રૈયાધાર અને કે.એસ.ડીઝલ પાસે ઉભા કરાશે પ્રોસેસીંગ પ્લાન્ટ: પ્રતિ મેટ્રીક ટન કચરા માટે કોર્પોરેશનને ચુકવાશે રૂ.૧૫૦૦ની રોયલ્ટી
રાજકોટ શહેરમાં ઉત્પન્ન થતા સુકા કચરાના પ્રોસેસીંગ કરવા માટે રૈયાધાર અને કે.એસ.ડિઝલ પાસે કોર્પોરેશન દ્વારા બે પ્લાન્ટ બનાવવામાં આવશે. જેમાં પ્રતિ દિન ૩૦ મેટ્રીક ટન કચરાનું પ્રોસેસીંગ કરવામાં આવશે. જેના થકી કોર્પોરેશનને રોયલ્ટીની આવક થશે.
રાજકોટ શહેરની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવી છે ત્યારે શહેરને સ્વચ્છ રાખવા માટે મહાપાલિકા દ્વારા અલગ-અલગ પગલા લેવામાં આવી રહ્યા છે. રૈયાધાર અને કે.એસ.ડિઝલ ખાતેના ગાર્બેજ સ્ટેશન ખાતે સુકા કચરાને પ્રોસેસીંગ કરવા માટે બે પ્લાન્ટ ઉભા કરવા માટે અર્થ એન્વાયરો વેસ્ટો કેરને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. સુકા કચરાના પ્રોસેસીંગ માટે આ કંપની દ્વારા મહાપાલિકાને પ્રતિ મેટ્રીક ટન કચરા દિઠ રૂ.૧૫૦૦ રોયલ્ટી ચુકવવામાં આવશે. બદલામાં કોર્પોરેશન પ્લાન્ટ ઉભા કરવા માટે રૂ ૧ના ટોકન દરે ૧૫૦૦ ચો.મી. જમીન કંપનીને આપશે.
કોર્પોરેશન ખાતે આગામી ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. જેમાં ડ્રાય વેસ્ટના પ્રોસેસીંગ માટે બે પ્લાન્ટ ઉભા કરવા ઉપરાંત શહેરના અલગ-અલગ ૧૦ રોડ પર લાઈટીંગ પોલ પર કિયોસ્ક દ્વારા જાહેરાત પ્રસિઘ્ધ કરવાના હકક આપવા, ફલાવર શો દરમિયાન વિન્ટેઝ કારના ડેમોસ્ટ્રેશન માટે થયેલો રૂ.૧.૨૦ લાખનો ખર્ચ મંજુર કરવા અને ફલાવર શોની જુદી-જુદી કામગીરી માટે થયેલો રૂ.૪૦.૩૪ લાખનો ખર્ચ મંજુર કરવા, વોર્ડ નં.૨માં છોટુનગર, પત્રકાર સોસાયટી, શ્રીમત પાર્ક વગેરે વિસ્તારમાં રસ્તાની સાઈડના પડખામાં પેવીંગ બ્લોક નાખવા સહિતની અલગ-અલગ ૧૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
વોર્ડ નં.૪માં રૂ.૩.૧૮ કરોડના ખર્ચે ટીપીના રસ્તા પર મેટલીંગ કરાશે
શહેરના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૪માં અલગ-અલગ ટીપી સ્કીમના રસ્તાઓ પર મેટલીંગ કરવા માટે રૂ.૩.૧૮ કરોડનો ખર્ચ મંજુર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. ટીપી સ્કીમ નં.૧૨,૧૩,૧૫ અને ૩૧ના ટીપીના રસ્તાઓ પર મેટલીંગ કરવા માટે રૂ.૧.૩૯ કરોડ અને ટીપી સ્કીમ નં.૧૪,૧૭ અને ૧૮ના ટીપી રસ્તાઓ પર મેટલીંગ કરવા માટે રૂ.૧.૭૯ કરોડનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી છે.
આ ઉપરાંત વેસ્ટ ઝોન કચેરીની વોટર વર્કસ શાખાના મવડી (પુનિતનગર) પમ્પીંગ સ્ટેશન ચલાવવાનો કોન્ટ્રાકટ આપવા સહિતની દરખાસ્ત રજુ કરાઈ છે.