- દરિયાઈ જીવ શ્રૃષ્ઠિ પરવાળાને હાથમાં લઈ નિહાળી શકાય તેવો વિશ્ર્વનો એકમાત્ર ટાપુ
- પ્રકૃતિને નુકશાન ન થાય તે માટે બધા નિયમોને ધ્યાનમાં રાખી પીરોટન ટાપુને વિકસાવવામાં આવ્યો
દરિયા કાંઠે વસેલા જામનગર જિલ્લામાં અનેક એવી જગ્યાઓ જોવાલાયક છે. પક્ષી અભ્યારણથી લઇને દરિયાઇ જીવ સૃષ્ટી જોવા માટે જામનગર જાણીતું છે. જામનગરમાં આવેલ પીરોટન ટાપુ દેશ અને દુનિયામાં વિખ્યાત છે. જ્યા તમે ડુબકી માર્યા વગર દરિયાઇ સૃષ્ટી નજીકથી જોવાનો લ્હાવો મળી શકે છે. એટલું જ નહીં વિશ્વમાં પીરોટન ટાપુ એક માત્ર એવી જગ્યા છે જ્યાં પરવાળાની શ્રૃંખલા ડુબકી માર્યા વગર પગેથી ચાલીને જોઇ શકાય છે. કહેવાય છે કે આ ટાપુ ખુબ જ જુનો હોવાને કારણે પુરાતન નામ પરથી આ ટાપુનું નામ પીરોટન પડ્યું છે. હાલ વર્ષ 2017 થી લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ વાત એ છે કે 2017 બાદ માત્ર એક જ મહિનો આ ટાપુ પ્રવાસીઓ માટે ખુલ્લો રહ્યો હતો. ત્યારબાદ હાલ ડેવલોપમેન્ટને પગલે પીરોટન ટાપુ બંધ છે. મનાઈ હોવા છતાં પણ તાજેતરમાં જ લગભગ ત્રણ જેટલા લોકોને પીરોટન ટાપુ એ જતા પોલીસે અટકાવી અને તેમની સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો હતો.
દરિયાઇ જીવસૃષ્ટિ જોવા માટે 12 કલાક જેટલું રોકાણ કરવું પડે છે માટે તે મુજબ તૈયારી કરીને આવવું. ટાપુ પર ટેપ કે અન્ય અવાજ કરે તેવા ઉપકરણો લઇ જવા નહીં. દરિયાઇ અજાયબીઓથી ભરપૂર આ ટાપુ પર પ્રવાસીઓને ક્રિકની બંને બાજુ ચેરના ગાઢ જંગલો જોવા મળશે, જો પ્રવાસીઓ ભાગ્યશાળી હોય તો બોટ સાથે રેસ લગાવતી રમતીયાળ ડોલ્ફીન પણ જોવા મળી શકે છે. આ સિવાય 108 જાતની બદામી લીલા તથા લાલ રંગની દરિયાઇ શેવાળ, 80થી વધુ જાતની દરિયાઇ વાદળીઓ, 37થી વધુ જાતના સખત અને નરમ વૈવિધ્યપૂર્ણ પરવાળાઓ. 27 જાનના જીંગા, 200થી વધુ જાતના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ, 150થી 200 જાતનાી નયનરમ્ય માછલીઓ, 3 જાતના અલભ્ય દરિયાઇ કાચબાઓ. 3 જાતના દરિયાઇ સાપ, 94થી વધુ જાતના પાણીના પક્ષીઓ. 78થી વધુ જાતના જમીન પરના પક્ષીઓય 3 જાતના સસ્તન પ્રાણીઓ જોવા મળે છે. ઉપરાંત ચેરના વૃક્ષો પણ ખૂબ જોવામળે છે.
જામનગરમાં આવેલો પીરોટન ટાપુ કચ્છના અખાતમાં આવેલા 42 ટાપુ પૈકીનો એક ટાપુ છે. ટાપુનો કુલ વિસ્તાર 1111.60 હેક્ટર ઓટના સમયે હોય છે અને ભરતી સમયે 300.54 હેક્ટર વિસ્તાર ખુલ્લો રહે છે. આ ટાપુ બેડી બંદરથી અંદાજે 22 નોટિકલ માઇલ દૂર આવેલ છે. આ ટાપુની મુલાકાતે જવા માટે જામનગરમાં આવેલી વન સંરક્ષકની મંજુરી લેવી જરૂરી છે. સિક્કા, રોઝીબંદર, નવાબંદર, બેડીબંદરતી યાંત્રિક બોડ દ્વારા પીરોટન ટાપુ પર જઇ શકાય છે. પરંતુ બેડીબંદર અથવા નવાબંદરથી પીરોટન જવા માટે જળમાર્ગ વધુ સુગમ રહે છે. અહીં જવા માટે તિથિ મુજબ પાંચમથી દસમ સુધીનો સમય વધુ અનુકુળ રહે છે.
યાંત્રિક બોટમાં અંદાજે સારા હવામાન મુજબ દોઢ કલાક જેવો સમય પીરોટન પહોંચવામાં લાગે છે. આ ટાપુ નૈસર્ગિક અવસ્થામાં જ છે જેથી ત્યાં કોઇ ભૌતિક સુવિધાઓ વિક્સાવવામાં આવી નથી. જેથી દરેક પ્રવાસીએ પીવાના પાણીથી લઇને તમામ પ્રાથમિક વસ્તુઓ સાથે લઇ જવી પડશે. પીરોટન ટાપુ સુધી જવા-આવવા માટે પ્રવાસીએ સ્વખર્ચે ખાનગી બોટ ભાડે મેળવવાની રહેશે. ટાપુની મુલાકાત જવા માટે પ્રવાસીએ સરકારે નિયત કરેલી ફી ભરવાની રહે છે. જોકે હાલ આ ટાપુને વિકસાવવામાં આવી રહ્યો હોવાથી ત્યાં જવા પર પ્રવેશ પ્રતિબંધનું જાહેરનામું ફરમાવવામાં આવ્યું છે બીજી બાજુ પ્રકૃતિને નુકસાન ન થાય તે બધા નિયમોને ધ્યાનમાં રાખી અને આ પિરોટન્ટ ટાપુને વિકસાવવામાં આવી રહ્યો છે.