઝર્વ બેંકે આ માહિતી જાહેર કરી હતી.જોકે, ગત નાણાકીય વર્ષમાં બાહ્ય દેવું અને કુલ સ્થાનિક ઉત્પાદન રેશિયો માર્ચ 2021ના અંતે 21.2 ટકાથી ઘટીને 19.9 ટકા થયો હતો. ભારતીય રૂપિયા અને યેન, યુરો અને એસડીઆઈ જેવી અન્ય મુખ્ય કરન્સી સામે યુએસ ડોલર મજબૂત થતાં મૂલ્યાંકન લાભ 11.7 બિલિયન રહ્યો હતો. રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો વેલ્યુએશન બેનિફિટ દૂર કરવામાં આવે તો ભારતનો એક્સટર્નલ ડેટ ગ્રોથ 58.8 બિલિયન ડોલર પર બેસી જશે.
લાંબા ગાળાનું દેવું માર્ચના અંતે 499.1 બિલિયન ડોલર હતું. માર્ચ, 2021ના અંતમાં આમાં 26.5 બિલિયન ડોલરનો વધારો થયો છે.આ સમયગાળા દરમિયાન બાહ્ય દેવામાં ટૂંકા ગાળાના દેવાનો હિસ્સો વધીને 19.6 ટકા થયો છે, જે એક વર્ષ અગાઉ 17.6 ટકા હતો.
આમ ભારતનું દેણું વધ્યું છે. અર્થતંત્રને લગતી આ તમામ સમસ્યાઓના મૂળમાં રાજકોશિય ખાધનો વધારો છે. આને નિવારવા માટે સરકારે આયાત ઘટાડીને તેની સામે નિકાસમાં વધારો કરવાના બનતા તમામ પ્રયાસો કરવા પડશે. જો કે સરકારે આ દિશામાં પગલાં લેવાનું શરૂ પણ કરી દીધું છે. જેના ભાગરૂપે જ સરકારે સોનામાં આયતકરમાં વધારો કર્યો છે. કારણકે સોનાની આડેધડ આયાત રાજકોશિય ખાધમાં વધારો કરી રહી હતી. સરકારે આયાત ઘટે તે માટે જ આ પગલું લીધું છે. સરકાર હવે નિકાસ વધે તે માટે પૂરતા પ્રયાસો ઉપર ધ્યાન આપી રહી છે.
દેશમાં આર્થિક ગતિવિધિઓ તેજ: જીએસટી કલેક્શનમાં જૂન મહિનામાં 56 ટકાનો વધારો
દેશમાં આર્થિક ગતિવિધિઓ સતત વધી રહી છે. જેને પરિણામે જીએસટી પેટે સરકારની માસિક કમાણી સતત વધી રહી છે. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ જૂન મહિનામાં જીએસટી ક્લેક્શન રૂ. 1,44,616 લાખ કરોડ નોંધાયુ છે, જે વાર્ષિક તુલનાએ 56 ટકા વધારે છે.જે અત્યાર સુધીનું બીજા ક્રમનું રેકોર્ડ માસિક ક્લેક્શન છે. ગત એપ્રિલ મહિનામાં રૂ. 1.68 લાખ કરોડનું વિક્રમી બ્રેક જીએસટી ક્લેક્શન નોંધાયુ હતુ, જે જુલાઇ 2017માં નવી કરપ્રણાલી દેશભરમાં અમલમાં આવ્યા પછીની સૌથી વધુ માસિક કર વસૂલાત છે. મે મહિનામાં પણ માસિક જીએસટી વસૂલાત રૂ. 1.41 લાખ કરોડ રહી હતી. આમ ગત માર્ચ મહિનાથી જ માસિક જીએસટી ક્લેક્શન સરેરાશ રૂ. 1.40 લાખ કરોડથી ઉપર ટકી રહ્યુ છે. જૂન મહિનામા જે કુલ રૂ. 1,44,616 લાખ કરોડનું જીએસટી ક્લેક્શન થયુ છે, જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. 25,306 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 32,406 કરોડ, આઇજીએસટી રૂ. 75,887 કરોડ અને રૂ. 11,018 કરોડના જીએસટી કોમ્પન્સેશનનો સમાવેશ થાય છે.
- ક્રૂડ પછી હવે સોનુ ભડકે બળે તેવા એંધાણ
- રશિયન સોના ઉપર પ્રતિબંધ મુકવા યુરોપિયન યુનિયનની તૈયારી
યુરોપિયન યુનિયન રશિયાને ભીંસ પાડવા હજુ પણ પ્રતિબંધિત પગલાં લેવાનું વિચારી રહ્યું છે. જેમાં યુનિયન દ્વારા સોનાને લક્ષ્યાંકિત કરીને નવા પ્રતિબંધો પર કામ કરવામાં આવી રહ્યું છે. રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો સોનાની ખાણ ધરાવતો દેશ છે અને તેની સોનાની નિકાસ 2021માં દોઢ લાખ કરોડ જેટલી થઈ છે. જ્યારે યુકે, યુએસ, જાપાન અને કેનેડાએ આ સપ્તાહની શરૂઆતમાં રશિયામાંથી સોનાની નવી આયાત પર પ્રતિબંધ મૂકવાની તેમની યોજના જાહેર કરી હતી. બ્રિટને જણાવ્યું હતું કે આ પગલાની રશિયન સશસ્ત્ર દળો ઉપર વ્યાપક અસરપડશે. જેમ યુરોપિયન યુનિયને ક્રૂડ ઉપર પ્રતિબંધ મૂક્યો જેને પગલે ક્રૂડના ભાવ ભડકે બળ્યા તેમ હવે સોનાના ભાવ પણ ભડકે બળે તેવી આશંકા સેવાઈ રહી છે.
ઘટી રહેલા વિદેશી હૂંડીયામણની સમસ્યા દૂર કરવા પણ નિકાસ વધારવી જરૂરી
ભારતનું વિદેશી હૂંડિયામણ અનામત એક સમયે 640 બિલિયન ડોલરને આંબી ગઈ હતી. પણ હવે તે ઘટીને 590 બીલિયન ડોલરે પહોંચી ગઈ છે. ભારતે આ વિદેશી હૂંડીયામણ શો-કેસમાં મૂકેલું છે. જેને ફોરેન એક્સચેન્જ રિઝર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશાળ ભંડોળનું વ્યાજ પણ મળતું નથી. ક્યાંય ફાયદો પણ થતો નથી. છતાં આ ભંડોળને રાખવું અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. જેના અનેક કારણો છે. આ વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવો તે ચિંતાનું કારણ છે. ઘટાડા પાછળનું કારણ ભારતમાંથી ડોલર ઉપડી રહ્યા છે અથવા તો ભારતીય રિઝર્વ બેંક ગગડતા રૂપિયાના દબાણને “રાહત” કરવા માટે ડોલરનું વેચાણ કરી રહી છે. જો રૂપિયો ખૂબ ઝડપથી ઘટવા લાગે છે, તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દખલ કરે છે અને ઘટાડાને સ્થિર કરવા વિદેશી મુદ્રાભંડાર વેચી તેને સ્થિર કરવાનો પ્રયાસ કરે છે.