કચ્છના નાના રણમાં દસ હજાર અગરીયાઓને પીવા માટે પાણી નહી મળતા અગરિયાઓનેની હાલત કફોડી : તંત્ર દ્વારા ૧૦ દિવસે આવતું પાણીનું ટેન્કર પણ અનિયમિત
મેહુહાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં રણકાંઠાનો વિસ્તાર ૪૦ ડીગ્રીથી વધુ તાપમાનમાં જાણે અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. રણમાં ઉનાળામાં પાણી સુકાતા જ અગરીયાઓનો વ્યવસાય પણ પડી ભાંગે છે અને રણમાં અગરીયાઓને પાણી મળતુ નથી તો પશુ પંખીની શું હાલત હશે ? આ પરિસ્થિતિમાં રણકાંઠાના ટીકર, માલણીયાદ, ખોડ, જોગડ, કુડા તેમજ ધ્રાંગધ્રાના ખારાઘોડા, વાછરડા બેટ સહીતના વિસ્તારોમાં અગરીયાઓને પીવાના પાણીની અછત સર્જાતા અગરિયા પરિવારોની હાલત દયનીય બનતા દુર દુર ભટકીને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે ૧૦ દિવસ સુધી પાણીના ટેન્કર નહીં આવતાં અગરીયાઓમાં પાણીની બૂમરાડ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, સરકાર દ્વારા રણકાંઠાના વિસ્તારના અગરીયાઓને પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણીના ટેન્કર મારફતે પાણી પુરવઠા વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારોમાં પાણી પહોચાડવામાં આવે છે પરંતુ હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તાર ગણાતા કચ્છના નાના રણમાં અગરીયાઓને પીવાનું પાણી નિયમિત નહી મળતા મુશ્કેલી વેઠવી પડે છે.
હળવદ પંથકના રણકાંઠાના ટીકર, માલણીયાદ, કીડી, ખોડ, જોગડ તેમજ ધ્રાંગધ્રા તાલુકાના કુડા, ખારાઘોડા, વાછડાબેટ સહિતના રણકાંઠાના વિસ્તાર એવા કચ્છના નાના રણમાં દસ હજાર જેટલા અગરીયાઓ રણમાં મીઠુ પકવીને પેટીયુ રળે છે. અગરીયાઓને ઉનાળાની કાળઝાળ ગરમીમાં રણકાંઠામાં પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે. તો બીજી તરફ કચ્છના નાના રણમાં સુરખાબ જેવા પક્ષીઓ તથા ઘુડખર, નીલગાય જેવા અનેક પશુઓ વસવાટ કરતા હોય છે ત્યારે પાણી વગર આવી કાળજાળ ગરમીમાં તેમની પરિસ્થિતી કેવી સર્જાતી હશે ?
પાણી પુરવઠા વિભાગ દ્વારા અગરીયાઓને પીવાના પાણી માટે ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ ૧૦ દિવસ સુધી પાણી મળવા પાત્ર નહી થતાં અગરિયાઓની હાલત કફોડી બની છે અને અગરિયાઓને દુર દુર ભટકીને પીવાનુ પાણી સાયકલ દ્રારા લાવવુ પડે છે. અમુક અગરીયાઓ સવારે ઘેરથી પીવાના પાણીના કેરબા માથે ઊચકીને રણમાં લઈ જાય છે.
આ અંગે અગરિયાઓને પુછતા જણાવેલ કે, હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ૪૧થી ૪૫ ડીગ્રી તાપમાનમાં અમો મીઠુ પકવવા રણમાં રહીએ છીએ પરંતુ ૧૦ દિવસ સુધી તંત્ર દ્વારા પાણીના ટેન્કર નિયમિત નહીં પહોંચતા અમોને દૂર દૂર પાણીની શોધમાં જઈ પાણી લાવવુ પડે છે. ત્યારે તંત્ર દ્વારા સત્વરે રણકાઠાંના વિસ્તારોમાં પીવા માટે પાણીના ટેન્કર નિયમિત પહોચાડે તેવી અગરીયાઓમાં માંગ ઉઠવા પામી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com