રાજકોટ-જૂનાગઢ સહિતના વિવિધ જવેલર્સ ઉપર હજુ 4 થી 5 દિવસ સર્ચ ચાલે તેવી ધારણા
પ્રથમ દિવસની પૂછપરછ બાદ આજે આઇટી એક્સન મોડમાં આવશે : બેન્ક લોકરો સિલ કરાયા
સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની રાજકોટના હાર્દ સમાં સોની બજારમાં આવકવેરા વિભાગના દરોડાને પગલે સોની વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. રાજકોટમાં આવકવેરા વિભાગે ખ્યાતનામ બે જ્વેલર્સ જૂથ ઉપર દરોડા પાડ્યાં છે. અને તેને સંલગ્ન બિલ્ડર ગ્રૂપ ઉપર પણ ધોસ બોલાવવામાં આવી છે. ત્યારે સતત બીજા દિવસે આવકવેરા વિભાગનું સ્થળ ઓપરેશન યથાવત ચાલુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રથમ દિવસના અંતે જ્વેલર્સ માલિકોની માત્ર પૂછપરછ કરવામાં આવી હતી. અને આજથી તેમના બેંકોના લોકરો સિલ કરવાની કામગીરી હાથ ધરાશે.
આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમોએ બંને જૂથના સંચાલકોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. આવકવેરા વિભાગના દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટમાં સોની બજાર સ્થિત બે જૂથ ઉપર સવારે આવકવેરા વિભાગના અધિકારીઓ ત્રાટક્યાં હતા. લાંબા સમય બાદ આવકવેરા વિભાગની કાર્યવાહીથી સોની વેપારીઓમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આઈટીની લગભગ 20 જેટલી ટીમોએ પેલેસ રોડ-સોની બજાર, અમીન માર્ગ, અક્ષર માર્ગ ઉપર આવેલા જ્વેલર્સ જૂથના શોરૂમ, તથા જૂથના સંચાલકોના ત્યાં તપાસની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈન્કમટેક્સ વિભાગના દરોડા દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. હજુ આઈટીના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
આવકવેરા વિભાગના અધિકારીઓ ગઈકાલ રાતથી જ રાજકોટમાં આવી રહ્યાં હતા. દરમિયાન આજે સવારે આઈટીની 15થી વધારે ટીમોએ સોના-ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલી બંને પેઢીઓ ઉપર સર્ચ-સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આવકવેરા વિભાગ દ્વારા રાજકોટ તથા સૌરાષ્ટ્રના બિલ્ડરોના ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા. હવે જ્વેલર્સ જૂથ ઉપર સર્ચ-સર્વેની કામગીરી કરવામાં આવી છે.રાજકોટ સોની બજારમાં લગભગ 5 વર્ષ પછી આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે.
આવકવેરા વિભાગના દરોડા પડતા જ સોની બજારમાં સોપો પડી ગયો છે તો કેટલીક દુકાનો ખુલી જ નથી. કલકતાનું કનેક્શન ખૂલતા આઇટીની તવાઈ આવી હોવાની આશંકા છે. અમદાવાદ રાજકોટ નો આઇટીનાં અધિકારી સહીત સ્ટાફની ટિમો મોડી રાત સુધી તપાસમાં લાગ્યા હતા.