વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ અતિભારે વરસાદ પણ વરસી શકે: સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ
પ્રથમ રાઉન્ડમાં અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ ઓચિંતો લાંબો વિરામ લઈ લેતા જગતાતમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. રાજયમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે. છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.
દરમિયાન આગામી બુધ-ગુરૂવારના રોજ દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ છુટો છવાયો વરસાદ આપે તેવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
મેઘરાજાની લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી રાજયમાં છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજયના ૧૫ તાલુકાઓમાં સામાન્ય વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું હતું. ચોમાસાની સિસ્ટમ ધીમે-ધીમે સક્રિય થઈ રહી હોય આગામી ૮ થી ૧૦ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જુલાઈ માસમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યા બાદ ઓચિંતો વિરામ લઈ લીધો છે.
ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે. કચ્છમાં માત્ર ૧૧ ટકા જ વરસાદ પડતા કચ્છની હાલત ખુબ જ દયનીય બની જવા પામી છે. જોકે હવામાન વિભાગ એવી સંભાવના વ્યકત કરી રહ્યું છે કે, ઓગસ્ટ માસના મધ્યમમાં અને સપ્ટેમ્બર માસમાં સારો એવો વરસાદ પડશે જેના કારણે વરસાદની જે ખોટ વર્તાય રહી છે તે પૂર્ણ થઈ જશે. રાજયમાં આજસુધીમાં કુલ ૫૪.૬૫ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. નોર્થ ગુજરાતમાં ૨૮.૩૭ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૪૦.૮૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૫૯.૬૧ ટકા જયારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૧.૮૭ ટકા જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે.
રાજયમાં ફરી ચોમાસાની સિસ્ટમ સક્રિય થતા ખેડુતોમાં આશાનો સંચાર થયો છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે અને અમુક સ્થળોએ ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે. ખેતરોમાં ઉભા પાકને હાલ વરસાદની ખુબ તાતી જરૂર હોય જગતાત મેઘરાજાને મહેર કરવા માટે રીતસર વીણવી રહ્યું છે.