ગુજરાત વિધાનસભામાં સ્ટેમ્પ ડ્યૂટી રકમમાં વધારો સૂચવતું વિધેયક પસાર કરાયું છે. આ પ્રમાણે હવેથી એફિડેવિટ માટે રૂ.20ના સ્ટેમ્પના બદલે રૂ.50ના સ્ટેમ્પ વાપરવા પડશે. આવી જ રીતે રૂ.50ના બદલે 100ના સ્ટેમ્પ પેપર અને રૂ. 200 ના બદલે 300ના સ્ટેમ્પ વાપરવાના રહેશે. ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં 20 રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારીને 50 રૂપિયા કરવાની જાહેરાત કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના સોગંદનામા અને નોટરીમાં મહત્વપૂર્ણ એવા 20 રૂપિયાનો સ્ટેમ્પ હવે 50 રૂપિયામાં મળશે.
ગુજરાત વિધાનસભામાં પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલે બજેટ બહાર પાડ્યું હતું .જેમાં સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો કરવાનો નિર્ણય કરાયો હતો. આ સ્ટેમ્પ મોટાભાગે નોટરી અને સોગંદનામું કરવા માટે વપરાય છે. 20 રૂપિયાના સ્ટેમ્પના ભાવ વધારા અંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે 19 વર્ષ બાદ આ સ્ટેમ્પ નો ભાવ વધારવામાં આવ્યો છે. છેલ્લે 2000ની સાલમાં 20 રૂપિયાનો સ્ટેમ્પ કરવામાં આવ્યો હતો પરંતુ હાલના સમયમાં સ્ટેમ્પના પ્રિન્ટિંગથી માંડીને ડિસ્ટ્રિબ્યુશનનો ખર્ચો વધી ગયો હોવાથી 20 રૂપિયાના સ્ટેમ્પ હવે પચાસ રૂપિયાનો કરવામાં આવે છે.