લોકડાઉન એટલે બધુ ‘લોક’ ?
લોકડાઉનનાં સમયમાં પણ ૬૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તત્પરતા વિદેશી કંપનીઓએ દાખવી: ૨૦ હજારથી વધુ રોજગારીની તકો
વૈશ્વિક મહામારી વચ્ચે જે સાર્વત્રિક લોકડાઉન જોવા મળ્યું હતું તેનાથી ધંધા-રોજગારોને પણ માઠી અસરનો સામનો કરવો પડયો હતો. બીજી તરફ લોકોમાં પણ એ ભયનો માહોલ સ્થાપિત થયો છે કે, આવનારા દિવસોમાં દેશની આર્થિક સ્થિતિ કેવી હશે અને શું ધંધા-રોજગારો ફરી ધમધમશે કે કેમ ? લોકોનાં માનસપટ પર એ વાત પણ સતાવી રહી હતી કે, લોકડાઉન એટલે બધું ‘લોક’ કે શું ? પરંતુ આ સમય એટલે કે લોકડાઉનનાં સમયમાં પણ ૩૧ જેટલી વિદેશી કંપનીઓએ ગુજરાતમાં ઉધોગો સ્થાપિત કરવા સરકાર સામે ૫૫૦૦ એકર જમીનની માંગ કરી છે. સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ ૩૧ કંપનીઓ ૬૧,૮૩૭ કરોડ રૂપિયાનું રોકાણ થશે જેની સામે રોજગારીની તકો પણ ઉદભવિત થશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
જાન્યુઆરી માસથી ૩૧ વિદેશી કંપનીઓ કે જે ૧૩ દેશોમાંથી આવી રહી છે તેઓ ગુજરાત રાજયમાં ઉધોગો સ્થાપિત કરશે તેવી વાત પણ સામે આવી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ ચીન ઉપર જે અવિશ્ર્વાસની લાગણી સ્થાપિત થઈ છે તે ખાલી પડેલી જગ્યાને પુરવા ભારત માટે ઉજજળી તક પણ સાંપડી છે. હાલ આ તકને દેશ કેવી રીતે હસ્તગત કરશે તે પણ જાણવું એટલું જ જરૂરી છે. ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રિન્સીપલ સેક્રેટરી અને ઉધોગ અને ખનીજ વિભાગનાં પણ પ્રિન્સીપલ સેક્રેટરી મનોજદાસે માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકડાઉનનાં સમયમાં પણ વિદેશી કંપનીઓને પોતાના ઉધોગો ગુજરાતમાં સ્થાપિત કરવા માટેની અનેકવિધ ભલામણો આવી હતી જેના પર સરકાર વિચાર પણ કરી રહી છે. ગુજરાત રાજયમાં વિદેશી રોકાણ આવતાની સાથે જ રાજયની અર્થવ્યવસ્થામાં પણ ઘણો સુધારો જોવા મળશે. તેમનાં જણાવ્યા મુજબ જાપાનની બે મોટી કંપનીઓએ પણ ગુજરાત રાજયમાં ઉધોગો સ્થાપિત કરવા માટે માંગ કરી હતી જે માંગને સરકાર દ્વારા સ્વીકારવામાં પણ આવી છે અને અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે, આવનારા બે વર્ષમાં ૬૧ હજાર કરોડ રૂપિયાનું રોકાણ પણ રાજયમાં કરવામાં આવશે જેથી ઉધોગોની સ્થિતિમાં પણ અનેકઅંશે સુધારો જોવા મળશે અને રાજયનું અર્થતંત્ર વેગવંતુ પણ બનશે. પ્રિન્સીપલ સેક્રેટરી મનોજદાસનાં જણાવ્યા મુજબ લોકડાઉન દરમિયાન ચીન ઉપર જે અવિશ્ર્વાસનું વાતાવરણ સર્જાયું છે તેનો સીધો જ ફાયદો ભારતને થશે તે દિશામાં હાલ ગુજરાત રાજય પણ આગળ વધી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ રાજયની ઔધોગિક નીતિમાં પણ અનેકગણો ફેરબદલ આવશે અને ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટનાં પ્રોજેકટ ઉપર ઈન્સેન્ટીવ પણ આપવામાં આવશે. આ તમામ પ્રકારનાં પ્રપોઝલ હાલ ગુજરાત રાજય દ્વારા જાપાન, તર્કી, ચાઈના, યુ.એસ., યુ.કે., તાઈવાન, ઓસ્ટ્રીયા, જર્મની, સાઉથ કોરીયા, થાઈલેન્ડ, બેલ્જીયમ, અલ્બેનીયા, દુબઈને મોકલવામાં આવ્યું છે. આ તમામ દેશોમાંની નામાંકિત કંપની જેવી કે જાપાનની ડૈસલ કોર્પોરેશન, સાઉથ કોરીયાની યન્ડાઈ સ્ટીલ, તાઈવાનની સિકો, ઓસ્ટ્રીયાની ડોકા, યુ.એસ.ની એસીએલ અમેરિકા અને ચાઈનાની મોટીક ઈલેકટ્રીક કંપની ગુજરાતમાં રોકાણ કરશે. આ તમામ પ્રકારનાં પ્રોજેકટો એન્જીનીયરીંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, સ્ટીલ, મેડિકલ ડિવાઈઝ, ઓટો, ઓટો કમ્પોનેટ, પ્લાસ્ટીક, પેપર અને ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓનાં પ્લાન સ્થપાશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.