લોકસભા ચૂંટણી પૂર્વ ઈવીએમ, વીવીપેટ વેરહાઉસ નિર્માણ કાર્ય કરી લેવા ધમધમાટ: ૮મીએ ટેન્ડર ખુલશે
દેશની ચૂંટણીપંચની ગાઈડ લાઈન મુજબ દરેક જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ માટે સ્ટ્રોંગરૂમ બનાવવા હાથ ધરાયેલી કાર્યવાહી અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટરે ઘંટેશ્વર નજીક જમીન ફાળવ્યા બાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રૂ.૪.૨૫ કરોડના ખર્ચે આગામી લોકસભા ચૂંટણી પૂર્વે અભેદ કિલ્લા સમાન વેરહાઉસ બનાવવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને આગામી તા.૮મીના રોજ ટેન્ડર ખુલશે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટ મશીનની સુરક્ષા માટે ઘંટેશ્વર સર્વે નં.૧૫૦ પૈકી ૩ની ૧૦ હજાર ચો.મી. જમીન પર રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગ મારફતે રૂ.૪.૨૫ કરોડના ખર્ચે વિશાળ સ્ટ્રોંગરૂમ બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અભેદ કિલ્લા સમાન આ સ્ટ્રોગરૂમને આગામી ૧૦ વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નિર્માણ કરવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રો જણાવી રહ્યાં છે.
વધુમાં ચૂંટણીપંચની ગાઈડ લાઈન મુજબ ૧૦ હજાર ચો.મી. જમીન પર નિર્માણાધીન ઈવીએમ અને વીવીપેટ મશીન સ્ટ્રોંગરૂમ માટે ૨૧૦૦ ચોરસ ફૂટ બાંધકામ સાથે ૩ માળનું બીલ્ડીંગ બનાવવામાં આવશે જેમાં ૨૦ વ્હીલ વાળો ટ્રક આરામી મુવમેન્ટ કરી શકે તેવી ડિઝાઈન પણ નક્કી કરી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં આ અગાઉ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ઈવીએમ અને વીવીપેટ મશીન માટે ઘંટેશ્વર સર્વે નં.૧૫૦ પૈકી ૩ની જમીન ફાળવણી કરી દેવાતા રાજય ચૂંટણીપંચના માર્ગદર્શન મુજબ રાજકોટ શહેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને અંદાજીત રૂ.૪.૨૫ કરોડના ખર્ચે નિર્માણ નારા આ અભેદ કિલ્લા સમાન સ્ટ્રોગરૂમ માટે હાલ રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રને રૂ.૧ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અભેદ કિલ્લામાં ૩૬૫ દિવસ હીયારધારી એસઆરપીની સુરક્ષા ગોઠવવામાં આવનાર હોવાથી સુરક્ષા સ્ટાફ તેમજ કચેરી માટે પણ અહીં અલાયદુ બિલ્ડીંગ બનાવવામાં આવશે અને આ ૨૧૦૦ ચોરસ ફૂટના કિલ્લેબંધી સમાન બાંધકામની અંદર ચકલુ પણ ન ફરકી શકે તે સીસ્ટમી સંપૂર્ણપણે કેન્દ્રીય ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ જ આરસીસી અને લોખંડનું સ્ટ્રકચર બનાવવામાં આવનાર હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.