રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદે વિરામ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ 68 મી.મી. એટલે કે ૩ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ મળીને તમામ 11 જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોવાના અહેવાલો સાંપડ્યા છે. આગામી 24 તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં 20 મી.મી., બનાસકાંઠા જિલ્લના દાંતા તાલુકામાં 16 મી.મી., લાખણી તાલુકામાં 13 મી.મી., મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 20 મી.મી., સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં 27 મી.મી., પોશીના તાલુકામાં 23 મી.મી., વડાલી તાલુકામાં 15 અને વિજયનગર તાલુકામાં 17 મી.મી. વરસાદ વરસ્યો છે. એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં વરસ્યો છે.