હાપા, આરંભડા અને લોધિકાના રાવકી ગામે કેમિકલ્સ પ્રોસેસથી અતિ જવલંનશીલ મેફેડ્રોન ડ્રગ્સ બનાવી મુંબઇ અને નેપાળ બોર્ડરેથી વિદેશમાં વેચાણ કર્યાની પાંચેય શખ્સોની સ્ફોટક કબુલાત: રેન્જ આઇજીએ પત્રકાર પરિષદમાં આપી વિસ્તૃત માહિતી
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીક આવેલા આરંભડા ખાતેથી પંદર દિવસ પહેલાં મળી આવેલા શંકાસ્પદ કેમિકલ્સના જથ્થા અંગે ગાંધીનગર લેબોરેટરી દ્વારા મેફેડ્રોન નામનું માદક ડ્રગ્સ હોવાનો અભિપ્રાય આપતા રાજકોટ રેન્જ આઇજીના માર્ગ દર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા, જામનગર એલસીબી અને આરઆરસેલની ટીમ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ કરી આંતર રાષ્ટ્રીય ડ્રગ્સનું ઉત્પાદન અને વેચાણના ચાલતા કૌભાંડનો પર્દાફાસ કરી પાંચ શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હોવાનું રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.
આરંભડાના રહીશોને આંખમાં અને ગળામાં બળતરા થતી હોવાનું અને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી થતી હોવાની ફરિયાદ ઉઠતા મીઠાપુર પોલીસ મથકના પી.એસ.આઇ. સી.બી.જાડેજા સહિતના સ્ટાફે મીઠાપુર ફેકટરીમાં તપાસ કરી હતી પણ ત્યાંથી કોઇ શંકાસ્પદ કેમિકલ્સ મળી આવ્યું ન હતુ દરમિયાન આરંભળાના ચીખલી તળાવ પાસે રામદેવપીરના મંદિર નજીક રહેતા હારૂન સતાર સોરાના મકાનમાં કેમિકલ્સ રાખવામાં આવ્યુ છે તેના કારણે આંખમાં બળતરા થતી હોવાનું બહાર આવતા હારૂન સતાર સોરાની અટકાયત કરી તેની પાસેથી ૪૫ જેટલા કેરબા કેમિકલ્સ કબ્જે કરી ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા હતા.
બીજી તરફ રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલના માર્ગ દર્શન હેઠલ જામનગર એલ.સી.બી. પી.આઇ. સમીર સારડા અને આર.આર.સેલના પી.એસ.આઇ. કૃણાલ પટેલ, શિવરાજભાઇ ખાચર, ચંદ્રવિજયસિંહ ઝાલા અને સંદિપસિંહ રાઠોડ સહિતના સ્ટાફ તપાસમાં જોડાયો હતો.
પોલીસની અલગ અલગ ટીમ બનાવી રાજકોટના નવા થોરાળા વિસ્તારના હારૂન સતાર સોરાની પૂછપરછ દરમિયાન જામનગરના દવાના જથ્થાબંધ વેપારી પીનલ કિરીટ ચોટાઇ નામના શખ્સો કેમિકલ્સનો જથ્થો હોવાની કબૂલાત આપતા પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ હાથધરી હતી.
દરમિયાન ગાંધીનગર લેબોરેટરી દ્વારા કેમિકલ્સની પ્રોસેસથી મેફેડ્રોન ઉર્ફે મયાઉ મયાઉ નામનું નાર્કોટીંક ડ્રગ્સ હોવાનો અભિપ્રાય આપવામાં આવતા પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠયો હતો. અને પીનલ ચોટાઇની આ અંગે ઉંડાણ પૂર્વક પૂછપરછ કરતા ગોંડલના ભાવેશ વિઠ્ઠલ દુધાત્રા નામનો શખ્સો એમએસસી કેમિસ્ટનો અભ્યાસ કર્યો હોવાનું અને કેમિકલ્સ પ્રોસેસમાંથી ડ્રગ્સ બનાવવાનો માસ્ટર માઇન્ડ હોવાની કબૂલાત આપી હતી. જ્યારે રાજકોટના રૈયા ગામ નજીક હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતો અને પાલનપુર ખાતે હત્યાના ગુનામાં ઝડપાયેલા ઇમરાન ઉર્ફે ભુરો અકબર જેસડીયા નામનો શખ્સ નેપાળ બોર્ડરેથી પ્રતિબંધિત કેમિકલ્સ ભારતમાં ઘુસાડી હારૂન સતાર સોરાને આપ્યા બાદ ભાવેશ દુધાત્રા પ્રોસેસ કરી ડ્રગ્સ બનાવી જામનગરના પીનલ અને મુંબઇના જીજ્ઞેશ વોરા ઉર્ફે રાહુલ શાહની મદદથી મુંબઇની ફાઇવ સ્ટાર અને થ્રી સ્ટાર હોટલમાં તેમજ કલબમાં ઉંચી કિમતે વેચાણ કરતો હોવાની કબૂલાત આપી હતી.
હારૂન સતાર અને પીનલ ચોટાઇની કબૂલાત બાદ ઇમરાન ઉફેઈ ભુરા જેસડીયા, ગોંડલના વેજાગામના ગીરધર વિરજી ભાલાળા અને અરજણ ધના મેવાડા નામના શખ્સોની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં છેલ્લા દોઢ વર્ષથી કેમિકલ્સ પ્રોસેસથી ડ્રગ્સ બનાવતા હોવાનું અને પ્રથમ લોધિકાના રાવકી ગામે બનાવ્યું હતું અને ત્યાર બાદ આઠેક માસ સુધી હાપા ખાતે ડ્રગ્સ બનાવીને અત્યાર સુધીમાં ૫૦ કિલો જેટલા ડ્રગ્સનું વેચાણ કર્યાનું બહાર આવ્યું છે. મેફેડ્રોન ડ્રગ્સ એક કિલોનો આંતર રાષ્ટ્રીય બજાર કિંમત રૂ. ૩૫ લાખ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
આરંબડા ખાતેથી ડ્રગ્સ બનાવવાની ફેકટરી પકડાતા પીનલ ચોટાઇએ નાના ઉમવાડા ગામે ગીરધર પટેલને ફોન કરી કેમિકલ્સ અને ડ્રગ્સનો નાસ કરવાની જાણ કરતા કેમિકલ્સનો નાસ કર્યો હતો તેમ છતાં એક પડીકી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા પોલીસે કબ્જે કર્યુ છે.
મેફેડ્રોન ડ્રગ્સના સેવનથી યુવા પેઢી બરબાદ થતી હોવાનું અને બે થી ત્રણ વખત સેવન કરે તો તેનો બંધાણી બની જતો અને તે મેફેડ્રોન ડ્રગ્સનું સેવન કરવાની ફરજ પડતી વધુ માત્રામાં સેવન કરવાથી કીડની, લીવર જેવા મહત્વના અંગ ફેઇલ થતા હોવાનું અને લાંબા ગાળે મોતમાં ધકેલાતા હોવાનું પત્રકાર પરિષદમાં રેન્જ આઇજી ડી.એન.પટેલે જણાવ્યું હતું.
હા‚ન સતાર સોરા બે વખત ઇરાક અને સાઉદી અરેબીયા જઇ આવ્યો હોવાથી તેનું વિદેશમાં કનેકશન હોવાની શંકા સાથે તેનો પાસપોર્ટ જપ્ત કર્યો છે. તેમજ નેપાળ બોર્ડરેથી કંઇ રીતે કેમિકલ્સ આવતુ તે અંગેની વધુ વિગતો જીજ્ઞેશ વોરા અને ભાવેશ દુધાત્રા પકડાયા બાદ બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. જીજ્ઞેશ વોરા ડ્રગ્સ બનાવવામાં મુખ્ય રોકાણકાર હોવાનું તેમજ તે જ વેચાણ કરી મોટી રકમ કમાતો હોવાનું બહાર આવ્યું છે.
મેફેડ્રોન ડ્રગ્સનું કનેકનશન તાજેતરમાં ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કૌભાંડના સુત્રધાર વી.કી.ગૌસ્વામી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર અને ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી સાથે હોવાની શંકા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ડ્રગ્સની સાથે વિસ્ફોટક સામગ્રી પણ બની શકે
આરંભડાથી ઝડપાયેલા અત્યંત જવલંતશીલ કેમિકલ્સની પ્રોસેસથી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાના કૌભાંડનો પર્દાફાસ થયો છે. ગાંધીનગર લેબોરેટરીના પૃથ્થકરમ દરમિયાન કેમિકલ્સમાંથી ધાતક વિસ્ફોટક અને ધાતક રાસાયણીક મળી આવ્યા હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે. તેમજ કબ્જે કરાયેલા કેમિકલ્સ પર ભારતમાં ૧૯૮૫માં
પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જણાવ્યું છે.