શહેર ભાજપ દ્વારા પ્રદેશ હાઇકમાન્ડ સમક્ષ મોકલેલા નામો સિવાયના નામો પણ ધ્યાનમાં લેવાઇ તેવી સંભાવના: ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થતાની સાથે જ દાવેદારોએ છેડા શોધવાનું શરૂ કર્યું
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી માટેનું જાહેરનામું ગઇકાલે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા પ્રસિદ્વ કરતાની સાથે જ સમિતિના સભ્ય બનવા માટે જબ્બરો લોબીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. દાવેદારો રાજકીય આકાઓને શરણે પહોંચી ગયા છે. આજે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક છે. જેમાં ભાગ લેવા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સહિતના આગેવાનો અમદાવાદ હોય પ્રદેશ પ્રમુખ સાથે આ અંગે ચર્ચા થવાની પણ સંભાવના જણાઇ રહી છે.
કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇઝ ચેરમેન સહિત તમામ સભ્યોને સામૂહિક રાજીનામા લઇ લેવામાં આવ્યા છે. તમામને સાગમટે ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આ ઘટનાની રાજ્યભરમાં ભારે નોંધ લેવામાં આવી છે. રાજકોટની આબરૂંનું રિતસર ધોવાણ થઇ ગયું છે. શિક્ષણ સમિતિના બાર સભ્યોની વરણી કરવા માટે ગઇકાલે મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. ફોર્મ વિતરણ શરૂ કરી દેવાયું છે. દરમિયાન 1લી જૂનના રોજ ફોર્મ સ્વિકારવામાં આવશે. 9 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 19મી જૂનના રોજ જો જરૂરિયાત જણાશે તો મતદાન પ્રક્રિયા યોજવામાં આવશે. હાલ કોંગ્રેસ પાસે માત્ર બે જ કોર્પોરેટરોનું સભ્ય સંખ્યા હોવાના કારણે કોંગ્રેસનો એકપણ સભ્ય શિક્ષણ સમિતિ હશે નહિં. તમામ બાર સભ્યો ભાજપના જ ચૂંટાશે તે નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. આવામાં પ્રદેશ ભાજપ હાઇકમાન્ડ દ્વારા જે નામો ફાઇનલ કરવામાં આવશે. તે તમામ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ચૂંટાઇ આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિના સભ્યોના નામ માટે 42 કાર્યકરોની યાદી શહેર ભાજપ દ્વારા પ્રદેશમાં મોકલવામાં આવી છે. ચેરમેન તરીકે હાલ વિક્રમ પુજારા, માધવ દવે, કિશોર રાઠોડ, જીતુભાઇ કોઠારી અને પરેશ ઠાકર સહિતના નામોની ચર્ચા ચાલી રહી છે. જે 42 નામો શહેર ભાજપ દ્વારા મોકલવામાં આવ્યા છે. તે સિવાયના નામો અંગે પણ પ્રદેશ ચર્ચા-વિચારણાં કરી શકે છે અને જે નામ સ્થાનિક લેવલેથી મોકલવામાં આવ્યા નથી. તેનો પણ સમિતિના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થતાંની સાથે જ દાવેદારો દ્વારા જબ્બરૂં લોબીંગ કરી દેવામાં આવ્યું છે.
સંભવિતો પોતાના રાજકીય આકાઓના શરણે પહોંચી ગયા છે. જો કે, વર્ષ-2021માં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરાયા બાદ સરકાર કે સંગઠનમાં રાજકોટની ઉપજ રહી નથી. આવામાં દાવેદારોને એવી પણ ચિંતા સતાવી રહી છે કે પ્રદેશમાં તેઓના રાજકીય આકા પણ તેમના નામની ભલામણ કરવા માટે સંપૂર્ણપણે અસમર્થ છે. ગત વખતે પણ એવું જ થયું હતું કે ચેરમેન તરીકે જેના નામની ચર્ચા થતી હતી. તે દાવેદારોનો સભ્ય તરીકે પણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ વખતે પણ આવું જ કંઇક થવાની દહેશત અંદરખાને દાવેદારોને સતાવી રહી છે.
શહેર ભાજપના સૂત્રો એવું જણાવી રહ્યા છે કે અમે નામો પ્રદેશમાં મોકલી દીધા છે હવે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા 31મી મે અથવા ફોર્મ ભરવાના દિવસે નામનું લીસ્ટ મોકલશે. અત્યારે કહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. દાવેદારો પણ મુંજાઇ રહ્યા છે કે તેઓનો સમાવેશ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે થશે કે પછી વધુ એક વખત સંગઠનને મજબૂત કરવા માટે માત્ર કાળી મજૂરી જ કરવાની રહેશે.