આજે અને કાલે તાપમાન ઉંચુ રહેશે: લોકોને બપોરના સમયે કામ સીવાય ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ
રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ વિસ્તારમાં આજે અને આવતીકાલે સીવીયર હિટવેવની આગાહી આપવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે. સીવીયર હિટવેવમાં સનસ્ટ્રોકથી બચવા લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ દિવસથી સૂર્ય નારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યાં છે. સોમવારે સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગઈકાલે પણ સૂર્ય નારાયણ લાલચોળ રહ્યાં હતા અને તાપમાન ૪૪ ડિગ્રીને લગોલગ પહોંચ્યું હતું. કાલે સુરેન્દ્રનગર ૪૩.૯ ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. રાજકોટનું તાપમાન ગઈકાલે ૪૩.૩ ડિગ્રી, ભુજનું તાપમાન ૪૩.૧ ડિગ્રી, કંડલાનું તાપમાન ૪૩.૮ ડિગ્રી, જૂનાગઢનું તાપમાન ૪૧ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૩૯.૫ ડિગ્રી, દ્વારકાનું તાપમાન ૩૩ ડિગ્રી અને પોરબંદરનું તાપમાન ૩૪.૬ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.
નૈઋત્યનું ચોમાસુ છેલ્લા એક સપ્તાહથી અંદમાન નિકોબારમાં સ્થિર થઈ ગયું હોવાથી રાજયમાં ફરી ગરમીનું જોર વધ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન આજ અને આવતીકાલે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છમાં સીવીયર હિટવેવની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ દરમિયાન તાપમાનનો પારો ૪૩ થી ૪૫ ડિગ્રી વચ્ચે રહેશે. સીવીયર હિટવેવમાં લોકોને સનસ્ટ્રોકથી બચવા બપોરે ઘરની બહાર ન નીકળવા તથા વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ અને બાળકોને ખાસ તકેદારી રાખવા પણ સુચના આપવામાં આવી છે. શકય તેટલું વધુ માત્રામાં પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી છે.
છેલ્લા બે દિવસ દરમિયાન કાળઝાળ ગરમીના કારણે રાજકોટમાં બે વ્યક્તિઓના મોત નિપજયા છે. આગામી દિવસોમાં પણ ગરમીનું જોર વધે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શકયતા પણ હવામાન વિભાગે વ્યકત કરી છે.