રાજકોટ સહિતનાં શહેરોમાં તાપમાનનો ફાળો ૪૦ ડિગ્રીને પાર રહે તેવી સંભાવનાં
વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરતળે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કમોસમી વરસાદનાં કારણે છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી થોડીક રાહત મળી છે. દરમિયાન આવતીકાલથી ફરી પાંચ દિવસ યેલો એલર્ટની આગાહી આપવામાં આવી છે એટલે કે તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર રહેશે. હીટવેવની આગાહીનાં કારણે આવતીકાલે રાજયમાં લોકસભાની ચુંટણી માટે યોજાનારા મતદાન પર પણ અસર પડે તેવી સંભાવના જણાઈ રહી છે.
ગઈકાલથી રાજયભરમાં ગરમીનું જોર વઘ્યું છે. ગઈકાલે સુરેન્દ્રનગરનું મહતમ તાપમાન ૪૧.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. રાજકોટનું તાપમાન ૪૦.૯ ડિગ્રી રહેવા પામ્યું હતું. જયારે ભાવનગરનું તાપમાન ૩૮.૫ ડિગ્રી અને પોરબંદરનું તાપમાન ૩૫.૪ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું.
કાલથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં યેલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન રાજયનાં અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ થી ૪૧ ડિગ્રી સુધી પહોંચી શકે તેમ છે. અગાઉ તાપમાન રેડ એલર્ટ સુધી પહોંચી ગયું હતું. જોકે વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે કમોસમી વરસાદ પડતાં રાજયવાસીઓને કાળઝાળ ગરમીમાં રાહત મળી હતી.