મેળે આવો તો ડોક્યુમેન્ટ લેતા આવજો…!
નવું ચૂંટણી કાર્ડ કઢાવવું, સ્થળ કે નામ સહિતના ફેરફાર જેવી કામગીરી માટે માર્ગદર્શન સાથે ફોર્મ ભરી અપાશે : રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલશે
સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં આ વખતે પ્રથમ વખત મતદારયાદીની કામગીરી પણ કરવામાં આવશે. એટલે કે જે લોકોએ મતદારયાદીની કોઈ કામગીરી બાકી હોય તો તેઓએ મેળે ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે.
સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વખતે આગામી 5 સપ્ટેમ્બરથી લઈને 9 સપ્ટેમ્બર સુધી યોજવાનો છે. ચાલુ વર્ષે યોજાનાર મેળામાં રાઈડ્સ માલિકોની રજૂઆતના પગલે નાની ચકરડીના ભાવ રૂ. 20ને બદલે 30 રૂપિયા કરવામાં આવ્યા છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 1984થી પ્રતિ વર્ષ શાસ્ત્રી મેદાન ખાતે મેળવવામાં આવતો હતો. તેમજ વર્ષ 2003થી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવી રહ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાર જગ્યાએ જાહેર શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજાને જુદી-જુદી 17 જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકમેળામાં લોકોની સુરક્ષા માટે યાંત્રિક રાઇડ્સ ચકાસણી માટે દરરોજ ફિટનેસ સર્ટીફીકેટ મેળવ્યા બાદ જ રાઇડ્સ શરૂ કરવાની મંજુરી અપાશે.
લોકમેળામાં પાણી પુરવઠા, યાંત્રિક રાઇડ્સની ચકાસણી, ફાયર સર્વિસ, સફાઈ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ્સ, કાયદો વ્યવસ્થા સહિતની જુદીજુદી સમિતિઓ લોકમેળાના સુચારૂ આયોજન અને અમલીકરણની કામગીરી કરશે. લોકમેળા સમિતિ દ્વારા પ્રાદેશિક માહિતી કચેરીને પ્રદર્શન સ્ટોલ ફાળવાશે, જેમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને પ્રદર્શિત કરવામાં આવશે. 13 જેટલી સંસ્થાઓને સમાજ ઉપયોગી માર્ગદર્શન માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.
મહિલાઓ તથા નાના કારીગરોને રોજગારી તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા આર્થીક વિકાસ નિગમ અને ઇન્ડેક્સ્ટ-સી ને સ્ટોલ ફાળવાશે.
આ ઉપરાંત મતદારયાદી સુધારણા કાર્યક્રમ માટે પણ મેળામાં સ્ટોલ મુકવામાં આવશે. જેમાં ચૂંટણી કાર્ડ નવા કાઢવા, જુના ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી કરવામાં આવશે.