કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામીની ઉમેદવારી
મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજરોજ કોંગ્રેસના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ સદસ્ય મુકેશભાઈ ગામીએ દાવેદારી નોંધાવી હતી.
મોરબી જિલ્લા પંચાયતની વર્ષ ૨૦૧૫માં યોજાયેલ ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે કોંગ્રેસને બહુમતી મળી હતી અને જિલ્લા પંચાયતની ૨૪માથી ૨૨ સીટો કબજે કરીને કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યું હતું. પ્રમુખ પદ સ્ત્રી અનામત હોવાના કારણે જેતપુર સીટના સોનલબેન જકાસણીયા જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા ત્યારે આ પ્રમુખપદની ૨૧ જૂને અઢી વર્ષની ટર્મ પુરી થતી હોવાથી આગામી તા.૨૦ના રોજ ૧૧ કલાકે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી યોજાનાર છે.
ચૂંટણીને લઈને કોંગ્રેસના સદસ્યોની સેન્સ લેવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રભારી જગદીશભાઈ ઠાકરે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી કોંગ્રેસના પાંચ તાલુકાના પ્રમુખ, ચૂંટાયેલા સદસ્યો તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા. જીલ્લા પંચાયતના હાલના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચિખલીયાએ ૧૬ સભ્યો સાથે અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તથા જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઈ ગામીએ બીજા ચાર સભ્યો સાથે પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે.
જોકે ચર્ચાતી વિગતો મુજબ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની રેસમાં ચારથી પાંચ સભ્યો છે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પ્રમુખપદની ચૂંટણીમાં જ્ઞાતિના સમીકરણો સૌથી વધુ અસરકારક રહેશે ત્યારે પ્રમુખની ચૂંટણીમાં સર્વસંમતિ સધાશે કે આંતરિક બળવો થશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.