૧૩ એપ્રીલ બાદ રાજયમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શકયતા: નોર્થ સાઉથથી આવતા પવનોમાં ભેજનું પ્રમાણ હોવાથી ગરમીમાં થોડી રાહત મળશે
ઉલ્લેખનીય છે કે, રાજયભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ગરમીનો પ્રકોપ યથાવત છે અને હજુ પણ રાહત મળે તેવા કોઈ સંકેત નથી. રાજકોટ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં લોકો ઉનાળાના પ્રારંભે જ ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. રાજયભરના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટમાં કલેકટર અને મ્યુનિ.કમિશનરે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધુ છે અને લોકોને ૧ થી ૫ દરમિયાન કામ સીવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. આ ઉપરાંત શરીરને ઠંડક આપે તેવા પ્રવાહી પીણુ પણ લેતા રહેવું જરૂરી છે. રાજયભરમાં કાળઝાળ ગરમી વચ્ચે ૧૩મી એપ્રીલથી કમોસમી વરસાદ પડે તેવી શકયતા જોવા મળી છે. આકરા ઉનાળા વચ્ચે હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી છે. બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળે તેવું લાગી રહ્યું છે. જો કે, નોર્થ સાઉથથી આવતા પવનમાં ભેજનું પ્રમાણ હોવાથી ગરમીથી થોડી રાહત પણ મળી રહેશે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી હતી. રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ જિલ્લામાં હિટવેવની આગાહી કરાઈ હતી ત્યારે આટલી ગરમી વચ્ચે એકાએક જયારે વાતાવરણમાં પલ્ટો થશે તેવા સમાચારથી ગરમી વચ્ચે પણ લોકોને આકરા ઉનાળાથી હાશકારો અનુભવાશે.
ઉલ્લેખનીય છે કે, રવિવારની સાંજે દિલ્હીમાં અચાનક જ વાવાઝોડુ અને વરસાદથી મોસમે પોતાનો મિજાજ બદલી લીધો હતો. દિલ્હીમાં એક બાજુ કાળઝાળ ગરમી અને સાંજે આશરે ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે ધૂળ ભરેલ તોફાન બાદ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. આગામી ૧૩ એપ્રીલ બાદ ગુજરાત રાજયમાં કમોસમી વરસાદ પડે તેવી શકયતા હવામાન વિભાગે દર્શાવી છે.