Abtak Media Google News
  • “દીકરાનું ઘર” વૃધ્ધાશ્રમ દ્વારા
  • સંજય ધમસાણીયા પરિવાર મુખ્ય યજમાન પદે: વહાલુડીના વિવાહનું ફોર્મ 29 ઓગસ્ટ સુધી મળશે
  • અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવા દાતાઓને આગળ આવવા અપીલ
  • “વહાલુડીના વિવાહ-7” સંદર્ભે કોઇ માહિતી માટે તથા દીકરીઓને કરીયાવર રૂપી ભેટ આપવા ઇચ્છતા દાતાઓ સંસ્થાના મુકેશ દોશી-98250 77725, સુનીલ વોરા-98252 17320, નલીન તન્ના – 98257 65055, અનુપમ દોશી-94282 33796 ઉપર સંપર્ક કરી શકે છે. 

સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરોની છેલ્લા 26 વર્ષથી સેવા કરી રહેલું “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃતિથી સમગ્ર દેશ અને દેશની બહાર પ્રચલિત છે. હંમેશા નોખું-અનોખું કરવું અને સમાજને કાંઈક નવું જ આપવું એ દીકરાનું ઘરની ટીમનો મીજાજ રહ્યો છે. સમાજ ઉપયોગી પ્રવૃતિ એ દીકરાનું ઘરની ઓળખ બની ગઈ છે. સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક, શૈક્ષણિક અને માનવતાવાદી પ્રવૃતિથી ધમધમતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ હંમેશા નોખું-અનોખું કાર્ય કરવા તૈયાર હોય છે. કુદરતી કે માનવસર્જિત આફતના સમયે “દીકરાનું ઘર” હંમેશા અગ્રેસર રહ્યું છે. સમગ્ર વિશ્ર્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે “દીકરાનું ઘર” દ્વારા સતત સેવા પ્રવૃતિ થઈ હતી. “દીકરાનું ઘર” દ્વારા 2018 થી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિ:સહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે. વહાલુડીના વિવાહ એ માત્ર દીકરાનું ઘરનો પ્રસંગ ન બની 2હેતા સમગ્ર સમાજનો પ્રસંગ હોય એ રીતે દિવ્ય અને ભવ્ય બની રહે છે. છેલ્લા છ વર્ષથી વહાલુડીના વિવાહ અત્યંત જાજરમાન રીતે એક શ્રીમંત પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ ચાલ પણ સતત સાતમા વર્ષે આ અદકેરૂં આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વહાલુડીના વિવાહ-7 ના મુખ્ય યજમાન પદે એસ કોમ્પયુટરના સંચાલક સંજયભાઇ ધમસાણીયા- માધવીબેન ધમસાણીયા પરિવાર જોડાયેલ છે.

આગામી ડિસેમ્બરની 29 તારીખે સતત સાતમા વર્ષે વહાલુડીના વિવાહ-7 “દીકરાનું ઘર” દ્વારા અત્યંત ભવ્યાતીભવ્ય છતાં ગરીમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલ ફરી એક વખત 22 દીકરીઓને જરૂરીયાત મુજબનો સમૃદ્ધ કરીયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય એવા આશિર્વાદ સાથે વિદાય અપાશે. સતત સાતમા વર્ષે દીકરાનું ધરની ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદભાગ્ય મળ્યું છે. જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓનો અનેરો સહયોગ મળતો રહે છે.

આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું છે કે “દીકરાનું ઘર” દ્વારા ફરી એક વખત સતત સાતમાં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનો અવસર ઉભો કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતીપ્રાપ્ત બન્યા છે. સંજયભાઈ ધમસાણીયા પરિવારે આ સેવા યજ્ઞનું બીડું ઝડપ્યું છે. ચાલુ સાલ “વહાલુડીના વિવાહ-7” અત્યંત ભવ્યાતીભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીના તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્ધ કરીયાવર પણ આપવામાં આવશે. ગુજરાતના કોઈપણ ખૂણે આવા શહીદ થયેલ જવાનની દીકરી ધ્યાને હોય તો અમારા સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવે છે.

  • ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે અનુપમભાઇ દોશી, સુનીલભાઇ વોરા, નલીન તન્ના, ગીતાબેન વોરા ઉપસ્થિત રહ્યા હતા.
  • વહાલુડીના વિવાહ-7માં દિકરીઓને 250થી વધુ વસ્તુ ભેટ આપશે

દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરીયાવર ભેટ રૂપે 250 થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. એક ઘરની જરૂરીયાત મુજબનો તમામ કરીયાવરનો તેમા સમાવેશ થાય છે. જેમાં કબાટ, પલંગ, ટીપાઈ, ગાદલું, ઓશીકું, મીક્ષચર, ફ્રીઝ, એર કુલર, પંખા, સોના-ચાંદીની નાની મોટી વસ્તુઓ, ઈમીટેશન સેટ, સંપૂર્ણ વાસણનો સેટ, 25 જોડી કપડા સહિત લગભગ 250 થી વધુ વસ્તુઓ પ્રત્યેક દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. દીકરાનું ઘર દ્વારા જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ પ્રસંગ ઉજવવામાં આવે છે. “દીકરાનું ઘર” ના કુલ 171થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે. દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં 138 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. ચાલુ સાલ વધુ 22 દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે.

ફોર્મ વિતરણ

વહાલુડીના વિવાહ-7નું ફોર્મ વિતરણ તા.22/7/2024 થી તા.29/07/2024 સુધી સાંજના 4 થી 7 સુધી 305, ગુરૂરક્ષા કોમ્પ્લેક્સ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં વિરાણો ચોક, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઇ આવવું ફરજિયાત રહેશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.