જંગલેશ્વરના ૨ ટકા ‘નાસમજ’ના કારણે ૯૮ ટકાએ કફર્યુ અને કોરોનાનો સામનો કરવો પડયો: પૂર્વ કોર્પોરેટર રહીમ સોરા અને સામાજીક કાર્યકર મુન્નાબાપુ

સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. વાયરસને આગળ વધતો અટકાવવા તંત્ર દ્વારા સઘન પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે જંગલેશ્ર્વર વિસ્તારમાં સૌથી વધુ ૨૫ જેટલા દર્દીઓને કોરોના પોઝિટીવ રિપોર્ટ આવતા જંગલેશ્ર્વર વધુ જોખમ વધારે તેમ હોવાથી ગત મધરાતથી જંગલેશ્વર વિસ્તારને કર્ફયુ જાહેર કરવામાં આવતા છેલ્લા ૩૨ વર્ષમાં ચાર વખત જંગલેશ્વરમાં કર્ફયુ જાહેર થયો છે. જંગલેશ્વરમાં કોરોના પોઝિટીવના દર્દીઓ વધુને વધુ નોંધાતા પૂર્વ કોર્પોરેટર રહીમભાઇ સોરા અને સામાજીક કાર્યકર મુન્નાબાપુ દ્વાર સમગ્ર વિસ્તારને જાગૃત કરવા તનતોડ મહેનત કરતા હોવાથી અનેકના સંપર્કમાં આવતા મુન્નાબાપુને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સાઉદી અરેબીયાથી જંગલેશ્વરમાં આવેલા નદીમ નામના યુવાનને ગત તા.૧૮ માર્ચે કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો ત્યારે જ રહીમભાઇ સોરા અને હબીબમીયા ઉર્ફે મુન્ના બાપુએ કોરોનાની સમગ્ર જંગલેશ્વર વિસ્તારને સમજાવી હતી અને તંત્રને સહયોગ આપવા માટે જંગલેશ્ર્વર ખાતેની મસ્જીદમાં નમાજ પઢવાની મનાઇ કરી હતી તેમ છતાં માત્ર બે ટકા નાસમજના કારણે જંગલેશ્વરના ૯૮ ટકા વ્યક્તિઓને સહન કરવું પડતું હોવાનું જણાવ્યું હતું.

લોક ડાઉનનો પોલીસ અમલ કરાવવા આવે ત્યારે જંગલેશ્ર્વરના કેટલાક શખ્સો પોતાના ઘરમાં જતા રહેતા અને પોલીસ જતી રહે એટલે તુરંત જ લોક ડાઉનનો ભંગ કરી બહાર આવી જતા હોવાથી જંગલેશ્વર વિસ્તારમાં કોરોના સંકમણ વધ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસમાં ઉત્તરોતર વધારો થતાં સ્થાનિક વ્યક્તિઓએ પોતાના બચાવ માટે જંગલેશ્વરમાંથી હિજરત કરવાનું શરૂ કરતા કોરોના શહેરના અન્ય વિસ્તારમાં કોરોના પસરે તેમ હોવાથી ગતરાતથી જ જંગલેશ્વર વિસ્તારને કર્ફયુ જાહેર કરાયો છે.

જંગલેશ્વર વિસ્તારમાં સામાજીક કાર્યકર હબીબમીયા ઉર્ફે મુન્નાબાપુ જુસબમીયા બુખારીનો લોહીનો નમુનો લેવામાં આવ્યો હતો તેઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેમને સારવાર માટે કોરોના વોર્ડમાં દાખલ કરાયા છે. અને તેમના પરિવારને કોરોન્ટાઇન કરાયા છે.

જંગલેશ્વરમાં છેલ્લા ૩૨ વર્ષમાં ચાર વખત કર્ફયુ લાદવામાં આવ્યો છે. જેમાં સૌ પ્રથમ વખત રાજકોટ મ્યુનિસિપ કમિશનર જગદીશનની બદલી, રાજકોટ પૂર્વના ધારાસભ્ય ટપુભાઇ લીંબાસીયાના વિજય સરઘસ, ગોધરા કાંડ બાદ કોરોનાના કારણે કર્ફયુ લાદવામાં આવ્યો છે. ગતરાતથી જ જંગલેશ્વરમાં કફર્યુ જાહેર કરાતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીબી ઝોન-૧ રવિ મોહન સૈની, એસીપી એચ.એલ.રાઠોડ, ભક્તિનગર પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે એસઆરપી, હોમગાર્ડ, ટ્રાફિક વોર્ડન સહિતના સ્ટાફે સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધનો કડક રીતે અમલ કરાવ્યો છે.

જગદીશનની બદલી સમયે સમગ્ર શહેરમાં કફર્યુ લાદયો’તો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર જગદીશની બદલી થતા તેમની બદલી રોકવા માટે સમગ્ર શહેરમાં તોફાન ફાટી નીકળતા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા કર્ફયુ લાદવામાં આવ્યો હતો.

કોરોના વાયરસે જંગલેશ્વરને કફર્યુનો સામનો કરવો પડયો

રાજકોટમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારમાં નોંધાતા કોરોનાના ચેપથી બચવા કેટલાક શખ્સો હિજરત કરતા હોવાથી કોરોનાનો ચેપ અન્ય વિસ્તારમાં પરસે તેમ હોવાથી જંગલેશ્ર્વરમાં કર્ફયુ જાહેર કરવો પડયો છે.

ભાજપના કાર્યકરની હત્યા થતા જંગલેશ્વરમાં કર્ફયુ લગાવ્યો’તો

વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પૂર્વની બેઠક પર ભાજપના ટપુભાઇ લીંબાસીયા જીત્યા બાદ તેમના વિજય સરઘસ જંગલેશ્વર વિસ્તારમાં પહોચ્યું ત્યારે ભાજપના કાર્યકર રૈયાણીની થયેલી હત્યાના કારણે પોલીસ દ્વારા કર્ફયુ લાદવામાં આવ્યો હતો.

ગોધરાકાંડના પગલે રાજકોટમાં કફર્યુ જાહેર કરાયો’તો

ગોધરાકાંડના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ ફાટી નીકળેલા તોફાનના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજયભરમાં કફર્યુ જાહેર કરવામાં આવતા રાજકોટમાં કર્ફયુ જાહેર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.