ડોલર સામે રૂપિયો ૦.૧૮ પૈસા સુધર્યો: મીડ અને સ્મોલ કેપમાં લેવાલી
શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ તેજીનું તોફાન જોવા મળ્યું હતું. ગઈકાલે ૧ હજાર પોઈન્ટનો ઉછાળો જોવાયા બાદ આજે પણ સેન્સેકસમાં ૫૦૦ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. આજે બેન્કિંગ, ટેકનોલોજી, ઓઈલ-ગેસમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. બીજી તરફ આજે ઓટો સેકટરમાં ૧ ટકાનું ગાબડુ જોવા મળ્યું હતું. કોરોના મહામારી વચ્ચે ભારતમાં વધતા કેસની સાથો સાથ રિકવરીનું પ્રમાણ પણ ૫૦ ટકા જેટલું થઈ જતા બજારમાં આશાવાદ જોવા મળ્યો છે. ઉપરાંત લોકઓપન થતાં વ્યાપાર-ધંધા ધીમી ગતિએ ધમધમવા લાગ્યા છે. આજે શેરબજારે ૩૩૮૦૦ની સપાટી કુદાવી હતી. આજે ૩૩૩૦૧નો લો નોંધાયો હતો.
જ્યારે ૩૩૮૬૬નો હાઈ નોંધાયો હતો. બજાજ ફાયનાન્સ, કોટક મહિન્દ્રા, ઈન્ડુસીન્ડ બેંક, પાવર ગ્રીન, એચડીએફસી, સનફાર્મા અને આઈસીઆઈસી બેંકમાં ૨ થી ૭.૫ ટકા સુધીનો ઉછાળો આજે બજારમાં જોવા મળ્યો હતો. ઉઘડતી બજારે જ લેવાલીનું જોર વધ્યું હતું. ઉપરાંત નિફટી-ફીફટીમાં પણ ૧૭૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે નિફટી-ફીફટીનો લો ૯૮૨૪ હતો. જ્યારે હાઈ ૯૯૮૫નો જોવા મળ્યો હતો. નિફટી ફીફટીના ટાટા મોટર્સ, ઝી એન્ટરટેઈન્મેન્ટ, ગેઈલ, વેદાંતા અને ગ્રાસીમ સહિતના શેરમાં ૨.૫ ટકાથી ૭.૮૨ ટકા સુધીનો ઉછાળો આજે નોંધાયો હતો. મીડકેપ સેકટરમાં પણ ૧.૩૦ ટકા તેજી જોવા મળી હતી. બેન્ક નિફટીમાં પણ ૨.૫૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
આજે બીજી તરફ ડોલર સામે રૂપિયો મજબૂત થતો જોવા મળ્યો હતો. આજે ડોલર સામે રૂપિયો ૦.૧૮ પૈસા મજબૂત થયો હતો. આ લખાય છે ત્યારે ડોલરની સરખામણીમાં રૂા.૭૫.૩૫ છે.