ફોર્ડ મોટર કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ભારતમાં નવું સંયુક્ત સાહસ રચવા જઈ રહી છે. તેના પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે ફોર્ડ ભારતમાં પોતાના દમ પર હવે બિઝનેસ નહીં કરે. ફોર્ડ માટે આ આંશિક એક્ઝિટ છે. નવા ડીલ અંતર્ગત ફોર્ડ મોટર્સ ભારતમાં નવું યુનિટ સ્થાપશે, જેમાં તેનો 49 ટકા હિસ્સો હશે અને મહિન્દ્રાનો 51 ટકા હિસ્સો રહેશે. ફોર્ડ તેનો હાલનો મોટાભાગનો બિઝનેસ આ નવી એન્ટિટીને ટ્રાન્સફર કરી દેશે. તેની એસેટ્સ પણ આપી દેશે અને કર્મચારીઓ પણ હવે નવી એન્ટિટી માટે કામ કરશે. નવું ડીલ આગામી 90 દિવસમાં આકાર પામશે. જોકે ડીલની વેલ્યૂ અંગે ફોર્ડ દ્વારા કોઈ ચોખ પાડવામાં આવ્યો ન હતો.

મહિન્દ્રાએ પણ કોઈ ચોખ ન હતો અને કહ્યું હતું કે 2017માં ફોર્ડ સાથે પાર્ટનરશિપ બાદ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. નવા કરારમાં પ્રગતિ થશે ત્યારે જાહેરાત કરીશું. ફોર્ડ હાલમાં ભારતમાં તેની સંપૂર્ણ સબસિડરી મારફતે કારનું વેચાણ કરે છે. 2017માં તેણે મહિન્દ્રા સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું હતું. બન્ને મળીને નવી કાર બનાવશે. સ્પોર્ટ-યુટિલિટી વ્હીકલ અને ઈલેક્ટ્રિક કાર સહિતની કાર સંયુક્ત રીતે બનાવવાનું તેમનું આયોજન છે.

ફોર્ડ ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં તેનો બિઝનેસ રિસ્ટ્રક્ચર કરી રહી છે અને આગામી કેટલાક વર્ષોમાં તે 11 અબજ ડોલરની બચત કરવા માગે છે. ગયા મહિને રશિયામાં તેના સંયુક્ત સાહસે જાહેર કરી હતી કે તે રશિયામાં બે એસેમ્બલી પ્લાન્ટ અને એક એન્જિન ફેક્ટરી બંધ કરી દેશે. આ રીતે રશિયામાં પણ તે પેસેન્જર વ્હીકલ માર્કેટમાંથી એક્ઝિટ કરશે. આમ, વધુ એક વિદેશી કાર કંપની ભારતમાં તેનો બિઝનેસ સમેટી લેશે. 2017માં જનરલ મોટર્સ કંપનીએ ભારતમાં તેનું ઓપરેશન સમેટી લીધું હતું અને કારનું વેચાણ બંધ કરી દીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.