પત્નીને પોતાના ગુલામીપણામાં રાખવાની માનસિકતાથી
લગ્ન પછીના પ્રશ્ર્નો સતત વધતા રહેશે
અબતક, નવી દિલ્હી
શું લગ્ન સબંધમાં બળજબરીએ પુરુષનો અધિકાર છે ? આનો જવાબ તો ના જ છે. પણ પ્રવર્તમાન સ્થિતિમાં પત્નીને ગુલામીપણામાં રાખવામાં મોટાભાગના પુરુષો માને છે. જેથી લગ્ન સંબંધમાં બળજબરી પણ તેનો અધિકાર છે તેવું માનીને તે શારીરિક સંબંધ બાંધવા સહિતના અનેક કામોમાં બળજબરીનો ઉપયોગ કરે છે. ખરેખર પ્રતિકાર થાય તો જ બળજબરી થઈ હોય તેવું ન માની શકાય.મોટાભાગના કિસ્સાઓમાં પ્રતિકાર થતો નથી. પણ ઈચ્છા વિરુદ્ધ અધિકાર જમાવવાનો પ્રયાસ થાય તેને સ્ત્રી મૂંગા મોઢે સહન કરતી હોય છે. આ પણ બળજબરી જ છે. પણ તે જાહેર થતી નથી.
હજુ પણ દેશના મોટાભાગના લોકો એ માનસિકતામાં જ જીવે છે કે કોઈ મહિલા લગ્ન કરીને તેના સાસરે આવે એટલે જેમ તેનો પતિ કહે તેમ જ તેને કરવાનું હોય છે. સામાન્ય રીતે એક પરિણીત મહિલાના જીવનમાં મોટાભાગનું કામ જે તે કરે છે તે બળજબરીથી જ થતું હોય છે. પોતાનું ધાર્યું કામ ખુબ ઓછા પ્રમાણમાં થતું હોય છે. પણ આ બળજબરી સામે પ્રતિકાર ખૂબ નહિવત પ્રમાણમાં થતો હોય છે. જે કિસ્સાઓમાં પ્રતિકાર થાય છે. તેમાંથી ખૂબ ઓછા કિસ્સાઓ કોર્ટમાં પહોંચતા હોય છે. માટે હાલ સબ સલામતના દાવા વચ્ચે ચાર દીવાલોની અંદર સ્ત્રીઓ બળજબરીનો દરેક ક્ષણે શિકાર થતી રહે છે.
વર્તમાન સ્થિતિમાં હજુ રૂઢીચુસ્ત માનસિકતા યથાવત રહી છે. જેના કારણે પતિ તેની પત્ની ઉપર પોતાનો અધિકાર માનીને વર્તણુક કરે છે. પણ કોર્ટનું પણ કહેવું છે કે ભલે પત્ની હોય, પણ બળજબરીથી શારીરિક સંબંધ પણ બાંધી શકાતો નથી.
પ્રતિકાર થાય તો જ બળજબરી થઈ હોય તેવું ન માની શકાય, મોટાભાગના કિસ્સાઓમાં પ્રતિકાર કર્યાવગર સ્ત્રી મૂંગા મોઢે ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ કરતી હોય તો તેને પણ બળજબરી જ કહી શકાય
આવનાર સમય ખૂબ ખરાબ હશે, મોટાભાગની
મહિલાઓ લગ્નથી દૂર રહે તેવી સંભાવના!
પ્રવર્તમાન સ્થિતિ જોતા સ્પષ્ટપણે કહી શકાય કે દેશમાં આવનારો સમય ખૂબ ખરાબ હશે. મોટાભાગની મહિલાઓ લગ્નથી દૂર રહે તેવી સંભાવના છે. કારણકે અત્યારે છુટાછેડાના કેસો વધી રહ્યા છે. ઉપરાંત લગ્ન બાદ અન્ય પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે. જેની મહિલાના માનસ ઉપર ખૂબ અસર જોવા મળી રહી છે. એટલે આગામી દિવસોમાં હવે મોટા પ્રમાણમાં મહિલાઓ એકલી રહેવાની પસંદ કરે તો નવાઈ નહિ.
પત્ની પ્રત્યેનો અનૈતિક વ્યવહાર અને ઇચ્છા વિરૂધ્ધ
શારીરિક સંબંધો માટે ભાર મુકવો પણ મેરીટલ રેપ
કેરળ હાઇકોર્ટે મેરીટલ રેપ બાબતે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, મેરીટલ રેપના કેસમાં સજા કરવાની ભલે કોઇ કાયદાકીય જોગવાઇ નથી પણ તેના આધાર પર છૂટાછેડાનો દાવો કરી શકાય છે.એક વ્યકિત દ્વારા કરાયેલ અરજીની સુનાવણી કરતા કેરળ હાઇકોર્ટના ન્યાયાધીશ એ મોહમ્મદ મુસ્તાક અને કૌસર
એડપ્પાગથની ખંડપીઠે કહ્યું કે પત્ની પ્રત્યેનો અનૈતિક વ્યવહાર અને તેની ઇચ્છા વિરૂધ્ધ શારીરિક સંબંધો માટે ભાર મુકવો પણ મેરીટલ રેપ જ છે. ભલે મેરીટલ રેપ માટે કાયદાકીય રીતે કોઇ સજાની જોગવાઇ ન હોય પણ તેના આધાર પર છૂટાછેડાનો દાવો કરી શકાય છે.
પતિ અને પત્ની વચ્ચેના શારીરિક સંબંધ ઉપર શું કહે છે સર્વે
* 75 ટકા પુરુષો પોતાની જાતે એવું માની લ્યે છે કે તેની પત્ની શારીરિક સંબંધ માટે તૈયાર જ છે.
* 50 ટકા પુરુષો ગર્ભનિરોધકના વપરાશ અંગે કઈ પૂછતાં નથી
* દર 5માથી 2 બે પુરુષો સ્ત્રીને સાંભળતા કે તેની સ્થિતિ જોતા નથી
* 60 ટકા પુરુષો પોતાની પત્ની ઉપર વર્ચસ્વ જમાવવા હિંસાનો ઉપયોગ કરે છે
* 54 ટકા સ્ત્રીઓએ સ્વીકાર્યું છે કે તે ત્રાસનો શિકાર બની છે
* 38 ટકા મહિલા શારીરિક ત્રાસથી પીડાય છે
* 35 ટકા મહિલા માનસિક ત્રાસથી પીડાય છે