શ્રમ મંત્રાલય ટૂંક સમયમાં પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલાવી યોજના સાકાર કરશે
ગરીબો માટે સરકારે સામાજીક સુરક્ષાની જવાબદારીરૂપે ૧.૨ લાખ કરોડની યોજના બનાવી છે. ગરીબોને વૈશ્વિક સામાજીક સુરક્ષા આપવાના હેતુસર કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે.
રૂપિયા ૧.૨ લાખ કરોડની ગરીબ સામાજીક સુરક્ષા યોજના બે તબકકામાં પૂરી કરવામાં આવશે. આ યોજના શ્રમ મંત્રાલયે તૈયાર કરી છે. જે નાણા મંત્રાલયને મોકલી આપવામાં આવશે. આગામી સામાન્ય ચૂંટણીઓ પૂર્વે કેન્દ્ર સરકાર ગરીબ કલ્યાણની આ યોજના લાગુ કરી દેવા માગે છે. જેથી ચુંટણીલક્ષી લાભ પણ લઇ શકાય.
ગરીબ કલ્યાણ યોજનાના પ્રથમ તબકકામાં પેન્શન, ઇન્સ્યુરન્સ વિગેરે લાભો લાભાર્થી ગરીબજનોને અપાશે. યોજનાના બીજા તબકકામાં મેડીકલ, મકાન અને રોજગારીને લગતા લાભો અપાશે.
દેશમાં અત્યારે ૪પ કરોડ લોકો નિયમિત રોજગાર મેળવે છે. પરંતુ તેમાંથી માત્ર ૧૦ ટકા વસ્તી પાસે જ સોશિયલ સિકયુરીટી કાર્ડ છે. રોજગારી મેળવતા લોકોની સંખ્યામાં વધારો થાય છે તેમાં શંકા નથી પરંતુ તેમને મળતા સોશિયલ સિકયુરીટી કવરેજ સામે
સવાલ છે.
(સ્વ.) ઇંદિરા ગાંધી સરકારે નારો આપ્યો હતો કપડા ઔર મકાન આ નામથી નિર્માતા – નિર્દેશક – અભિનેતા મનોજ કુમારે એક ફિલ્મ પણ બનાવી હતી. આ નારો દેશની જનતાને સોશિયલ સિકયુરીટી આપવા માટે જ તો હતો પરંતુ કોઇ અકળ કારણસર અથવા ગરીબ કલ્યાણ યોજનાઓમાં ત્રુટી રહી જવાના કારણે તળીયા સુધીના ખરા ગરીબ લાભાર્થીઓ સુધી તેનો લાભ પહોંચી શકયો નથી.
આથી શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલય જૂની ભૂલોનું પુનરાવર્તન ન થાય અતે યોજનામાં કોઇ જ ત્રુટી ન રહી જાય તે સુનિશ્ર્ચિત કરશે. ટુંકમાં આગામી સામાન્ય ચુંટણી પહેલા ગરીબ કલ્યાણ યોજના (સામાજીક સુરક્ષા) લાગુ કરવા કેન્દ્ર તત્પર છે.