રાજકોટ, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે: ૧૬ થી ૨૨ મે દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી અંતર્ગત વરસાદની સંભાવના
ગુજરાત પર સાયકલોનિક સકર્યુલેશનની અસર વરતાઈ રહી છે જેના કારણે આવતી કાલથી બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસી રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે બફારાનું જોર પણ વધતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જો કે, આવતીકાલથી પાંચ દિવસ સુધી ગરમીમાં પણ રાહત રહે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે.
છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો રહ્યો છે. કનેક્ટિવીટી કલાઉડના કારણે એકાદ-બે સ્થળોએ સામાન્ય વરસાદ પડે છે. રવિવારે ગોંડલ, જસદણ અને કોટડા સાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન ગઈકાલે જસદણ શહેરમાં સામાન્ય છાંટા પડતા રાજમાર્ગો ભીના થઈ ગયા હતા.
આ ઉપરાંત જસદણના ભાડલાના રાજાવડલા ગામે સાંજે કરા સાથે જોરદાર વરસાદ પડયો હતો. વાદળા છાંયા વાતાવરણના કારણે ગઈકાલે લોકોએ અસહ્ય ઉકળાટનો અહેસાસ કર્યો હતો. હાલ ગુજરાતમાં સાયકલોનિક સકર્યુલેશનની અસર જોવા મળી છે જેના કારણે બુધવારે અને ગુરુવારના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, કચ્છના અલગ અલગ વિસ્તારો અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.
આગામી ૧૬ થી ૨૨ મે એટલે કે, એક સપ્તાહ દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાતમાં ૧૫મી જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસુ બેસતુ હોય છે અને મે માસના અંતિમ સપ્તાહમાં પ્રિ-મોન્સુન એક્ટિવીટી અંતર્ગત અલગ અલગ સ્થળોએ વરસાદ વરસતો હોય છે.પરંતુ આ વર્ષે મે ના આરંભથી લોકલ કનેક્ટિવીટી કલાઉડના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
એક પખવાડિયામાં બે વખત સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકશાનીનો સામનો કરવો પડયો છે. ખેતરમાં ઉભા પાક ભારે પવનના કારણે આડા પડી ગયા છે ત્યારે તાલાલા પંથકમાં કેરીના પાકને પણ ભારે નુકશાન થવા પામ્યું છે. કાલથી ફરી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે.
દરમિયાન ગઈકાલે રાજકોટ ૪૨.૩ ડિગ્રી સેલ્સીયસ તાપમાન સાથે રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. આજે સવારથી અસહ્ય ઉકળાટનો અહેસાસ લોકો કરી રહ્યાં છે. કાલથી પાંચ દિવસ સુધી ગરમીનો પારો સામાન્ય રહે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળે તેવી સંભાવના પણ વ્યકત કરાઈ છે.